Atmadharma magazine - Ank 054
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૯૫ :
બાલ – વિભાગ
ધર્મપ્રેમી બાળકો!
જ્યારથી આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થયો ત્યારથી ઘણા બાળકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લે છે–એ
આનંદની વાત છે. પરંતુ–છેલ્લા બે માસથી બાલવિભાગ બરાબર વ્યવસ્થિત આપી શકાયો નથી, તેથી કેટલાક
બાળકો તરફથી તેની માગણી આવવા લાગી છે હવેથી દરેક મહિને બાલવિભાગ વ્યવસ્થિત રીતે આવશે. તમે
ઉત્સાહથી સમજજો, ને તમારા મિત્રોને પણ તેમાં ભાગ લેવરાવજો.
સિંહનો વૈરાગ્ય
એક હતો સિંહ. એક વાર તે હરણનો શિકાર
કરતો હતો. એવામાં આકાશ માર્ગે બે મુનિઓ જતા
હતા, તેમણે તે સિંહને જોયો. અને તે મુનિઓએ જાણ્યું
કે આ સિંહનો જીવ દસમા ભવે તીર્થંકર થવાનો છે.
એથી મુનિઓ તે સિંહને પ્રતિબોધવા માટે નીચે ઊતર્યા
અને સિંહ સામે એક શિલા ઉપર ઉભા.
અચાનક આકાશમાંથી બે મુનિઓ ઊતર્યા અને
નિડર પણે પોતાની સામે ઉભા, તે જોઈને સિંહને
નવાઈ લાગી. અને તે શાંતિથી ટગર ટગર તેમના
સામે જોઈ રહ્યો; તેનો ક્રોધ ટળી ગયો ને શાંતભાવ
પ્રગટ થયા. ત્યારે તેની તરફ જોઈને, હાથ લંબાવીને
એક મુનિ બોલ્યા, “અરે સિંહ! આ શું? દસમા ભવે
તો તું તીર્થંકર ભગવાન થવાનો છે–એમ અમે
ભગવાન પાસેથી સાંભળ્‌યું છે. હે જીવ! તને આ ન
શોભે. આ ઘોર પાપને હવે તું છોડ, છોડ.
!........જ્ઞાનમૂર્તિ આત્માને આ ભાવથી શાંતિ ન હોય.
તું તારા જ્ઞાનભાવને સમજ રે સમજ! ”
મુનિઓનો ઉપદેશ સાંભળતાં જ તે સિંહને
પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું. અને પશ્ચાતાપને લીધે
તેની આંખમાંથી આંસુની ધાર ટપકવા લાગી. ત્યાં ને
ત્યાં આત્મભાન પામ્યો; મુનિને વંદન કર્યું, અને
ખોરાકનો ત્યાગ કરીને સમાધિ કરી.
બાળકો, એ સિંહનો જીવ તે જ આપણા
ભગવાન મહાવીર. એ સિંહનો જીવ પોતે
સમ્યગ્દર્શનના પ્રભાવથી દસમા ભવે કેવળજ્ઞાન પામીને
તીર્થંકર ભગવાન થયો. આજે જગત તેમને મહાવીર
પ્રભુ તરીકે પૂજે છે.
ક્યાં માંસ ખાનારો સિંહ, ને ક્યાં જગતપૂજ્ય
ભગવાન! પોતાના આત્માને ઓળખે તો સિંહનો જીવ
પણ ભગવાન થાય છે. આત્માની ઓળખાણ કરવાથી
પાપી જીવનો પણ ઉદ્ધાર થાય છે. સિંહ જેવા પશુને
પણ એ આત્મભાન થાય છે; બાળકો, તમે તમારા
આત્માનો ઉદ્ધાર કરવા માટે જરૂર આત્માની સમજણ
કરજો: એ જ જીવનનું કર્તવ્ય છે. [એ સિંહના વૈરાગ્યનું
બહુ જ સુંદર ચિત્ર ‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન
મંડપમાં છે, જ્યારે તમે સોનગઢ આવશો અને એ
સિંહનું દ્રશ્ય જોશો ત્યારે તમને પણ એ સિંહ જેવો
પુરુષાર્થ કરવાની ભાવના થશે.]
આતમ દેવ
(કોઈ કહેશો કે ભગવાન... એ રાગ)
૧. મારે જોવો–આતમદેવ કેવો હશે?
દેવ કેવો હશે, શું કરતો હશે?....મારે....
૨. પોતે દેવાધિદેવ, પોતે ભગવાન જે,
પોતે પરમેશ્વર કેવો હશે?....મારે....
૩. જાણે બધુંય, વિશ્વ ઝળકે બધુંય જ્યાં,
દર્પણ સમાન દેવ કેવો હશે?....મારે....
૪. જુદો જગતથી ને જુદો શરીરથી,
આનંદે એક મેક કેવો હશે?....મારે....
૫. જન્મ મરણ નહિ, રાજા કે રંક નહિ,
સાગર આનંદનો કેવો હશે?....મારે....
૬. આંખે દેખાય નહિ, કાને સુણાય નહિ,
જ્ઞાને સમાય એ કેવો હશે?....મારે....
(શ્રી. હિંમતલાલ. જે. શાહ. બી. એસ. સી.)
ન્યાય આપો
જીવ અને અજીવ વચ્ચે કજીયો થયો.
જીવ કહે કે ‘અસ્તિત્વ ગુણ મારો છે. ’ ને
અજીવ કહે કે ‘મારો છે. ’ તમને ન્યાયાધીશ
નીમ્યા હોય તો તમે શું ચૂકાદો આપશો?
(ચૂકાદો ન આવડે તો બાલવિભાગમાંથી
શોધી કાઢજો.)
શ્રી સીમંધર ભગવાનનું બીજું નામ
‘સ્વયં–પ્રભજિન’ છે.
(મોક્ષ પ્રાભૃત સંસ્કૃત ટીકા)