: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૩૯ :
શુભ પરિણામથી આત્મા ન સમજાય. કોઈ શુભ પરિણામ તે સમ્યગ્જ્ઞાનનો વિધિ નથી, પણ સ્વભાવના લક્ષે યથાર્થ
શાસ્ત્રના અર્થ સમજે ત્યારે તો જ્ઞાનનો વ્યવહાર સુધરે છે. આ જ્ઞાનનું આચરણ પહેલાંં સુધર્યા વિના ચારિત્રનાં
આચરણ સુધરે નહિ. સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિધિને જ જાણે નહિ તો સમ્યગ્જ્ઞાન કે સમ્યગ્દર્શન ક્યાંથી
થાય? ઘણા જીવો આચરણના પરિણામ સુધારીને તેને જ્ઞાનનો ઉપાય માને છે, તેવા જીવો સમ્યગ્જ્ઞાનના ઉપાયને
સમજ્યા નથી, વ્યવહારનો નિષેધ કરીને પરમાર્થસ્વભાવ સમજ્યા વગર વ્યવહારનું સાચું જ્ઞાન પણ થાય નહિ.
કષાયની મંદતા વડે મિથ્યાત્વની જે મંદતા થાય તેને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય નહિ. પણ સાચી
સમજણ તરફના પ્રયત્નથી જ વ્યવહાર સમ્યક્ત્વ થાય છે. પરંતુ એ વ્યવહાર સમ્યક્ત્વ પણ નિશ્ચય સમ્યગ્દર્શનનું
કારણ નથી. દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે અટકે તો સમ્યગ્દર્શન થાય નહિ. જ્યારે ચિન્માત્ર સ્વભાવના આશ્રયે શ્રદ્ધા–
જ્ઞાન કરે ત્યારે જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટે છે. ચૈતન્યની શ્રદ્ધા ચૈતન્યવડે જ થાય છે–રાગવડે કે પરથી થતી નથી.
વીર સં. ૨૪૭૩ આસો સુદ – ૩
બહારની ક્રિયાના આશ્રયે કષાયની મંદતા થતી નથી. અને કષાયની મંદતાથી પર્યાયની સ્વતંત્રતાની
શ્રદ્ધા થતી નથી.
દયાદિના પરિણામનો પુરુષાર્થ તો કરે, પણ વર્તમાન પર્યાય સ્વતંત્ર છે એવી વ્યવહાર શ્રદ્ધાનો પ્રયત્ન
તેનાથી જુદી જાતનો છે. પર જીવને કારણે કે પરદ્રવ્યોના કારણે મારા દયાદિના પરિણામ થયા અથવા કર્મને
લીધે રાગાદિ થયા–એવી માન્યતાપૂર્વક કષાયની મંદતા કરે પણ તે મંદકષાયમાં વ્યવહાર શ્રદ્ધા કરવાની તાકાત
નથી, તો પછી તેનાથી સમ્યગ્દર્શન તો થાય જ ક્યાંથી?
મારા પરિણામ પરને લીધે થતા નથી, મારાથી જ હું કષાયની મંદતા કરું છું, પરને લીધે કે કર્મને લીધે
મારી પર્યાયમાં રાગાદિ થતા નથી–એવી પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે. મિથ્યાત્વનો રસ મંદ
પાડીને જેને પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા પણ કરવાની તાકાત નથી તે જીવને સમ્યગ્દર્શન થાય નહિ.
હજી પર્યાયની સ્વતંત્રતા માને ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે. અને તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે;
માત્ર કષાયની મંદતા વડે મિથ્યાત્વની મંદતા થાય તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાતું નથી. કેમકે શ્રદ્ધાની પર્યાય
જુદી છે, ને ચારિત્રની જુદી છે.
જડની ક્રિયા કે કર્મને લીધે આત્માના પરિણામ માને તે જીવે તો પરિણામની સ્વતંત્રતા પણ માની નથી.
તે શુભ ભાવ કરે તોપણ તેને મિથ્યાત્વની મંદતા યથાર્થ નથી. અને તે દ્રવ્યલિંગીથી પણ હલકો છે. જેને અશુભ
પરિણામ હોય એવા જીવની અત્યારે વાત નથી; પણ અહીં તો મંદકષાયવાળા જીવોની વાત છે. જે જીવ પોતાના
પરિણામની સ્વતંત્રતા જાણતો નથી તેને તો મંદકષાય હોવા છતાં વ્યવહારશ્રદ્ધા પણ થતી નથી.
જે જીવ પર્યાયની સ્વતંત્રતા માને છે પણ પર્યાય બુદ્ધિમાં અટક્યો છે, તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે.
અંશ સ્વતંત્ર છે એવી વ્યવહારશ્રદ્ધા કરવાની તાકાત કષાયની મંદતામાં નથી. મારા પરિણામમાં હું
અટક્યો છું તેથી જ વિકાર થાય છે–એમ અંશની સ્વતંત્રતા માને તો પોતે તેનો નિષેધ કરે. પણ જો પર વિકાર
કરાવે એમ માને તો પોતે તેનો નિષેધ કેમ કરે? નિમિત્ત કે સંયોગથી મારા પરિણામ થતાં નથી. એમ અંશની
સ્વતંત્રતા કરીને ત્રિકાળ સ્વભાવમાં તે અંશનો નિષેધ કરે છે એ જ નિશ્ચય શ્રદ્ધા–સમ્યગ્દર્શન છે.
કષાયની મંદતા તે તે સમયની પર્યાયનું સ્વતંત્ર કાર્ય છે, છતાં દેવગુરુશાસ્ત્રને લીધે લાભ કે કર્મને લીધે
નુકશાન માને તે જીવને વ્યવહારશ્રદ્ધા પણ નથી, તો તે અંશનો નિષેધ કરીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા કેમ
કરશે? કષાયની મંદતા તો અભવી પણ અનંતવાર કરે છે. પર્યાય સ્વતંત્ર છે–એવી અંશની સ્વતંત્રતાની
કબુલાત કર્યા વગર મિથ્યાત્વનો રસ યથાર્થપણે મંદ પણ પડતો નથી.
પ્રશ્ન:– કષાયની મંદતા કે મિથ્યાત્વ રસની મંદતા એ બંનેમાંથી કોઈ મોક્ષમાર્ગરૂપ તો નથી; તો તેમાં શું
ફેર છે?
ઉત્તર–અહીં બંનેના પુરુષાર્થનો ફેર બતાવવો છે. પરંતુ પર્યાયની સ્વતંત્રતા કબુલવાથી કાંઈ મોક્ષમાર્ગ
થઈ જતો નથી. પર્યાયની સ્વતંત્રતા પણ અનંતવાર માની, છતાં સમ્યગ્દર્શન થયું નહિ. પણ અહીં વ્યવહારથી તે
બંનેમાં જે ફેર છે તે બતાવવો છે.
કષાયની મંદતા કરવાથી કાંઈ વ્યવહાર શ્રદ્ધા થતી નથી, કેમકે તેનાથી વ્યવહારશ્રદ્ધાનો પુરુષાર્થ જુદો છે.
છે તો બંને પુણ્ય, અને બંને મિથ્યાત્વ. પરંતુ તેમાં મિથ્યાત્વના રસની અપેક્ષાએ ફેર છે.