આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૧ઃ
ધર્માત્મા ચક્રવર્તી ભરતની મુનિ ભક્તિ
(ભરત ચક્રવર્તી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના તેઓ પુત્ર છે, પોતે પહેલા ચક્રવર્તી, અને તે ભવે
મોક્ષગામી–ચરમશરીરી છે. ષટ્ખંડનું રાજ્ય પાલન કરતા હોવા છતાં પણ ભરત યોગી સમાન રહે છે. આત્મવિનોદ અને આંતરિક હિતચિંતન
તેના અંતરમાં નિરંતર રહ્યા કરે છે. આ મહાન ધર્માત્માના પવિત્ર જીવનનો એક પ્રસંગ અહીં આપવામાં આવે છે, જે ઉપરથી ધર્માત્મા પુરુષો
રાજપાટમાં હોવા છતાં તેમનું અંતર જીવન કેટલું અલૌકિક અને અલિપ્ત હોય છે તે જિજ્ઞાસુઓ સમજી શકશે...)
મુનિઓની આહાર ચર્યાનો સમય જાણીને ભરત રાજમહેલના દરવાજા તરફ ચાલ્યા...રાજદરબારમાંથી
આવ્યા પછી તેણે પોતાના શરીર ઉપરથી સમસ્ત રાજચિહ્નોને ઉતારી નાખ્યા હતા. દરબારી વસ્ત્રાભૂષણોને ઉતારી
નાખવાથી પણ શું તેની સુંદરતામાં ખામી આવી? ના. અત્યારે તે મુનિરાજના આગમન માટે દ્વાર–પ્રતીક્ષા માટે જતા
હતા; છત્ર, ચામર, ખડ્ગ, વગેરે રાજચિહ્નોની તેને જરૂર ન હતી. અત્યારે તો તે માત્ર પાત્ર દાનની ભાવના કરનાર
એક સામાન્ય ગૃહસ્થની સમાન હતા...
પાત્રદાનની પ્રતીક્ષા માટે જતાં તેમના ડાબા હાથમાં અક્ષત્, પુષ્પ વગેરે મંગળ દ્રવ્યો હતા અને જમણા
હાથમાં પાણીનો કળશ હતો. લોકોને તેમની સખ્ત આજ્ઞા હતી કે મારી સાથે કોઈ આવે નહિ અને માર્ગમાં મને કોઈ
નમસ્કાર કરે નહિ. જેમ કોઈ ખજાનાની ભાવનાવાળો ખજાનાની પૂજા કરીને તેને લઈ આવવા માટે જઈ રહ્યો હોય
તેમ તપોનિધિ મુનિરાજને તેડી લાવવા માટે ભરત ચક્રવર્તી જઈ રહ્યા છે. સેવકોએ રાજા પ્રત્યે અને રાજાએ ધર્માત્મા
ગુરુ પ્રત્યે કેવા પ્રકારે વિનય કરવો જોઈએ તે નીતિવંત ભરત સારી રીતે જાણતા હતા. દાન–પૂજા કરવી તે ગૃહસ્થનું
પોતાનું કર્તવ્ય છે, તે બીજાઓ મારફત કરાવવું ઉચિત નથી એમ સમજીને પોતે જાતે જ તે કાર્ય કરવા માટે જઈ રહ્યા
હતા.
જે વખતે તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે સાથેના લોકોને પાછળ રોકી દીધા હતા. આખરે રસ્તો પસાર
કરીને રાજમહેલની બહારના ચોકમાં આવીને ભરત મહારાજ ઉભા રહ્યા. અત્યારે હાથમાંનો કળશ તથા પૂજન
સામગ્રી નીચે રાખી દીધી છે અને વીતરાગી સાધુઓના આગમનની ખૂબ ઉત્સુકતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. આ
વખતે ભરતની શોભા અપાર હતી, જાણે સ્વયં ઇન્દ્ર જ મુનિ ભક્તિ કરવા માટે આવીને ઉભા હોય!
ભરત ઉભા ઉભા બહુ વિચાર કરી રહ્યા છે, તેમના મનમાં એવા ભાવ રમી રહ્યા છે કે હું આ સંસાર સમુદ્રને
પાર કરીને શીઘ્ર મુક્તિ ક્યારે પામીશ! જે ક્ષણે સ્વરૂપ રમણતા કરીને મુક્તિ પામું તે ક્ષણને ધન્ય છે!
જે ચોકમાં ભરત ઉભા છે તેની ત્રણ બાજુ ત્રણ રાજમાર્ગ છે, તે ત્રણે માર્ગો તરફ જોઈ જોઈને ભરત શાંત
ભાવથી મુનિઓના આગમનની રાહ જોઈ રહ્યા છે. જેમ કુમુદિની ચંદ્રની પ્રતીક્ષા કરતી હોય તેમ ભરત મુનિઓની
પ્રતીક્ષા કરી રહ્યા છે. ક્યારેક આંખો વડે દૂર દૂરના માર્ગ તરફ જુએ છે અને ક્યારેક જ્ઞાન ચક્ષુઓ વડે શરીર સ્થિત
આત્માનું નિરીક્ષણ કરી લ્યે છે. અંતરથી આત્માને અને બહારથી મુનિઓના માર્ગને જોતાં તેમના કાર્યમાં કાંઈ પ્રમાદ
થતો નથી.
ચારે બાજુ સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે, બધા લોકો જાણે છે કે આ ભરત મહારાજાનો મુનિદાનનો સમય છે.
કેટલાક સેવકો આસપાસમાં છૂપાઈને ભરતના આહાર દાન વિધિને જોવા માટે બેઠા છે. ભરત તેમને જોઈ શકતા
નથી...તે યોગ્ય જ છે,–ભરત પોતાની ચર્યાથી એમ બતાવી રહ્યા છે કે, ભલે આખો લોક મને જોઈ રહ્યો છે પરંતુ હું
તો લોકથી અલિપ્ત જ છું. તેથી જ તેઓ એકાકીપણે ઉભા છે. અત્યારે તેઓ એવા દેખાય છે કે કોઈ આત્મવિજ્ઞાની
પંચેન્દ્રિયોથી યુક્ત હોવા છતાં તેનાથી અલિપ્ત ઉદાસીન છે.
આ વખતે નિર્મળ યોગીઓનોે આહારદાન દેવા સિવાય પોતાના આહાર વગેરેની કોઈ ચિંતા તેમના ચિત્તમાં
નથી. આ દિવસે તે નગરીમાં ચર્યા માટે ઘણા યોગીરાજ પધાર્યા હતા પરંતુ રસ્તામાં જ ઘણા શ્રાવકોએ તેમનું
પ્રતિગ્રહણ કરી લીધું હોવાથી ભરતના મહેલ સુધી કોઈ આવ્યા ન હતા. મુનિઓના આગમન માટે ભરત ચક્રવર્તી
ખૂબ આતૂર છે. ક્યારેક ડાબી તરફ અને ક્યારેક જમણી તરફ જુએ છે પરંતુ ક્યાંય પણ જિનરૂપ નહિ દેખવાથી ફરી
આત્મ વિચારમાં એકાગ્ર થઈ જાય છે.
ઘણો વખત થઈ ગયો છતાં દૂર દૂર સુધી કોઈ જિનમૂદ્રા ધારક મુનિરાજ આવતા જણાતા નથી. શું આજ
કોઈ પર્વ ઉપવાસનો દિવસ છે? આજ કઈ તિથિ છે?...ના, આજ કોઈ પર્વ કે તિથિ નથી...તો પણ કેમ મુનિરાજ ન
પધાર્યા? મારા મહેલ તરફ કોઇ તપોનિધિ આવતા નથી તેનું શું કારણ હશે? શું કોઇએ મુનિરાજની નિંદા કરી? અરે,
જો એમ હોય તો મને ષટ્ખંડાધિપતિ કોણ કહેશે? મારા રાજ્યમાં મુનિ નિંદા કરનાર મનુષ્ય કોઈ છે જ નહિ...છતાં
મુનિઓનું આગમન કેમ થતું નથી? આહ! શું આજ મુનિ પ્રભુની સેવા કરવાનું મહાભાગ્ય નથી? ખરેખર, એક પણ
દિવસનું અંતર પડયા વગર નિરંતર મુનિઓને આહાર દાન દેવું તે મહા સૌભાગ્યની વાત છે...