Atmadharma magazine - Ank 051
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
વસ્તુવિજ્ઞાનસારની : : : : :
પ્રસ્તાવના
યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત–નિયમ–
તપ–ત્યાગ–વૈરાગ્ય–ભક્તિ–શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તોપણ જીવનો એક પણ ભવ ઘટતો નથી. માટે આ
મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ
જાણીને ઉપદેશેલું વસ્તુ–વિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનના
રહસ્યભૂત સાર આ નાની પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવ્યો છે, કારણ કે અનેક આગમોના અભ્યાસીહું પણ
ઘણી વાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી.
નીચેની રહસ્યભૂત હકીકતો આમાં ખાસ સ્પષ્ટ કરવામાં આવી છે:–
વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય–વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે–પરિણમે છે.
વિશેષરૂપે ઊખળવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે.
આમ સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી–પ્રકાશ છે, અકસ્માત નથી–ન્યાય છે; તેથી
‘પુણ્યભાવ રૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (અનુકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય,
પાપભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય,
શુદ્ધભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને કર્માદિક સંયોગનો અભાવ જ થાય’ –ઈત્યાદિ અનેકાનેક પ્રકારનો
સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્ત–નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા
લેશ પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્‌યા કરે છે.
આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષને માત્ર કરી શકે છે.
સંકલ્પવિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે; જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી,
પરમાં પોતાનું કાંઈ કર્તૃત્વ નથી એમ નિર્ણય કરી, નિજદ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ
વિશેષ તે જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. અજ્ઞાનીઓને પરનો ફેરફાર કરી શકવામાં જ પુરુષાર્થ ભાસે છે,
સંકલ્પવિકલ્પોના ઉછાળામાં જ પુરુષાર્થ ભાસે છે, પરંતુ વિશ્વના સર્વભાવોના નિયતપણાનો નિર્ણય જેમાં ગર્ભિત
છે એવી દ્રવ્યસામાન્યની શ્રદ્ધા કરી તેમાં ડૂબી જવારૂપ જે યથાર્થ પરમ પુરુષાર્થ તે તેને ખ્યાલમાં જ આવતો નથી.
વળી જીવોએ આગમોમાંથી ઉપરોક્ત વાતોની ધારણા પણ અનંત વાર કરી લીધી છે પરંતુ સર્વ
આગમોના સારભૂત સ્વદ્રવ્યસામાન્યનો યથાર્થ નિર્ણય કરી તેની રુચિરૂપે પરિણમન કર્યું નથી. જો તે–રૂપે
પરિણમન કર્યું હોત તો સંસાર પરિભ્રમણ હોત નહિ.
–આવી વસ્તુવિજ્ઞાનની અનેક પરમહિતકારક રહસ્ય ભૂત સારરૂપ હકીકતો આ પુસ્તિકામાં સ્પષ્ટ રીતે
સમજાવવામાં આવી છે, તેથી આ પુસ્તિકાનું નામ ‘વસ્તુવિજ્ઞાનસાર’ રાખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય
પરમોપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાંં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે
તેમાંથી કેટલાંક વસ્તુ–વિજ્ઞાનના સારભૂત પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તેમાં
કહેલા વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી, નિર્બાધ યુક્તિરૂપ પ્રયોગથી સિદ્ધ કરી, નિર્ણીત કરી,
ચૈતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે.
જે જીવો દૈહિક ક્રિયાકાંડમાં કે બાહ્ય પ્રવૃત્તિઓમાં ધર્મનો અંશ પણ માનતા હોય, જે જીવો વૈરાગ્ય–ભક્તિ
આદિ શુભ ભાવમાં ધર્મ માનતા હોય, જે જીવો શુભ ભાવમાં ધર્મનું કિંચિત્માત્ર કારણપણું માનતા હોય, જે જીવો
નિર્ણય વિના શાસ્ત્રોની માત્ર ધારણા કરવાથી કિંચિત્ ધર્મ માનતા હોય, તે તે સર્વ પ્રકારના જીવો આ
પુસ્તિકામાં કહેલા પરમપ્રયોજનભૂત ભાવોને જિજ્ઞાસુભાવે શાંતિથી ગંભીરપણે વિચારો અને અનંતકાળથી રહી
ગયેલી મૂળભૂત ભૂલ કેટલી સૂક્ષ્મ છે તેમ જ કયા પ્રકારનો અપૂર્વ પરમ સમ્યક્ પુરુષાર્થ માગે છે તે સમજી નિજ
કલ્યાણ કરો. તેમાં જ આ માનવજીવનનું સાફલ્ય છે.
રામજી માણેકચંદ દોશી
માગશર સુદ ૧૫ પ્રમુખ
વીર સં. ૨૪૭૪ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ