Atmadharma magazine - Ank 045a
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦૭ઃ
સામર્થ્યને ધારે છે તથા અનંત સુખવડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે, અને સર્વથા સર્વ રાગ–દ્વેષાદિ
વિકારભાવોથી રહિત થઈ શાંત રસરૂપ પરિણમ્યા છે. આત્માની એવી નિર્મળદશા થતાં ચાર ઘાતિકર્મોનો સ્વયં ક્ષય
થયો છે. વળી ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ તેઓ દેવાધિદેવપણાને પ્રાપ્ત થાય છે, આયુધ–અંબરાદિ વા
અંગ વિકારાદિક જે કામ–ક્રોધાદિ નિંદ્યભાવોનાં ચિહ્ન છે તેથી રહિત તેમનું પરમૌદારિક શરીર થયું છે. તેમનાં
વચનનાં નિમિત્તે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે અને તેથી પાત્ર જીવોનું કલ્યાણ થાય છે. લૌકિક જીવોને પ્રભુત્વ
માનવાના કારણરૂપ અનેક અતિશય તથા અનેક પ્રકારના વૈભવનું તેમને સંયુક્તપણું હોય છે. પોતાના હિતને અર્થે
શ્રીગણધર–ઇન્દ્રાદિક ઉત્તમ જીવો તેમનું સેવન કરે છે. એ કારણોએ સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત પરમેષ્ઠી છે.
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ–ઉપર કહ્યા મુજબ જે ગૃહસ્થ અવસ્થા તજી નિશ્ચયરત્નત્રયરૂપ મુનિધર્મ–
સાધનવડે અનંત ચતુષ્ટય ભાવ પ્રગટ કરી, કેટલોક કાળ વીત્યે પૂર્ણ શુદ્ધતાં પ્રગટતાં પરમૌદારિક શરીરને પણ છોડી
ઊર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ જે બિરાજમાન થયા છે તે સિદ્ધ ભગવાન છે. સંપૂર્ણ વિકારનો નાશ
થવાથી પૂર્ણ નિજ શુદ્ધતાની તેમને સિદ્ધિ થઈ છે. ચરમ એટલે કે અંતિમ શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેના
આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે. સમસ્ત જ્ઞાન–દર્શનાદિક આત્મીક ગુણો સંપૂર્ણ પણે સ્વભાવને પ્રાપ્ત થયા
છે, એક ક્ષેત્રાવગાહરૂપ જે કર્મો હતા તેનો પણ ત્યાં (સિદ્ધ દશામાં) સ્વયં અભાવ થયો છે, કેમ કે આત્માની પૂર્ણ
શુદ્ધિને અને કર્મોના અભાવને એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, તેમને સમસ્ત અમૂર્તત્ત્વાદિક આત્મીક ધર્મો પ્રગટ
થયા છે; ભાવ કર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન તેમને થઈ રહ્યું છે. તેમના
ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્યનું તથા ઔપાધિક–સ્વાભાવિક ભાવોનું વિજ્ઞાન થાય છે, અને તે વડે પોતાને
સિદ્ધસમાન થવાનું સાધન થાય છે. સાધવાયોગ્ય પોતાનું શુદ્ધસ્વરૂપ દર્શાવવા માટે તેઓ પ્રતિબિંબ સમાન છે, તથા
તેઓ કૃતકૃત્ય થયા છે, તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે. એવી દશાને પામેલા શ્રી સિદ્ધ પરમેષ્ઠી છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ–જે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીરાગી બની, સમસ્ત પરિગ્રહ છોડી,
શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી, અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યોમાં
અહંબુદ્ધિ ધારતા નથી; પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પર દ્રવ્યો
વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ તેને ઇષ્ટ–અનિષ્ટ માની તેઓ રાગદ્વેષ કરતા
નથી. શરીરની અનેક અવસ્થા થાય છે–બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્તો બને છે પરંતુ ત્યાં કંઈ પણ સુખ–દુઃખ તેઓ
માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચી તાણી કરવાનો ભાવ તેઓ
કરતા નથી. પોતાના ઉપયોગને તેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે. કદાચિત્
મંદ રાગના કારણે શુભોપયોગ પણ થાય છે, પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવાનો ઉદ્યમ કરે છે, તીવ્ર
કષાયના અભાવથી હિંસાદિરૂપ અશુભોપયોગપરિણતિનું તો તેમને અસ્તિત્વ જ રહ્યું નથી; એવી અંતરંગ અવસ્થા
થતાં તેના અવિનાભાવપણે થતી બાહ્ય દિગંબર સૌમ્યમૂદ્રાધારી થયા છે. શરીરસંસ્કારાદિ વિક્રિયાથી તેઓ રહિત થયા
છે. વનખંડાદિ વિષે તેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂળગુણોનું તેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પ્રકારના પરિષહજય
પ્રાપ્ત કરે છે, શુભાશુભ ઇચ્છાના નિરોધરૂપ તપને તેઓ આદરે છે. કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયામાં તેઓ
પ્રવર્તે છે. કોઈ વેળા મુનિધર્મને યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જે જૈનમુનિ છે તે
સર્વનું એવું જ સ્વરૂપ હોય છે.
તેઓમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે,
મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિષે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મ લોભી અન્ય જીવાદિકોને દેખી
રાગ અંશના કારણે કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષાગ્રાહકને દીક્ષા આપે છે તથા જે પોતાના દોષ
પ્રગટ કરે તેને પ્રાયશ્ચિતવિધિવડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા–કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠી છે.
વળી તે મુનિઓમાં જે ઘણાં જૈનશાસ્ત્રના જ્ઞાતા હોઈ સંઘમાં પઠન–પાઠનના અધિકારી બન્યા હોય, સમસ્ત
શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પરંતુ કદાચિત્ કષાય અંશના