Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૫ :
ઉત્પાદ થયો તે નાશ રહિત છે. એ સમ્યગ્દર્શનને પણ સુપ્રભાતની ઉપમા છે. કારતક સુદ એકમના દિવસ તો
અનંતકાળમાં અનંતવાર ઊગ્યાં ને પાછાં અસ્ત થઈ ગયાં, પણ સમ્યગ્દર્શનરૂપી પ્રભાત વગર જીવનું કાંઈ
કલ્યાણ થયું નહિ. આ સમ્યગ્દર્શન તો એવું સુપ્રભાત છે કે જે ઊગ્યું તે ઊગ્યું, ઊગ્યા પછી કદી નાશ થાય નહિ.
એવા સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાન અને ક્રિયાથી મોક્ષરૂપી સુપ્રભાત પ્રગટે છે.
હું જ્ઞાનસ્વભાવી છું, ચૈતન્યશક્તિથી ભરેલો છું, મારી ચૈતન્યશક્તિ બીજા કોઈ દ્રવ્યમાં નથી. પરથી હું
સર્વથા જુદો છું ને મારા બધા ગુણોથી પરિપૂર્ણ હું છું;–એમ યથાર્થપણે ઓળખીને જીવ પોતે પોતાના સ્વભાવ
તરફ ઢળ્‌યો ત્યાં પુણ્ય–પાપ–રૂપ વ્યવહારનો નાશ થવા માંડયો. પોતાના અસ્તિસ્વભાવ તરફ વલણ કર્યું, અને
પર્યાયમાં વિકાર હોવા છતાં તેના તરફથી વલણને ખેંચી લીધું, એટલે સ્વભાવની અસ્તિના જોરે વિકારની
નાસ્તિ થવા માંડી. એવા જીવને જરૂર સર્વે કર્મોનો નાશ થાય છે અને કેવળજ્ઞાનાદિ સ્વચતુષ્ટય સ્વરૂપે આત્મા
ઉદય પામે છે–તે જ સુપ્રભાત છે.
(૭) પરિપૂર્ણ શક્તિસ્વભાવ છે, તેના આશ્રયે જ ચતુષ્ટયરૂપ પ્રભાત ઊગે છે.
આત્મતત્ત્વમાં કેવળજ્ઞાન વગેરે ચતુષ્ટયની શક્તિ છે, તે જ પર્યાયમાં પ્રગટે છે; કેવળજ્ઞાન વગેરે કાંઈ
બહારથી આવતાં નથી. આત્મસ્વભાવમાં જે ત્રિકાળ શક્તિ છે તે જ સ્વચતુષ્ટયરૂપે ઉદય પામે છે. પર્યાયમાં
કેવળજ્ઞાનાદિ પ્રગટયા પહેલાં જ શક્તિસ્વભાવ પુરો છે, તેનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે જ્ઞાન તે તરફ વળે,
અને જ્યાં જ્ઞાન સ્વાશ્રયે વળ્‌યું ત્યાં તેમાં પણ બેહદતા થઈ, અને સ્વભાવનો સંપૂર્ણ આશ્રય કરતાં અનંત
કેવળજ્ઞાન પ્રગટ થયું; તેમ પોતાનો આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે તેની શ્રદ્ધા કરીને પૂર્ણ સ્વાશ્રય કરતાં પર્યાયમાં
અનંત પરિપૂર્ણ આનંદ પ્રગટ થયો; તેવી જ રીતે વીર્ય–પુરુષાર્થ (–આત્મબળ) પણ સ્વાશ્રયે પરિપૂર્ણ પ્રગટયું;
અને દર્શનને પણ સંપૂર્ણ સ્વાશ્રય મળતાં તે પણ પૂર્ણ પ્રગટયું.–એવા સ્વચતુષ્ટય તે અવિભક્ત આત્મ કુટુંબ છે,
તેમાં કદી ભેદ પડે નહિ. એ અનંતચતુષ્ટયરૂપ દશા પ્રગટે તે તો સંપૂર્ણ સુપ્રભાત મંગળ છે, અને પરિપૂર્ણ
શક્તિરૂપ સ્વચતુષ્ટયની શ્રદ્ધા કરવી તે પણ સુપ્રભાતમંગળ છે. અત્યારે જ હું પરિપૂર્ણ છું, સ્વચતુષ્ટયથી ભરેલો
જ ત્રિકાળ છું–એમ સ્વભાવદ્રષ્ટિથી જે માનતો નથી તે કદી સ્વાશ્રય કરતો નથી અને સ્વાશ્રય વગર આત્મામાં
સુપ્રભાત પ્રગટે નહિ.
અનંત ચતુષ્ટય કયાંય બહારથી આવતા નથી, વિકારના આશ્રયે આવતા નથી પણ સ્વભાવના આશ્રયે
સ્વભાવમાંથી જ પ્રગટે છે. વર્તમાન અપૂર્ણ અવસ્થામાં સ્વચતુષ્ટય પ્રગટ ન હોવા છતાં, તે અવસ્થાએ પૂર્ણશક્તિ
તરફ વળીને જ્યારે પૂર્ણતાનો નિર્ણય કર્યો ત્યારે તે સમ્યક્ નિર્ણય અને જ્ઞાનરૂપ અવસ્થા સ્વભાવમાં ઢળી. તે
અવસ્થા પોતે સ્વભાવના આશ્રયે અનંતચતુષ્ટયરૂપ પરિણમી જાય છે, આત્મા પોતે જ તે પૂર્ણપર્યાયરૂપે
પરિણમી જાય છે, તેથી તે દશા આત્માથી કદી પણ જુદી પડતી નથી. પહેલાં પરિપૂર્ણ સ્વભાવને જાણીને, તેનો જ
આશ્રય કરવો એ અધૂરામાંથી પૂરા થવાનો ઉપાય છે.
વર્તમાન ઓછી અવસ્થા હોય તેનું જ્ઞાન કર્યું, પણ તેટલામાં ન અટકતાં અંતરસ્વભાવસન્મુખ થઈને
ત્રિકાળ પૂરા સ્વભાવનો નિર્ણય કર્યો, સ્વભાવનો સ્વીકાર કર્યો ને વિકાર–અપૂર્ણતા તથા પરના આશ્રયનો
નિષેધ કર્યો તેથી હવે પરાશ્રય છોડીને અવસ્થા સ્વાશ્રય તરફ વળી; આત્મા પહેલાં પરાશ્રયે ઓછી અને વિકારી
અવસ્થાને ધારણ કરતો હતો તેને બદલે હવે સ્વાશ્રયે પૂરી અને શુદ્ધ અવસ્થાને ધારણ કરે છે, તે અવસ્થા સંપૂર્ણ
જ્ઞાન, સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ આત્મબળ સહિત છે, એને જ સંતો સુપ્રભાતનો વિલાસ કહે છે.
આત્માનો ત્રિકાળ સ્વભાવ પોતે પોતાથી પૂરો છે, વિકાર રહિત છે, તેમાં પરની તદ્ન ઉપેક્ષા છે. એવા
પોતાના સ્વભાવને ઓળખીને જેમ જેમ સ્વભાવ તરફ ઢળતો ગયો તેમ તેમ વિકારની તથા પરની ઉપેક્ષા થતી
ગઈ, એટલે કે અશુદ્ધતા ટળતી ગઈ અને શુદ્ધતા વધતી ગઈ; આત્મા પોતે સ્વભાવમાં જ તન્મય થઈ ગયો.
પહેલાં અજ્ઞાનને લીધે વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માનીને તેમાં તન્મય થતો તેથી સ્વભાવ અને પર્યાયની
એકતા થતી ન હતી પણ ભેદ પડતો. હવે ભેદજ્ઞાનના બળથી વિકરની ઉપેક્ષા કરીને સ્વભાવમાં તન્મય થયો
તેથી સ્વભાવ અને પર્યાય વચ્ચેનો ભેદ ન રહ્યો, બંને અભેદ થયા, પર્યાય પોતે સ્વભાવમાં ભળી ગયો. હવે,
સ્વભાવમાં ઢળું–એવો વિકલ્પ પણ ન રહ્યો.–આવી અંતરદશાને સુપ્રભાત કહેવાય છે. એવા સુપ્રભાતસ્વરૂપે
આત્મા ઉદય પામે છે, તે મંગળ છે, તેનું આચાર્યદેવ વર્ણન કરે છે.