Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૨૩૬ઃ આત્મધર્મઃ ૪૭
આત્માના સ્વભાવમાં વ્યવહારનો, રાગનો,
વિકલ્પોનો નિષેધ છે–અભાવ છે, છતાં જે વ્યવહારને,
રાગને કે વિકલ્પને આદરણીય માને છે તેને સ્વભાવની
રુચિ નથી, અને તેથી તે જીવ વ્યવહારનો નિષેધ કરીને
સ્વભાવમાં કદી ઢળી શકશે નહિ. સિદ્ધ ભગવાનને
રાગાદિનો સર્વથા અભાવ જ થઈ ગયો છે તેથી તેમને
હવે વ્યવહારનો નિષેધ કરીને સ્વભાવમાં ઢળવાનું રહ્યું
નથી. પણ સાધક જીવને પર્યાયમાં રાગાદિ વિકલ્પો,
વ્યવહાર વર્તે છે તેથી તેને તે વ્યવહારનો નિષેધ કરીને
સ્વભાવમાં ઢળવાનું છે.
હે જીવ, જો સ્વભાવમાં સર્વ પુણ્ય–પાપ વગેરે
વ્યવહારનો નિષેધ જ છે તો પછી, ‘હમણાં કોઈ પણ
વ્યવહાર કે શાસ્ત્રાભ્યાસ વગેરે કરી લઉં–પછી તેનો
નિષેધ કરીશ’–એવું આલંબન મોક્ષાર્થીને નથી, માટે તું
પરાશ્રિત વ્યવહારનું આલંબન છોડીને સીધે સીધો તું
ચૈતન્યને સ્પર્શ, કોઈ પણ વૃત્તિના આલંબનના શલ્યમાં
ન અટક. સિદ્ધ ભગવાનની જેમ તારા સ્વભાવમાં એકલું
ચૈતન્ય છે તે ચૈતન્યસ્વભાવને જ સીધે સીધો સ્વીકાર,
તેમાં ક્યાંય રાગાદિ દેખાતા જ નથી; રાગાદિ છે જ નહિ
તો પછી તેના નિષેધનો વિકલ્પ કેવો? સ્વભાવની
શ્રદ્ધાને કોઈપણ વિકલ્પનું અવલંબન નથી. જે
સ્વભાવમાં રાગ નથી તેની શ્રદ્ધા પણ રાગથી થતી નથી.
એ રીતે સિદ્ધ સમાન પોતાના આત્માના ધ્યાન વડે
એકલું ચૈતન્ય છુટું અનુભવાય છે, ને ત્યાં સર્વ
વ્યવહારનો નિષેધ સ્વયમેવ થઈ જાય છે. આ જ
સાધકદશાનું સ્વરૂપ છે. *
સ્વતઃસિદ્ધ શક્તિને પરની અપેક્ષા નથી
(શ્રી જયધવલઃ ભાગ ૧ પૃષ્ટ ૨૩૮)
શંકા– શબ્દનો પદાર્થની સાથે કોઈ સંબંધ નથી તો તે
શબ્દ પદાર્થનો વાચક કઈ રીતે થઈ શકે છે?
સમાધાન– ‘પ્રમાણ અર્થાત્ જ્ઞાનનો જ્ઞેયપદાર્થોની
સાથે કોઈ સંબંધ નથી છતાં પણ તે જ્ઞાન પદાર્થોને કઈ
રીતે જાણે છે?’ આ વાત પણ ઉપરની શંકા જેવી છે.
અર્થાત્ જેવી રીતે જ્ઞાન અને જ્ઞેય પદાર્થોનો કોઈ સંબંધ
ન હોવા છતાં પણ જ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણી લે છે, તેવી
રીતે જ શબ્દનો પદાર્થોની સાથે કાંઈ સંબંધ ન હોવા છતાં
પણ શબ્દ પદાર્થોનો વાચક (કહેનાર) હોય–તેમાં શું
આપત્તિ છે?
શંકા– જ્ઞાન અને જ્ઞેય પદાર્થોને તો જન્ય–જનક
લક્ષણવાળો સંબંધ છે.
સમાધાન– એમ નથી, કેમકે વસ્તુની શક્તિની બીજા
પદાર્થોદ્વારા ઉત્પત્તિ માનવામાં વિરોધ આવે છે. અર્થાત્
જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવા જ રૂપે જાણવાની
શક્તિને પ્રમાણ કહેવાય છે. એ જાણવાની શક્તિ
પદાર્થોદ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. અહીં આ વિષયમાં
ઉપયોગી શ્લોક આપવામાં આવે છે–
स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम्।
न हि स्वतो ऽ सती शक्तिः कर्तुमन्येत पार्यते।।
અર્થઃ– સર્વ પ્રમાણોમાં સ્વતઃ પ્રમાણતા સ્વીકાર કરવી
જોઈએ (–અર્થાત્ દરેક જ્ઞાન પોતાથી જ થાય છે એમ
સ્વીકારવું જોઈએ) કેમકે જે શક્તિ પદાર્થોમાં સ્વતઃ
વિદ્યમાન ન હોય તે શક્તિ બીજા પદાર્થોદ્વારા કરી શકાતી
નથી.
* * * * *
ઉપર આપેલા જયધવલના ભાગમાં વીરસેનાચાર્યદેવે
જે શ્લોક આપ્યો છે તેની બીજી લીટી, સમયસારશાસ્ત્રની
ગા. ૧૧૬ થી ૧૨૦ ની શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવકૃત ટીકામાં
આવે છે. ત્યાં તેઓશ્રીએ નીચે મુજબ જણાવ્યું છે–
न हि स्वतो ऽ सती शक्तिः कर्तुमन्येन पार्येत
એટલે કે વસ્તુમાં જે શક્તિસ્વતઃ (પોતાથી જ) ન હોય
તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને ‘
स्वयं परिणममानं
तु न परं परिणमयितारमपेक्षेत। न हि वस्तुशक्तयः
परमपेक्षंते
’ એટલે કે સ્વયં પરિણમતાને તો પર
પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની
શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. ત્યાર પછી ગાથા.
૧૨૧ થી ૧૨પની ટીકામાં પણ અક્ષરશઃ એ જ શબ્દો કહ્યા
છે. *
સમાચાર
પરમાત્મ પ્રકાશ
દ્વિ. શ્રાવણ વદ પ ના દિવસે, સવારના વ્યાખ્યાનમાં
શ્રી પંચાસ્તિકાયનું વાંચન પૂરું થયું અને શ્રી
પરમાત્મપ્રકાશનું વાંચન શરૂ થયું છે. આ શાસ્ત્રના કર્તા
શ્રીયોગીન્દ્રદેવ છે અને ટીકાકાર શ્રીબ્રહ્મદેવ છે. આ શાસ્ત્ર
ઊચ્ચ આધ્યાત્મિક ભાવોથી ભરેલું છે. બપોરે
સમયસારનો આસ્રવઅધિકાર વંચાય છે.
દશલક્ષણપર્વ
ભાદરવા સુદ પ થી ૧૪ સુધી આ પર્વ ઉજવાય છે. આ
પર્વને ‘પર્યુષણપર્વ’ પણ કહેવાય છે. જૈનશાસનમાં આ
પર્વ સૌથી મુખ્ય છે. આ પર્વના દસ દિવસો દરમિયાન
આત્મભાનપૂર્વક ઉત્તમક્ષમા, નિરભિમાનતા,
માયારહિતપણું, નિર્લોભવૃત્તિ, સત્ય, સંયમ, તપ, ત્યાગ,
અકિંચન્યપણું તથા બ્રહ્મચર્ય–એ દશ ધર્મોની ભાવના
તેમજ તેના સ્વરૂપનું કથન, તેનું માહાત્મ્ય અને તેની
પ્રાપ્તિ માટેનો અભ્યાસ કરવામાં આવે છે.
***