ઃ ૨૩૮ઃ આત્મધર્મઃ ૪૭
શ્રદ્ધાથી પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યાત્વનો અભાવ કર્યો તે જ સ્વભાવના આશ્રયે વિશેષ પુરુષાર્થવડે આત્માના
અનાકુળ શાંત ઉપશમરસમાં મગ્ન થઈને રાગ–દ્વેષથી રહિત થાય છે અને બંધનો નાશ કરીને મુક્તિ સુખને અનુભવે
છે. આ રીતે, ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી સ્વાશ્રય જ છે, પરાશ્રયભાવે ધર્મ થતો નથી. આત્માના સ્વભાવને
લક્ષીને પ્રયત્ન કરવો તે ધર્મ પુરુષાર્થ છે, તે ધર્મની ક્રિયા છે, ને તે જ સુખી થવાનો ઉપાય છે. *
* * * * *
દ્રવ્યદ્રષ્ટિ અને પર્યાયદ્રષ્ટિ તથા તેમનું પ્રયોજન
ગુણ–પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે; આત્મદ્રવ્ય પોતાના સ્વભાવથી ટકેલું છે પણ રાગને લીધે તે ટકેલું નથી.
આત્માના સ્વરૂપમાં રાગ નથી તેમજ રાગવડે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને સ્વીકાર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ. કેમકે પર્યાય તો એક સમય પુરતી જ છે,
બીજા સમયે તો તેની નાસ્તિ થઈ જાય છે, તેથી પર્યાયના લક્ષે એકાગ્રતા કે સમ્યગ્દર્શન થઈ શકતું નથી. કેવળજ્ઞાન
પણ એક સમય પુરતી પર્યાય છે, પરંતુ એવી અનંતઅનંત પર્યાયોને અભેદપણે સંઘરીને દ્રવ્ય પડયું છે, અર્થાત્
અનંતી કેવળજ્ઞાન પર્યાયો પ્રગટવાની શક્તિ દ્રવ્યમાં છે, માટે કેવળજ્ઞાનના માહાત્મ્ય કરતાં દ્રવ્યસ્વભાવનું માહાત્મ્ય
અનંતુ છે. આ સમજવાનું પ્રયોજન એ છે કે પર્યાયમાં એકત્વબુદ્ધિ છોડીને દ્રવ્યસ્વભાવમાં એકત્વબુદ્ધિ કરવી;
એકત્વબુદ્ધિ એટલે ‘આ જ હું’ એવી માન્યતા. પર્યાયના લક્ષે ‘આ જ હું’ એમ પર્યાય જેટલો જ પોતાને ન માનતાં,
ત્રિકાળી દ્રવ્યના લક્ષે ‘આ જ હું’ એમ દ્રવ્યસ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. કેવળજ્ઞાનાદિ કોઈ પણ પર્યાય
એક સમય પુરતી અસ્તિરૂપે છે, બીજા સમયે તો તેની નાસ્તિ થઈ જાય છે, માટે પર્યાય જેટલો આત્માને માનવાથી
સમ્યગ્દર્શન થતું નથી. અને જે દ્રવ્યસ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ સત્ અસ્તિરૂપે છે, કેવળજ્ઞાન પ્રગટ હો કે ન હો
તેની પણ જેને અપેક્ષા નથી એવા તે સ્વભાવને માનવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવતી નથી. પણ દ્રવ્યમાંથી જ આવે છે અર્થાત્ એક પર્યાય પોતે બીજી
પર્યાયરૂપે પરિણમતી નથી પણ ક્રમબદ્ધ એક પછી એક પર્યાયરૂપે દ્રવ્યનું જ પરિણમન થાય છે તેથી પર્યાયદ્રષ્ટિ
છોડીને દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ શુદ્ધતા પ્રગટે છે.
પર્યાય ખંડ–ખંડરૂપ છે, તે સદાય એક સરખી રહેતી નથી, અને દ્રવ્ય અખંડરૂપ છે, તે સદાય એક સરખું રહે
છે. માટે દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધતા પ્રગટે છે.
પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય ત્રિકાળ છે; ત્રિકાળીના જ લક્ષે એકાગ્રતા થઈ શકે છે અને ધર્મ પ્રગટે છે, પણ
ક્ષણિકના લક્ષે એકાગ્રતા થતી નથી, તેમ જ ધર્મ પ્રગટતો નથી.
પર્યાય ક્રમવર્તી સ્વભાવવાળી હોવાથી, એક સમયે એક જ હોય છે અને દ્રવ્ય તો અક્રમવર્તી સ્વભાવવાળું
અનંત પર્યાયોનો અભેદ પિંડ છે, તે દરેક સમયે પુરેપુરું છે; છદ્મસ્થને વર્તમાન પર્યાય અપૂર્ણ છે અને દ્રવ્ય પુરું છે,
તેથી પરિપૂર્ણતાના લક્ષે જ સમ્યગ્દર્શન અને વીતરાગતા પ્રગટે છે પણ અપૂર્ણતાના લક્ષે સમ્યગ્દર્શન કે વીતરાગતા
પ્રગટતાં નથી, પરંતુ ઊલટો રાગ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દર્શન પછી પણ જીવને પરિપૂર્ણતાના લક્ષે જ ક્રમે ક્રમે
ચારિત્ર વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટે છે.
મુમુક્ષુઓએ ઉપર પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફ રુચિ
(ઉપાદેયબુદ્ધિ) કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે અને પર્યાયની એકત્વબુદ્ધિ છોડવી યોગ્ય છે. આ જ ધર્મનો
ઉપાય છે.
જેને પર્યાયદ્રષ્ટિ હોય તે જીવ રાગને પોતાનું કર્તવ્ય માને જ અને રાગથી ધર્મ માને જ, કેમકે પર્યાયદ્રષ્ટિમાં
તો રાગની જ ઉત્પત્તિ છે; અને રાગનો સંબંધ પરદ્રવ્યો સાથે જ હોવાથી, પર્યાયદ્રષ્ટિવાળો જીવ પરદ્રવ્યોના લક્ષે
પરદ્રવ્યોનો પણ કર્તા પોતાને માને–આનું જ નામ મિથ્યાત્વ છે, આ જ અધર્મ છે.
પણ, જેને દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જીવ કદી રાગને પોતાનું કર્તવ્ય માને જ નહિ અને તેમાં ધર્મ માને
જ નહિ, કેમકે સ્વભાવમાં રાગનો અભાવ જ છે. પર્યાયના રાગનું કર્તાપણું પણ જે ન માને તે પરદ્રવ્યનું તો કર્તાપણું
માને જ કેમ? એટલે તેને પરથી અને રાગથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાન અને વીતરાગતાની જ ઉત્પત્તિ થયા
કરે–આનું જ નામ સમ્યગ્દ્રષ્ટિ છે, અને આ જ ધર્મ છે.
માટે બધાય આત્માર્થિ જીવોએ અધ્યાત્મના અભ્યાસ વડે દ્રવ્યદ્રષ્ટિ કરવી, એ જ પ્રયોજનભૂત છે. દ્રવ્યદ્રષ્ટિ
કહો કે શુદ્ધનયનું અવલંબન કહો, નિશ્ચયનયનો આશ્રય કહો–એ પરમાર્થે એક જ છે.
(નિયમસાર પ્રવચન વખતે ચર્ચા)