Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૩૦ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
જુઓ, આ સુપ્રભાત–મંગળ! આ તો આચાર્યોનાં અંતરના પડકાર ઊઠયા છે–આત્મામાંથી પોકાર ઊઠયા
છે કે અમે સિદ્ધ પદ લેવા ઊઠયા છીએ, અપ્રતિહતપણે અમારી સિદ્ધદશા લેવાના છીએ. (એક દેહ સ્વર્ગમાં
ધારણ કરવો બાકી છે, તેનો નકાર કરતાં આચાર્યશ્રી કહે છે કે) વસ્તુસ્વભાવ અમારો પૂરો છે તે જાશે કયાં?
પુરો સ્વ–ભાવ કદી ટળવાનો નથી અને એ પૂરા સ્વભાવના જે શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયાં છે તે પણ કદી ટળવાનાં
નથી. એટલે હવે અપ્રતિહતભાવે પૂર્ણતા જ પ્રગટવાની છે. આ રીતે આચાર્યદેવોનાં અંતરમાં પૂર્ણ સુપ્રભાતની
ભાવનાનું જ રટણ થઈ રહ્યું છે.
(૨૪) આત્માનો સ્વકાળ અને મહાન અપૂર્વ માંગળિક
‘પ્રભાત’ એ કાળને સૂચવે છે. લૌકિકમાં દિવસ, રાત, કલાક, મિનિટ વગેરે ભેદો કાળના છે, પરંતુ એ
કાળની સાથે આત્માના ધર્મનો સંબંધ નથી. આત્માની પરિણતિ તે આત્માનો કાળ છે, તેમાં બાલ્યકાળ
(અજ્ઞાનકાળ), જ્ઞાનકાળ, ચારિત્રકાળ, કૈવલ્યકાળ અને સિદ્ધકાળ એવા ભેદો છે. અજ્ઞાનભાવ અને ઊંધી
માન્યતારૂપ જે પર્યાય છે તે આત્માનો બાલ્યકાળ છે, તે કાળ રાત્રિના અંધકાર જેવો છે. શુદ્ધચૈતન્યની શ્રદ્ધા–
જ્ઞાનરૂપ પર્યાય તે જ્ઞાનકાળ છે. ટૂંકામાં કહીએ તો સ્વસમય તે ધર્મ છે ને પરસમય તે અધર્મ છે.
લોકો માને છે કે દુષ્કાળ ટળ્‌યો ને સુકાળ થયો, પાક બહુ સારો પાકયો તેથી હવે સુખી થશું. પરંતુ
ભાઈરે! તારા આત્માને તેં ખોરાકનો ઓશિયાળો માન્યો અને બહારમાં તારું સુખ માન્યું તેથી તારા
અજ્ઞાનભાવને લીધે તારા આત્મામાં સદાય દુષ્કાળ જ છે. તું તારા આત્માના સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કર તો
સુકાળ પ્રગટે એટલે કે તારામાં સમ્યક્ પ્રકારનું પરિણમન થાય, અને દુષ્કાળ એટલે ભૂંડું પરિણમન (–અશુદ્ધતા)
ટળે. એ જ તારા કલ્યાણનું કારણ છે. સાચી શ્રદ્ધા–જ્ઞાનરૂપી સુકાળ થતાં અને સ્વરૂપની એકાગ્રતાવડે
ચૈતન્યસૂર્યનું પ્રતપન થતાં ચારિત્રરૂપ પાક પાકયાં. અને તેના ખોરાકથી આત્મા પુષ્ટ–થયો–આત્મામાં સ્વકાળની
પૂર્ણતા થઈ–કેવળજ્ઞાન થયું. એ જ આત્માનું સાચું જીવતર છે. પરંતુ અનાજથી આત્મા જીવતો નથી, ને
અનાજને આત્મા ખાતો પણ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્યપણાથી સદા જીવંત છે, તેનો કદી નાશ નથી. પહેલાં
શરૂઆતમાં આત્માનું જીવન કેવું હોય તે બતાવ્યું અને પછી, ત્રિકાળ શક્તિસ્વભાવ સદા પૂરો છે તેનો મહિમા
વર્ણવ્યો તથા તે સ્વભાવમાં અગુરુલઘુપણું વર્ણવ્યું. એ રીતે આજે મહાન અપૂર્વ માંગળિક થયું છે.
(૨૫) સાધક દશા કેવી છે?
પોતાના આત્મસ્વભાવના આશ્રયે જે સાધકદશા પ્રગટી તે મંગળરૂપ છે. એવી સાધકદશાનું વર્ણન કરતાં
નાટક–સમયસારમાં કહ્યું છે કે–
જગી શુદ્ધ સમ્યક્કલા, બગી મોક્ષમગ જોય; વહે કર્મ ચૂરણ કરે, ક્રમ ક્રમ પૂરણ હોય.
જાકે ઘટ એસી દશા, સાધક તાકો નામ, જૈસે જો દીપક ધરે સો ઉજિયારો ધામ.
વારંવાર આત્મસ્વભાવની ભાવનાથી એટલે કે ભેદજ્ઞાનના અભ્યાસથી, શદ્ધાત્મસ્વભાવના આશ્રયે
ચૈતન્યની નિર્મળદશા પ્રગટી એટલે શ્રદ્ધા અને જ્ઞાનરૂપી શુદ્ધ કળા પ્રગટી, અને તે વેગથી મોક્ષમાર્ગમાં ચાલવા
લાગી; અનાદિથી પરિણતિ સંસાર તરફ ચાલતી તેને બદલે હવે સાધકજીવને સ્વભાવના આશ્રયે મોક્ષ તરફ
પરિણતિ દોડવા લાગી. હવે સ્વભાવના જ આશ્રયે આગળ વધતી વધતી, કર્મનો, વિકારનો અને વ્યવહારનો
ચૂરો કરતી કરતી, ક્રમે ક્રમે તે પૂર્ણ થાય છે. જેના અંતરમાં આવી દશા થઈ હોય તે જીવને જ સાધક જાણવો.
સ્વભાવના આશ્રયે જ સાધકદશા શરૂ થઈ છે, તેના જ આશ્રયે આગળ વધે છે, ને તેના જ આશ્રયે પૂર્ણતા થાય
છે. વચ્ચે જેટલો વ્યવહારનો આશ્રય આવી પડે છે તે સાધક નથી પણ બાધક છે. જ્યાં દીવો હોય ત્યાં ઉજાસ
હોય, તેમ જ્યાં ચૈતન્યભગવાન દીવારૂપે હોય ત્યાં કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટે છે–એટલે કે જ્યાં
ચૈતન્યસ્વભાવનો આશ્રય છે ત્યાં કેવળજ્ઞાન પ્રગટે છે, પણ પુણ્ય–પાપ પોતે અંધારાસ્વરૂપ છે, તેના આશ્રયથી
તો મિથ્યાત્વરૂપ અંધકારની જ ઉત્પત્તિ થાય છે, પણ સમ્યગ્જ્ઞાન પ્રકાશ પ્રગટતો નથી.
સાધક ધર્માત્મા જીવને ચૈતન્યભાવના આશ્રયે સમ્યગ્દર્શન સૂર્ય ઊગ્યો ને મોહરાત્રિ ટળી ગઈ. પરમાં
મમત્વને લીધે ઊંધી શ્રદ્ધા ને ઊંધા જ્ઞાનરૂપ જે બે પડળ હતાં તે પડળ ફાટી ગયાં, ને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનરૂપ
બે ચક્ષુઓ ફડાક ખૂલી ગયાં, એ ચક્ષુઓ ખૂલ્લાં થતાં પોતાના અચિંત્ય મહિમાવંત ભગવાન આત્માના અવાચ્ય
સ્વભાવને બરાબર જાણ્યો. વિકલ્પ કે વાણીના અવલંબને આત્મસ્વભાવ જાણી શકાતો નથી પણ સમ્યગ્દર્શન
અને સમ્યગ્જ્ઞાનથી જ તે જણાય છે. એવા નિજસ્વભાવને બરાબર