Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૯ :
ચિત્રો
ભગવાન શ્રી કુન્દકુન્દ પ્રવચનમંડપની દીવાલો પર ૨૯ સુંદર ચિત્રો છે, જે જોતાં મહા પવિત્ર સંતોના સ્મરણ
થાય છે અને જ્ઞાન – ધ્યાન – ભક્તિ – વૈરાગ્ય ને અડોલતાના પુરુષાર્થપ્રેરક દ્રશ્યો જોઈ જોઈને જિજ્ઞાસુનો આત્મા ડોલી
ઊઠે છે. તે ચિત્રોની ટૂંકી વિગત અહીં આપવામાં આવી છે.
૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર સમયસારશાસ્ત્ર લખે છે.
૨. પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી.
૩. શ્રી ધરસેન આચાર્યદેવ શ્રી પુષ્પદંત તથા ભૂતબલિ નામના મુનિવરોને ષટ્ખંડાગમનું જ્ઞાન આપે છે. (આચાર્ય
દેવનું સ્વપ્ન તથા મુનિઓની મંત્ર–સાધનાનો પણ દેખાવ છે.)
૪. શ્રી શ્રેયાંસકુમાર મુનિદશામાં વર્તતા શ્રી ઋષભદેવ ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ઈક્ષુરસનું
આહારદાન દે છે.
૫. શાશ્વતતીર્થ શ્રી સમ્મેદ શિખરજી.
૬. શ્રી નેમનાથ ભગવાનનીલગ્ન યાત્રા અને દીક્ષા પ્રસંગ.
૭. શ્રી સીમંધર ભગવાનનાં માતાજીને આવતાં ૧૬ સ્વપ્ન તથા ગર્ભકલ્યાણક–પ્રસંગે ઈન્દ્ર, ઈન્દ્રાણી વગેરે દિવ્ય
વસ્ત્રાભૂષણથી માતા પિતાનું પૂજન કરે છે તે દ્રશ્ય.
૮. શ્રી સીમંધર ભગવાનનાં જન્મકલ્યાણક પ્રસંગે ઈન્દ્રો ઐરાવત હાથી ઉપર બેસી ભગવાનને હાથમાં તેડી મેરુ ઉપર
જઈ જન્માભિષેક કરાવે છે.
૯. શ્રી સીમંધર ભગવાનનો દીક્ષાકલ્યાણક પ્રસંગ
૧૦. શ્રી સીમંધર ભગવાનનો કેવળ–કલ્યાણક પ્રસંગ.
૧૧. ચેલણા રાણી શ્રીયશોધર મુનિ રાજનો ઉપસર્ગ દૂર કરે છે અને શ્રેણીક રાજા જૈન ધર્મના શ્રદ્ધાળુ બને છે.
૧૨. લંકા જીતી સીતાજીને પાછાં મેળવીને તુરત જ શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરમાં રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણ,
વિશલ્યા હનુમાન, સુગ્રીવ અને ભામંડળ મહા ભક્તિપૂર્વક, વાજીંત્રો સાથે ભગવાનની સ્તુતિ કરે છે.
૧૩. સ્મશાનમાં ધ્યાનસ્થ સુદર્શન શેઠને દાસી મારફત તેડી મંગાવી, પોતાની દુષ્ટ માગણીમાં ન ફાવતાં, અભયારાણી
આળ મૂકે છે; રાજાની આજ્ઞાથી શિરચ્છેદ કરવા જતાં તરવાર ચાલતી નથી અને શેઠ દીક્ષિત થાય છે.
૧૪. સુકૌશલના પિતા કીર્તિધરમુનિને આહાર લેવા નગરમાં આવતા દેખીને સુકૌશલની માતા સહદેવી તે મુનિને નગર
બહાર કઢાવી મૂકે છે; મુનિ નગર બહાર જઈ ધ્યાનમાં બેસે છે. રૂદન કરતી ધાવમાતા પાસેથી મુનિની વિગત સાંભળી
સુકૌશલકુમાર તે મુનિ પાસે દોડી જાય છે, ત્યાં અશ્રુપાત કરે છે અને દીક્ષિત થાય છે. સહદેવી અતિ દુઃખી થઈ મરણ
પામી વાઘણ થાય છે, ને ધ્યાનમગ્ન સુકૌશલમુનિને ખાય છે. સુકૌશલ અંતકૃત કેવળી થાય છે. વાઘણ કીર્તિધરમુનિના
ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન પામી, સંન્યાસ ધારણ કરી દેવલોકમાં જાય છે.
૧૫. નવ પરિણીત વજ્રબાહુકુમાર, તેમનાં રાણી મનોદયા અને તેમના સાળા ઉદય સુંદર મનોદયાના પિતાને ત્યાં જવા
નીકળે છે. રસ્તે જંગલમાં ધ્યાનસ્થ મુનિને દેખી વજ્રબાહુકુમાર એકીટસે તેમના સામે જોઈ રહે છે. ત્યારે ઉદય સુંદર મશ્કરી
કરે છે, વજ્રબાહુ દીક્ષિત થાય છે, સાથે ઉદયસુંદર તથા ૨૬ રાજકુમારો દીક્ષિત થાય છે, ને મનોદયા અર્જિકા થાય છે.
૧૬. કૈલાસ પર્વત ઉપર ભરત ચક્રવર્તીવડે પ્રતિષ્ઠાપિત ગત, વર્તમાન અને ભાવી ચોવીશીનાં જિનબિંબો તથા ભરત
ચક્રવર્તીવડે મુનિશ્રી બાહુબલિજીનું પૂજન અને કેવળજ્ઞાનને પ્રાપ્ત બાહુબલીજીનું દ્રશ્ય.
૧૭. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે દસમા ભવે સિંહ પર્યાયમાં હતો; અને હરણનો શિકાર કરતો હતો. તે વખતે બે
ચારણઋદ્ધિધારી મુનિઓ આકાશમાંથી ઊતરી જોરથી ઉપદેશ આપે છે, અને કહે છે કે– ‘અરે, સિંહ! તું દસમા ભવે
તીર્થંકર થવાનો છે. ’ તે વખતે સિંહને જાતિસ્મરણજ્ઞાન થાય છે, આંખમાંથી ચોધાર આંસુ વહે છે, ને સમ્યગ્દર્શન પામી
નિરાહાર વ્રત અંગીકાર કરે છે.
૧૮. શ્રી સીમંધર ભગવાન, શ્રીકુંદકુંદાચાર્યદેવ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી અને શ્રોતા જનો.
૧૯. શ્રીસુકુમારજી ગોખમાંથી મુનિરાજના દર્શન કરી નીચે ઉતરે છે, ને મુનિરાજ પાસેથી ‘પોતાનું માત્ર ત્રણ દિવસનું
આયુષ્ય બાકી છે’ એમ સાંભળી, તરત જ દીક્ષિત થાય છે, ને જંગલમાં જઈ ધ્યાન કરે છે, ત્યાં શિયાળીયા તેમને ખાય છે.
૨૦. શ્રીશાંતિનાથ પ્રભુ પૂર્વે પાંચમા ભવે વિદેહક્ષેત્રમાં શ્રીક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્રયુધચક્રવર્તી હતા. ઈન્દ્રસભામાં
તેમના જ્ઞાનની પ્રશંસા સાંભળીને એક દેવ પરીક્ષા કરવા આવે છે અને તેમના જ્ઞાનસામર્થ્યને જોઈને આશ્ચર્ય પામે છે,
ને સ્તુતિ કરે છે. તથા શ્રી શાંતિનાથ પ્રભુ પૂર્વે ત્રીજા ભવે વિદેહક્ષેત્રમાં શ્રીધનરથ તીર્થંકરના પુત્ર હતા. તે પૌષધોપવાસ
કરી વનમાં મેરુસમાન અડગ થઈ ધ્યાન કરે છે. ત્યારે, ઈન્દ્રસભામાં તેમના શીલની પ્રશંસા સાંભળીને બે દેવીઓ
પરીક્ષા કરવા આવે છે, અને તેમના શીલથી આશ્ચર્ય પામીને નમસ્કાર કરે છે.