Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
: ૬૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
વર્ષ પાંચમું : સળંગ અંક : ફાગણ
અંક ૫ાંચમો : ૫૩ : ૨૪૭૪
ભેદવિજ્ઞાન
શ્રી સમયસાર – મોક્ષઅધિકારના વ્યાખ્યાનોમાંથી
આત્માની છાપ (–લક્ષણ) ચૈતન્ય–સ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપી આત્માને બદલે કોઈ અજ્ઞાનીઓ
વિકારને આત્મા તરીકે ઓળખેતો તેથી કાંઈ આત્માનો સ્વભાવ વિકારમય થઈ જતો નથી. પરંતુ જ્યાંસુધી
આત્માને વિકારી માને ત્યાંસુધી જીવનું દુઃખ ટળે નહિ. ચૈતન્ય જેનું ચિહ્ન છે એવા આત્માના સ્વભાવમાં કોઈ
રાગ કે વિકારનો પ્રવેશ નથી, તેથી ચૈતન્યસ્વભાવમાંથી તે સર્વેને ભેદી શકાય છે, પણ ચૈતન્ય તો આત્મા સાથે
અભેદ છે તેથી તેને ભેદી શકાતું નથી. આત્માને કઈ રીતે ગ્રહણ કરવો અને બંધભાવને કઈ રીતે છોડવા તેનો
ઉપાય દર્શાવતાં આચાર્યભગવાન શ્રી સમયસારજીના ૧૮૨ માં કલશમાં કહે છે કે જે કાંઈ ભેદી શકાય તે સર્વને
સ્વલક્ષણના બળથી ભેદીને, જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. –એમ
પ્રજ્ઞાવડે આત્માને ગ્રહણ કરાય છે. પ્રજ્ઞાવડે ભેદી શકાય તે સર્વને ભેદવું એટલે કે–આત્માને અને રાગાદિ
બંધભાવોને ભેદી શકાય છે માટે તેને ભેદવા–જુદા જાણવા. પણ જ્ઞાન અને આત્મને ભેદી શકાતા નથી, તે તો
નિર્ભેદ છે; માટે તે ગુણ–ગુણી ભેદનું પણ લક્ષ ન કરવું. આત્મસ્વભાવનો નિર્વિભાગ–મહિમા છે એટલે
અનંતકાળથી પર્યાયમાં વિકાર હોવા છતાં સ્વભાવનો મહિમા જરા પણ ઘટ્યો નથી, અને વિકાર કદી એક સમય
માત્ર કરતાં જરા પણ વધી ગયો નથી. આત્મામાં કાંઈ વિકારનાં પડ ઉપર પડ ચડતાં નથી અર્થાત્ એક કરતાં
વધારે પર્યાયોનો વિકાર કાંઈ ભેગો થતો નથી; તેનો સ્વભાવમહિમા તો સદાય પૂરેપૂરો વિકાર રહિત વર્તમાન
વર્તે છે. પણ પોતે ઊંધી માન્યતા કરીને બંધભાવવડે એક સમયનો સંસાર ઉભો કર્યો છે, છતાં સ્વભાવે તો
ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમાત્મા છે. સમ્યગ્જ્ઞાનવડે શુદ્ધસ્વભાવ અને બંધભાવ વચ્ચેના ભેદને જાણીને બંધને
જુદો પાડી શકાય છે, અને સ્વભાવનું ગ્રહણ થઈ શકે છે.
જીવનો સંસાર અર્થાત્ બંધભાવ કોઈ પર પદાર્થના કારણે નથી, તેમજ ચૈતન્યના સ્વભાવમાં પણ તે નથી;
માત્ર એક સમય પુરતી પોતાની લાયકાતથી સ્વભાવની એકતા તોડીને એકેક સમય બંધભાવમાં ટકીને અનંતકાળ
કાઢ્યો છે. જો સ્વભાવનાં લક્ષે એક સમય માત્ર પણ બંધભાવ સાથેના એકત્વપણાની માન્યતા ઉડાડી દીએ તો તેના
બંધભાવનો અવશ્ય નાશ થાય જ. પરંતુ ચૈતન્યસ્વભાવ અને બંધભાવને ભિન્નપણે ન જાણે અને સ્વભાવ તરફ
લક્ષ ન કરે તો કાંઈ બંધભાવો એની મેળે ટળી જાય નહિ. પોતાના સ્વભાવસામર્થ્યને જાણ્યા વગર જીવે
અનંતકાળથી પોતાનું નિર્માલ્ય પણું જ માન્યું છે કે ‘કર્મો મને હેરાન કરે છે અને મારે પર પદાર્થોની સહાય જોઈએ.’
પરંતુ જ્ઞાનીઓ તેને ભેદજ્ઞાન કરાવે છે કે હે ભાઈ, તું તો ચૈતન્ય સ્વભાવ છો, તારા સ્વભાવમાં વિકારનો પણ
પ્રવેશ નથી તો પછી જડ કર્મો તો હોય જ ક્યાંથી? માટે કર્મોનું અને વિકારનું પણ લક્ષ છોડી દઈને તું તારા ચૈતન્ય
સ્વભાવને જો. એક વાર અંતરથી મહિમા લાવીને તું તારા ચૈતન્ય સામર્થ્યની હા પાડ. આત્મા આત્મામાં છે, કર્મો
કર્મમાં છે, જ્યાં એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યોનો પ્રવેશ જ નથી તો પછી અન્ય દ્રવ્યો સાથે તારે શું પ્રયોજન છે? તને દુઃખ
તારી પોતાની અજ્ઞાનદશાનું છે, કર્મનું દુઃખ તને નથી. દુઃખનું કારણ જે તારી વિકારી દશા છે તે પણ તારું સ્વરૂપ
નથી માટે તને વિકાર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન બતાવીએ છીએ, એ ભેદજ્ઞાન જ દુઃખ ટાળવાનો ઉપાય છે.
પ્રશ્ન:– ચૈતન્યસ્વરૂપ આત્માનું જ ગ્રહણ કરવાનું કહ્યું, પરંતુ ‘હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું’ એમ લક્ષમાં લેવા
જતાં પણ ભેદનો વિકલ્પ તો આવ્યા વગર રહેતો જ નથી? તો પછી વિકલ્પરહિત આત્માનું ગ્રહણ કઈ રીતે કરવું?
ઉત્તર:– પ્રથમ ભૂમિકામાં ગુણ–ગુણીભેદ વગેરેનો વિચાર આવશે ખરો, પણ આત્માના ચૈતન્ય લક્ષણથી
તેને જુદા જાણીને અભેદ ચૈતન્ય તરફ ઢળજે. ભલે ભેદ વચ્ચે આવો, પણ મારા ચૈતન્યમાં તો ભેદ નથી. ‘ચૈતન્ય
અવસ્થાનો હું કર્તા, ચૈતન્યમાંથી હું કરું, ચૈતન્યવડે કરું’ ઈત્યાદિ છ કારક ભેદના વિચાર ભલે આવે પણ
યથાર્થપણે છએ કારકોમાં ચૈતન્યવસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આમ, ચૈતન્યસ્વભાવની મુખ્યતા
કરીને અને ભેદને ગૌણ કરીને સ્વરૂપસન્મુખ થઈને ભાવના કરતાં જ ચૈતન્યનું ગ્રહણ થાય છે, તે જ સમ્યગ્દર્શન
છે, અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે.