Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૩ :
પરમ પૂજ્ય શાંતિદાયક સદ્ગુરુદેવ શ્રીનું વ્યાખ્યાન
સુપ્રભાત માંગલિક
કરતક સદ ૧
(૧) આત્માની જીવન શક્તિ
આત્માના સ્વભાવમાંથી પૂર્ણદશા પ્રગટે તે જ મંગળ–પ્રભાત છે, તે જ બેસતું વર્ષ છે. જેના આત્મામાં
સુપ્રભાત પ્રગટયું તેને જન્મ–અને–મરણ ટળીને સિદ્ધદશા પ્રગટે છે. આત્મા શરીરથી કે પૈસા વગેરેથી જીવતો
નથી. તેનાથી તો આત્મા જુદો છે. આત્માનું જીવન કેવું હોય? તે આચાર્યદેવ બતાવે છે.
આત્મામાં જીવન શક્તિ છે. અનાદિ અનંત આત્મા જ્ઞાનદર્શન શક્તિને ધારી રાખે છે, એવી આત્મામાં
જીવનશક્તિ છે, ને એ જ શક્તિથી આત્મા સદાય જીવે છે. જેમ આત્મામાં ‘જ્ઞાન’ શક્તિ છે, તેમ એક ‘જીવન’
નામની શક્તિ પણ છે. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે, પુરુષાર્થ છે, શાંતિ છે, ને જીવ છે–એ
બધા ગુણો તે જ આત્માનું કુટુંબ છે, ને તે સદાય આત્મા ભેગું જ રહે છે. પોતાના અનંતગુણ તે જ પોતાનું કુટુંબ
છે, તેની જેને ખબર નથી તે જીવ બહારમાં કુટુંબ, શરીર ને પૈસા વગેરેને સદાય ટકાવી રાખવાની ભાવના કરે
છે, પણ તે અજ્ઞાન છે, ને દુઃખનું કારણ છે. મારી જીવનશક્તિથી હું સદાય જીવતો જ છું. જ્ઞાન–આનંદ વગેરે
અનંત ગુણોરૂપી મારું કુટુંબ છે. મારા બધા ગુણો સાથે મારું પૂરેપૂરું નિર્મળ–પવિત્ર જીવતર ટકી રહો–એવી
ભાવના આત્માર્થિ જીવો કરે છે. એ જ મહાન મંગળિક છે.–એમ શ્રી જ્ઞાની પુરુષો ફરમાવે છે.
શ્રી સમયસારજી શાસ્ત્રમાં (૫૦૩ મા પાને) આત્માની ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં સૌથી પહેલાં
જ આત્માની જીવત્વ શક્તિનું વર્ણન આચાર્ય–ભગવાને કર્યું છે. જીવત્વ શક્તિ એટલે જીવવાની શક્તિ,
જીવનશક્તિ આત્મામાં જીવનશક્તિ છે તેથી તે સદાય જીવતો જ છે; આ શરીરથી કે ઇંદ્રિયોથી આત્મા જીવતો
નથી પણ જ્ઞાન અને દર્શનરૂપ ચૈતન્યપ્રાણથી જ આત્મા જીવે છે. ‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર
ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ’ –આત્મામાં ઊછળે છે. આત્મામાં ચૈતન્યપ્રાણ
છે, ને તેથી આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યશક્તિનો નાશ થાય તો આત્મા મરે, પણ ચૈતન્યશક્તિ તો સદાય–
ત્રિકાળ–છે, તેથી આત્મા સદાય જીવે છે. એવી ચૈતન્યસ્વરૂપ જીવત્વશક્તિ આત્મામાં સદાય છે.
આત્માનો ચૈતન્યમાત્ર ભાવ છે. અને આ શરીર તો જડ–અચેતન છે. ચૈતન્યસ્વરૂપી આત્મા શરીરના
આધારે જીવતો નથી અને શરીરના પ્રાણોને આત્મા ધારતો નથી. તેમ જ પુણ્યના આધારે આત્મા જીવતો નથી,
ને પુણ્યને આત્મા ધારતો નથી; શુદ્ધજ્ઞાન–દર્શનરૂપ ચૈતન્યપ્રાણને આત્મા ધારણ કરે છે. ને એનાથી જ આત્મા
જીવે છે. આત્મામાં ‘જીવત્વ’ નામની ખાસ શક્તિ છે, ત્રણેકાળે અને ત્રણે લોકમાં આત્મા ચૈતન્યપ્રાણોને ધારણ
કરીને જ જીવી રહ્યો છે; શરીરને આત્માએ કદી ધારણ કર્યું જ નથી, અને આત્માના સ્વભાવે કદી વિકારને પણ
ધારણ કર્યો નથી. શરીર અને વિકારથી જુદી એવી ચૈતન્ય–શક્તિને ધારણ કરીને જીવનું ટકી રહેવું તે જ
સુપ્રભાત છે. ચૈતન્યશક્તિરૂપ પોતાનું જીવન છે તેને ઓળખવું અને તેમાં જ ટકી રહેવું, પણ વિકારમાં ન ટકવું
તે જ સુપ્રભાત છે. એવા સુપ્રભાતની અહીં ભાવના છે.
(૨) જીવનું કુટુંબ
જીવનું કુટુંબ જીવથી જુદું ન હોય, અને જીવથી કદી જુદું પડે નહિ. જ્ઞાન, આનંદ વગેરે અનંત ગુણો તે જ
જીવનું કુટુંબ છે. આત્મામાં જ્ઞાન, સુખ વગેરે અનંત શક્તિઓ છે તે બધી ભેગી જ રહે છે, એક શક્તિ બીજી
શક્તિ વગર ન હોય. એ રીતે આત્માનું ગુણોરૂપી કુટુંબ સંકળાયેલું છે. એવું અનંત ગુણોસ્વરૂપી મારું કુટુંબ સદા
પવિત્રપણે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં ટકી રહો એમ ધર્મી જીવની ભાવના છે. અનંત ગુણોથી સદાય ભરેલા–પરિપૂર્ણ
પોતાના આત્મસ્વભાવનું જ્ઞાન અને તેમાં સ્થિરતા તે જ મુક્તિની ક્રિયા છે, એ ક્રિયાથી જ આત્માના અનંત
ચતુષ્ટય પ્રગટે છે, અને એ જ આત્માનું સુપ્રભાત છે.