Atmadharma magazine - Ank 045a
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
ઃ ૨૦૪ઃ આત્મધર્મઃ ખાસ અંક
આ જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે, દરેક દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, ભિન્નપણું કહેતાં જ સ્વતંત્રતા સાબિત થાય છે.
કોઈ એમ માને કે કોઈ વસ્તુનું કાર્ય પર દ્રવ્યની ઉપસ્થિતિને લીધે થાય છે, તો એમ માનનાર વસ્તુસ્વભાવની સાચી
શ્રદ્ધાથી ભ્રષ્ટ છે–એટલે કે જૈનદર્શનથી ભ્રષ્ટ છે. સ્વતંત્ર દ્રવ્યનું કાર્ય પણ સ્વતંત્ર પણે જ થાય છે. હાથ હાલ્યો તે કારણે
લાકડી ઊંચી થાય છે–એમ માનનારે લાકડીના પરમાણુ દ્રવ્યોની સ્વતંત્રતા માની નથી. લાકડી ઊંચી થઈ તે પોતાની
સ્વતંત્રતાથી જ થઈ છે અને હાથ ઊંચો થયો તે પોતાની સ્વતંત્રતાથી જ થયો છે. બન્નેની સ્વતંત્રતા પોતપોતામાં છે. કોઈ
પણ દ્રવ્યને જે પરાધીન માને છે તે પોતાને પણ પરાધીન માને છે. આત્મામાં સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની લાયકાત હોય તો
પ્રથમ સત્દેવ, ગુરુ, શાસ્ત્ર તરફ તેનું લક્ષ ગયા વગર રહે નહિ. અજ્ઞાનીઓ એમ જ કહે છે કે નિમિત્ત હોય તો લાભ થાય,
નિમિત્ત ન હોય તો લાભ કે કાર્ય ન થાય. એ વાત પણ ખોટી છે. જ્યારે જે વસ્તુમાં જે કાર્ય થવાની લાયકાત હોય તે જ
સમયે તે વસ્તુમાં તે કાર્ય થાય જ. અને તે વખતે યોગ્ય ઉપસ્થિત પદાર્થને નિમિત્ત કહેવાય. આવું વસ્તુ સ્વરૂપ નહિ
સમજનાર, સાચા જૈન સંપ્રદાયની બાહ્ય માન્યતા ધરાવતા હોય તોપણ તે દર્શનભ્રષ્ટ છે. નવ તત્ત્વને બરાબર જાણે, પુણ્યને
પુણ્ય તરીકે જાણે પણ તેને ધર્મ ન જાણે, શરીરની ક્રિયાનો કર્તા આત્માને ન માને–તે પણ વ્યવહાર શ્રદ્ધા છે, અને એ બધા
ભેદ–ભંગનું લક્ષ છોડીને અભેદ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા તે જ પરમાર્થ સમ્યગ્દર્શન છે. જો વ્યવહાર શ્રદ્ધાને
પરમાર્થશ્રદ્ધાનું કારણ માનીને તે વ્યવહારમાં જ અટકી જાય તો તેને પણ ધર્મ થતો નથી કેમ કે તેને શ્રદ્ધારૂપી મૂળ સડેલું છે.
(૧૪પ) જૈનદર્શન
જેઓ પરદ્રવ્યોથી આત્માનું ભેદવિજ્ઞાન કરતા નથી તથા રાગ, નિમિત્ત વગેરે હું નહિ, હું અવિકાર ચૈતન્ય છું એવી
પ્રતીતિપૂર્વક અસંગસ્વભાવનો અનુભવ કરતા નથી અને માત્ર વિકારનો જ અનુભવ કરે છે તે પણ જૈનદર્શનથી બાહ્ય છે.
લોકો માત્ર સંપ્રદાયથી જ જૈનદર્શનને માને છે, પણ આત્મસ્વભાવની શ્રદ્ધા એ જ સાચું જૈનદર્શન છે–એ વાત ભૂલી જાય
છે. સમયસારજીની ૧પ મી ગાથામાં કહ્યું છે કે જે શુદ્ધ આત્માને દેખે છે તે સમસ્ત જૈનશાસનને દેખે છે.
(૧૪૬) मूलं नास्ति कुतः शाखा?
સનાતન દિગંબર જૈન સંપ્રદાયમાં જન્મે અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માને એટલે તેમાં કેટલાકો સમ્યગ્દર્શન
માની બેસે છે અને ઝટ પડિમાગ્રહણ અને ત્યાગ કરવા મંડી પડે છે; પણ ભાઈ રે, તારા આત્માનો સ્વભાવ પરવસ્તુના
ગ્રહણ ત્યાગ રહિત છે એની ઓળખાણ વગર સમ્યગ્દર્શન હોય નહિ. સમ્યગ્દર્શન વગર શેની પડિમા અને કોનો ત્યાગ?
હજી સાચી સમજણરૂપી મૂળ તો છે નહિ તો વ્રત, પડિમા અને ત્યાગરૂપી ડાળી ક્યાંથી ફૂટવા માંડી? ‘
मूलं नास्ति कुतः
शाखा’ તેમ હજી ભેદજ્ઞાનવડે સ્વભાવ શું અને પરભાવ શું એ જાણ્યા વગર કોનો ત્યાગ કરીશ?
(૧૪૭) માત્ર સંપ્રદાયની બાહ્ય શ્રદ્ધા વડે મિથ્યાત્વ ટળે નહિ.
વસ્ત્ર સહિત મુનિપણું ન હોય, સ્ત્રીને મોક્ષ ન હોય એવી એવી બહારની વાત સાંભળીને હરખ આવે, પણ આત્મા
પોતે પોતાના સ્વભાવને ન સમજે ત્યાં સુધી તો તે પણ અન્યમતિની માફક મિથ્યાદ્રષ્ટિ છે.
(૧૪૮) જૈનધર્મ
ભાવ પાહુડની ૮૩મી ગાથામાં કહ્યું છે કે અન્યમતિઓ તથા લૌકિકજનો વ્રત, પૂજા અને પુણ્યાદિને જૈનધર્મ માને
છે. પરંતુ એ તો બધો રાગ છે, રાગ તે જૈનધર્મ નથી. જૈનશાસનમાં વ્રત–પૂજાદિના રાગને પુણ્ય કહેવામાં આવ્યું છે પણ
ધર્મ કહેવામાં આવ્યો નથી. રાગરહિત પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને વીતરાગતા તે જ જૈનધર્મ છે.
(૧૪૯) આત્મકલ્યાણની ખાતર જગતની દરકાર છોડી દેવી જોઈએ.
આ માર્ગ તો આગમ, યુક્તિ, પ્રમાણ અને સ્વાનુભવથી સિદ્ધ થાય છે; જગતમાં માટીના ઠામ લેવા જાય ત્યાં તેની
પરીક્ષા કરે અને આત્માના કલ્યાણને માટે સાચા દેવગુરુશાસ્ત્રની પરીક્ષા કરીને ઓળખે નહિ. ત્યાં જે કૂળમાં જન્મ્યો તે
કૂળના રિવાજ મુજબ દેવ–ગુરુ–શાસ્ત્રને માની લ્યે તેને ધર્મની દરકાર નથી. ઘણા કહે છે કે લૌકિકમાં આબરૂ રાખવા ખાતર
પણ કૂળધર્મના દેવ–ગુરુ–ધર્મને છોડાય નહિ, પણ ભાઈ રે અસત્ના પોષણ કરી કરીને તું તારા આત્માનું જ અહિત કરી
રહ્યો છો અને નિગોદની તૈયારી કરી રહ્યો છો, તે વખતે તારી આબરૂ ક્યાં રહેશે? જગતને ખાતર પોતાના
આત્મકલ્યાણનો માર્ગ છોડાય નહિ, પણ આત્મકલ્યાણ માટે જગતની દરકાર છોડી દેવી જોઈએ.