: ૪ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
निजनिरंजनशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चय–रत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसं जात–
वीतरागसहजानंदरूपसु–स्वानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं
એટલે કે હું નિજનિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ
સમાધિ તેનાથી ઉત્પન્ન વીતરાગસહજાનંદરૂપ સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવા
સ્વસંવેદનજ્ઞાન વડે સ્વસંવેદ્ય ગમ્ય પ્રાપ્ય–એવો ભરિતાવસ્થ છું. –આમ પોતાના આત્માની ભાવના ભાવવી.
મારો પરિપૂર્ણ સ્વભાવ છે તે મારા જ સ્વસંવેદન જ્ઞાનથી અનુભવાય છે, જણાય છે ને પ્રાપ્ત થાય છે, તેમાં અન્ય
કોઈની જરૂર નથી. મારી જેમ જગતમાં અનંત આત્માઓ છે તેમનો સ્વભાવ પણ પરિપૂર્ણ છે, અને તેમને પણ
સ્વસંવેદનજ્ઞાનથી જ તેની પ્રાપ્તિ થાય છે, બીજો કોઈ ઉપાય નથી.
પહેલાંં કહ્યું કે ‘નિજ’ એટલે કે મારો આત્મા; જગતમાં અનંત આત્માઓ છે તે નહિ પણ મારો જ
આત્મા; તે કેવો છે? નિરંજન છે. રાગ–દ્વેષ–મોહરૂપી ભાવ–કર્મ, દ્રવ્યકર્મ તેમ જ નોકર્મથી રહિત મારો સ્વભાવ
છે. એવા મારા શુદ્ધ આત્મસ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા તે જ નિશ્ચયરત્નત્રય છે. એવા
નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ વડે જે સ્વસંવેદન જ્ઞાન થાય છે તેનાથી જ આત્મા વેદાય છે–જણાય છે–
ને પ્રાપ્ત થાય છે; બીજી કોઈ રીતે શુદ્ધાત્મા વેદાતો નથી–જણાતો નથી ને પ્રાપ્ત થતો નથી. પોતાના નિરંજન
સ્વરૂપની સાચી શ્રદ્ધા જ્ઞાન અને તેમાં જ લીનતારૂપ–તન્મયતારૂપ ચારિત્ર એવા નિશ્ચયરત્નત્રય જ
આત્મસ્વભાવની પ્રાપ્તિનો ઉપાય છે, વ્યવહારરત્નત્રય પણ ઉપાય નથી. વ્યવહાર રહિત–વિકલ્પ રહિત–મનના
અવલંબન રહિત–ગુણ ભેદ રહિત એવા નિજ સ્વભાવની શાંતિથી ઉત્પન્ન થયેલો જે સહજ આનંદનો અનુભવ તે
જ આત્માનું સ્વસંવેદન છે. અને એવા આત્મસ્વભાવના સ્વસંવેદન વડે જ વેદાઉ છું–જણાઉં છું તે પ્રાપ્ત થાઉં છું.
હું મારી જ નિર્મળ અવસ્થાથી વેદાઉં છું–જણાઉં છું ને પ્રાપ્ત થાઉં છું, કોઈ અન્યથી હું જણાતો–વેદાતો કે
પ્રાપ્ત થતો નથી, તેથી હું ભરિત–અવસ્થ છું, મારા સ્વભાવથી હું પરિપૂર્ણ છું.
જગતના બધા જીવો પણ ભરિતાવસ્થ–પરિપૂર્ણ છે; તેઓ પણ પોતાના આત્માની નિશ્ચયરત્નત્રયાત્મક
અનુ–ભૂતિથી જ સંવેદ્ય છે, જણાવાયોગ્ય છે ને પ્રાપ્ત થવા યોગ્ય છે. હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ છું, હું પરથી પ્રાપ્ત
થવા યોગ્ય નથી, ને મારાથી પર પદાર્થો પ્રાપ્ત થવા યોગ્ય નથી. હું મારા સ્વભાવના સ્વસંવેદન જ્ઞાન વડે જ
ગમ્ય છું, પણ મનના વિકલ્પોથી, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાથી, અગીઆર અંગના જ્ઞાનથી કે પંચ મહાવ્રતથી
જણાઉં તેવો હું નથી. આવી ભાવના જ કર્તવ્ય છે. નિશ્ચયરત્નત્રયસ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન સિવાય બધા વ્યવહાર
અને ક્રિયાકાંડના આમાં મીંડા વળે છે, આ જ સાચી ક્રિયા છે.
મારા આત્માના જ સ્વસંવેદન જ્ઞાનથી જણાવાયોગ્ય, વેદાવાયોગ્ય અને પ્રાપ્ત થવા યોગ્ય એવો હું ભરિત–
અવસ્થ છું–અવસ્થાઓથી ભરપૂર છું અને પરિપૂર્ણ સ્વરૂપે છું. આવું પરિપૂર્ણ સ્વરૂપ છે તે જ ભાવના કરવા
યોગ્ય છે, અપૂર્ણતા કે વિકારની ભાવના કરવા જેવી નથી.
(૬) આ રીતે, પહેલાંં ‘સ્વભાવથી ભરેલો–પરિપૂર્ણ છું’ એમ અસ્તિથી કહ્યું, હવે ‘મારો સ્વભાવ સર્વ
વિભાવોથી ખાલી–શૂન્ય છે’ એમ નાસ્તિથી કથન કરે છે. સ્વભાવથી ભરપૂર અને વિકારથી શૂન્ય એમ અસ્તિ–
નાસ્તિ દ્વારા આત્મસ્વભાવની ભાવનાનું વર્ણન છે.
रागद्वेषमोह–क्रोधमानमायालोभ–पंचेन्द्रियविषयव्यापार–मनोवचनकायव्यापार–भावकर्मद्रव्यकर्मनो–
कर्मख्यातिपूजालाभ–द्रष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्व–विभावपरिणामरहित
शून्योऽहं એટલે કે હું રાગદ્વેષ મોહ, ક્રોધમાનમાયાલોભ, પાંચ ઈન્દ્રિયોનો વિષયવ્યાપાર–મનવચનકાયાનો
વ્યાપાર, ભાવકર્મ–દ્રવ્યકર્મનોકર્મ, ખ્યાતિપૂજાલાભની તેમ જ દ્રષ્ટશ્રુત અનુભૂત ભોગોની આકાંક્ષારૂપ
નિદાનમાયા મિથ્યારૂપ ત્રણ શલ્ય–ઈત્યાદિ સર્વ વિભાવ પરિણામરહિત શૂન્ય છું. –આમ પોતાના આત્માની
ભાવના ભાવવી.
રાગ–દ્વેષ અને મોહ એટલે કે સ્વરૂપમાં અસાવધાની તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ રાગ–દ્વેષ–મોહથી
ખાલી છે. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ પણ મારું સ્વરૂપ નથી. વ્યવહારરત્નત્રયની વૃત્તિ ઊઠે તે
આત્માનો વેપાર નથી. ક્રોધ, માન, માયા, લોભથી પણ હું ખાલી છું; ક્રોધાદિ આકુળભાવ મારામાં નથી.
હું પાંચ ઈન્દ્રિયોના વિષય વ્યાપારથી રહિત છું. જેટલા પાંચ ઈન્દ્રિયોના વિષય છે તે હું નથી. પાંચ
ઈન્દ્રિયો વડે જે જ્ઞાન થાય તે પણ મારું સ્વરૂપ નથી,