આ અંકના મુખપૃષ્ઠ ઉપર છાપેલા લખાણ ઉપર પૂજ્ય
સદ્ગુરુદેવશ્રીએ ‘આત્મધર્મ’ ના પાંચમા વર્ષની શરૂઆતમાં
માંગળિક તરીકે આપવા માટે કરેલું વ્યાખ્યાન: આસો સુદ ૫ રવિ.
આત્મ – ભાવના
(૧) સર્વજ્ઞના બધા શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગભાવ છે, અર્થાત્ સ્વ પદાર્થના આશ્રયરૂપ સ્વભાવભાવ
અને પર પદાર્થોની ઉપેક્ષા એ જ બધાનો સાર છે.
આ સમયસાર શાસ્ત્ર ખરેખર આત્માનો સ્વભાવ બતાવવાનું સાધન છે. આ શાસ્ત્ર જાણીને ભવ્ય જીવોએ
શું કર્તવ્ય કરવું? તે જયસેનાચાર્યદેવે બતાવ્યું છે, અને પરમાત્મ–પ્રકાશમાં પણ એ જ પ્રમાણે કહ્યું છે. બધા
શાસ્ત્રોનો સાર શું અથવા ભવ્ય જીવોનું કર્તવ્ય શું? શું પૂજા–ભક્તિ કે પર જીવની દયા વગેરે ક્રિયાઓ કર્તવ્ય છે?
તેનો ખુલાસો કરતાં આચાર્યદેવ જણાવે છે કે ભવ્ય જીવોએ નીચે મુજબ નિરંતર ભાવના રાખવી એ કર્તવ્ય છે.
(૨) सहजशुद्धज्ञानानंदैकस्वभावोऽहं એટલે કે હું સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેનો એક સ્વભાવ છે એવો
છું. આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું સહજ સ્વાભાવિક વસ્તુ છું. હું સ્વાભાવિક વિકારરહિત આત્મા છું.
શુદ્ધ જ્ઞાન અને આનંદ જ મારો સ્વભાવ છે, અને તે સહજ છે; મારા જ્ઞાન આનંદ માટે પરની અપેક્ષા નથી. શુદ્ધ
જ્ઞાન આનંદ સ્વભાવ છે તેની જ ભાવના કરવા જેવી છે. પર્યાયમાં અશુદ્ધતા, અધુરું જ્ઞાન કે આકુળતા છે તેની
ભાવના કરવા જેવી નથી. અશુદ્ધ પર્યાયની ભાવના છોડીને સહજ શુદ્ધજ્ઞાન સ્વભાવની જ ભાવના કરવી. જ્ઞાન
સ્વભાવ આનંદ સહિત છે. એવો જે જ્ઞાન અને આનંદરૂપ એક સ્વભાવ તે જ હું છું, મારામાં આકુળતા કે દુઃખ નથી.
અહીં (મૂળ લખાણમાં) પહેલાંં સ્વભાવ બતાવ્યો છે અને પછી વિભાવથી રહિતપણું બતાવ્યું છે. સહજ
પરિપૂર્ણ સ્વભાવ છે–તે પહેલાંં બતાવ્યો છે.
મારો સ્વભાવ એક જ છે, મારો સહજ જ્ઞાન આનંદ સ્વભાવ સદા એકરૂપ છે. વધારે રાગને મંદ રાગ
અથવા ઓછું જ્ઞાન ને વધારે જ્ઞાન–એવા જે પર્યાયના અનેક પ્રકાર છે તે મારું સ્વરૂપ નથી. હું એક જ સહજ
સ્વભાવવાળો છું. આવી ભાવનાથી પોતાના આત્માને ભાવવો, અને બધા આત્માનો સ્વભાવ પણ આવો જ
છે–એમ ભાવના કરવી. હું સહજ જ્ઞાન આનંદ સ્વરૂપ છું અને જગતના બધા આત્માઓ પણ એવા જ છે. રાગ–
દ્વેષ કે અપૂર્ણતા કોઈ આત્માનું સ્વરૂપ નથી. આ પ્રમાણે સહજ જ્ઞાનાનંદ એક સ્વરૂપે પોતાના આત્માને ભાવવો
એ જ સદા કર્તવ્ય છે અને તે જ મુક્તિની ક્રિયા છે.
(૩) निर्विकल्पोऽहं એટલે કે હું નિર્વિકલ્પ છું–આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું સંકલ્પ–
વિકલ્પથી રહિત–નિર્વિકલ્પ છું; દયા–ભક્તિના કે હિંસાદિના કોઈ વિકલ્પ મારા સ્વરૂપમાં નથી. દયાદિની લાગણી થાય
તે હું–એવો સંકલ્પ મારામાં નથી, અને જ્ઞેયોના ભેદને લીધે મારા જ્ઞાનમાં પણ ભેદ પડી જાય છે–એવી માન્યતારૂપ
વિકલ્પ પણ મારામાં નથી. હું સંકલ્પ–વિકલ્પરહિત નિર્વિકલ્પ સ્વભાવ છું; અને જગતના બધા જ આત્મા આવા જ
છે. હું મારા સહજસ્વભાવમાં ઢળીને મારા આત્માને તો નિર્વિકલ્પ અનુભવું છું, અને જ્યારે પર લક્ષ થાય ત્યારે
જગતના બધા આત્માનો પણ નિર્વિકલ્પસ્વભાવ છે એમ હું જાણું છું. તેના વર્તમાન પર્યાયમાં દોષ હોય તે તેનું સ્વરૂપ
નથી. જીવનું સ્વરૂપ તો સર્વ સંકલ્પ–વિકલ્પરહિત છે. આવા આત્મસ્વભાવની ભાવના સદા કરવા યોગ્ય છે.
(૪) उदासीनोऽहं એટલે કે હું ઉદાસીન છું–આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું બધાય પર દ્રવ્યોથી
ઉદાસીન છું. મારો સ્વભાવ કર્મોથી ઉદાસીન છે, દેવ–ગુરુ–શાસ્ત્રથી ઉદાસીન છે અને રાગાદિ વિકારથી પણ ઉદાસીન
છે. મારા સહજ જ્ઞાનાનંદ સ્વભાવને કોઈની અપેક્ષા નથી, કોઈ નિમિત્તની પણ અપેક્ષા નથી; હું તદ્ન નિરપેક્ષ છું.
(૫) સહજ શુદ્ધ જ્ઞાન–આનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ અને ઉદાસીન એવો જે પોતાનો સ્વભાવ છે તેનું વેદન–
જ્ઞાન ને પ્રાપ્તિ કઈ રીતે થાય–તેની ભાવના હવે કહે છે–
ખાસ વિનંતિ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી ગુજરાતી ‘આત્મધર્મ’ માસિકના પ્રચારની તથા એક પુસ્તિકાના
પ્રચારની યોજના કરવામાં આવી છે, તે માટે ૫૦૦૦ સરનામાની જરૂર છે; તેથી આત્મધર્મના સર્વ વાચકોને અને
શ્રી જૈન અતિથિ સેવા સમિતિના સર્વે મેમ્બરોને વિનંતિ છે કે–જેટલાં મળી શકે તેટલાં તત્ત્વપ્રેમી મુમુક્ષુઓનાં,
ધાર્મિક સંસ્થાઓનાં, ત્યાગીઓનાં ઉપદેશકોનાં, વિદ્વાનોનાં, તેમજ ડોકટરો, વકીલો અધિકારીઓ, શિક્ષકો, તથા
વાંચનાલયોના પૂરા નામો તથા સરનામાઓ વહેલાસર આત્મધર્મ કાર્યાલય મોટા આંકડિયા તરફ મોકલી આપે.
રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ