Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 33

background image
: ૧૦૮ : આત્મધર્મ : ૫૫
જ્ઞાન ઇંદ્રિયો કે રાગાદિથી થતું નથી પણ આત્મા પોતે જ સહજ જ્ઞાનસ્વભાવે પરિણમીને સર્વને જાણે છે.
આત્માને જ્ઞાન સાથે જ એકપણું હોવાથી આત્મા સ્વયમેવ જ્ઞાન છે. આ રીતે, જેમ સૂર્ય પોતાની
સ્વભાવશક્તિથી સ્વયમેવ પ્રકાશવાળો છે તેમ આત્મા પોતાની સ્વ–પર પ્રકાશક સહજ શક્તિ સાથે એકમેક
હોવાથી પોતે જ જ્ઞાન છે–એમ એક વાત સિદ્ધ કરી.–૧.
હવે બીજા બોલમાં આત્મા પોતે સ્વભાવથી જ સુખ છે–એ વાત જણાવે છે. જેમ–લોખંડનો ગોળો કોઈક
વાર અગ્નિનું નિમિત્ત પામીને ઉષ્ણ થાય છે પરંતુ સૂર્ય તો કોઈના નિમિત્ત વગર પોતાના સ્વભાવથી જ સદાય
સ્વયમેવ ઉષ્ણતારૂપે જ પરિણમેલો છે તેમ આ ભગવાન આત્મા કોઈ પણ નિમિત્તોની અપેક્ષા રાખ્યા વગર
પોતાના સ્વરૂપથી જ, આત્મતૃપ્તિથી ઉપજતું જે સંપૂર્ણ અનાકુળ સુખ તેમાં સુસ્થિત હોવાને લીધે, સુખ છે.
આત્માનું સાચું સુખ પોતાના સ્વરૂપમાં તૃપ્તિથી જ છે, કોઈ પરદ્રવ્યના ભોગવટાથી આત્મતૃપ્તિ થતી નથી ને
સુખ થતું નથી. જેને પોતાની આત્મતૃપ્તિ થતી નથી તે જીવ વિષયોથી તૃપ્તિ કરવાનું માને છે, અને વિષયોની
આકુળતાથી દુઃખી થાય છે. આત્મતૃપ્તિથી પરિનિર્વૃત્તિ ઉપજે છે એટલે કે વિષયોથી પરાગ્મુખ થઈને
આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી સંપૂર્ણ મોક્ષસુખ ઉપજે છે, તે સંપૂર્ણ આકુળતારહિત છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને
આત્માના સ્વયમેવ સુખ સ્વભાવનું ભાન થયું હોય છે ને અંશે તેવું સુખ અનુભવ્યું હોય છે. સાધક ધર્માત્માને
પોતાના પૂર્ણ નિવૃત્ત સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ હોય છે પણ હજી પરિનિર્વૃત્તિ નથી કેમ કે સંપૂર્ણ
સ્વરૂપસ્થિરતા નથી. સિદ્ધ ભગવંતોને પોતાના નિવૃત્ત આત્મસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતા વડે સુખની પરિપૂર્ણતા
થઈ છે, તેનાથી જે સંપૂર્ણ અનાકુળતા પ્રવર્તે છે તેમાં આત્મા પોતે જ તન્મય છે તેથી આત્મા પોતે જ સુખ છે.
અજ્ઞાની જીવ વિષયોમાં સુખબુદ્ધિને લીધે વિષયોમાં જ સ્થિત છે અર્થાત્ પરને ભોગવવાની આકુળતામાં
જ તે સ્થિત છે. જ્ઞાની જીવો તો આત્મતૃપ્તિથી ઉપજતું જે વિષયાતીત સુખ તેમાં જ સુસ્થિત છે. સિદ્ધભગવંતો
સદાય એમ ને એમ અનાકુળતામાં જ સ્થિત હોવાથી તેઓ પોતે જ સુખ છે. જે પોતે જ સુખ છે તેને સુખ માટે
બીજા કોની જરૂર હોય? ‘ સિદ્ધ દશામાં તો શરીર નથી, કુટુંબ નથી, લાડી નથી, વાડી નથી, પૈસા નથી, બાગ–
બગીચા કે મોટર નથી, ખાવાપીવાનું કાંઈ નથી, રાગ નથી, એકલા આત્મસ્વભાવ સિવાય બીજુ કાંઈ નથી.
સ્વભાવથી જ આત્મા સુખી છે. ’ એમ સાંભળીને જે જીવ કહે છે કે– ‘બસ, એકલો આત્મા? એકલા આત્માને
અદ્ધર લટકી રહેવું તેમાં શું સુખ? સારી સારી વસ્તુઓના ભોગવટા વગર આત્માને સુખ કઈ રીતે હોય? –’
તેણે (–એમ કહેનાર જીવે) આત્માને જ કબુલ્યો નથી, તેને આત્માના સ્વભાવ સુખનો વિશ્વાસ નથી પણ
ઈન્દ્રિયોના વિષયોમાં સુખનો વિશ્વાસ છે. આત્માનો પોતાનો સ્વભાવ જ સુખ છે ને આત્મા પોતે સુખરૂપ થાય
છે એની મૂઢ અજ્ઞાનીને ખબર નથી એટલે તે પર સંયોગને જુએ છે. જેણે એક પણ પર વિષયમાં સુખ માન્યું છે
તે જીવને અનંતા પર વિષયોમાં આસકિત છે. અજ્ઞાની જીવને પણ સંયોગના કારણે સુખની કલ્પના નથી એ
વાત તો પ્રથમ જ સિદ્ધ કરી છે. અજ્ઞાની પોતે જ મિથ્યા કલ્પનાથી પરમાં સુખ માનીને તે કલ્પનારૂપે પરિણમે
છે, પણ કાંઈ તે સાચા સુખરૂપે પરિણમતો નથી. ને વિષયો તેને સુખનું કારણ થતા નથી. જે કલ્પનારૂપ સુખ છે
તે પણ કાયમી નથી, એક જ્ઞેય પદાર્થનું લક્ષ છૂટીને બીજા જ્ઞેય પદાર્થ ઉપર લક્ષ જતાં તે સુખની કલ્પના બદલી
જાય છે. અજ્ઞાની જુદા જુદા વિષયોનું લક્ષ કરીને તેમાં સુખ કલ્પે છે, ખરેખર તો તે વર્તમાન જ અત્યંત દુઃખી
છે. જો દુઃખી ન હોય તો તેનો ઉપયોગ વિષયોમાં કેમ ભમે? વિષયોને ગ્રહણ કરવાની આકુળતાનું દુઃખ તેને એક
જ પ્રકારનું છે, માત્ર તેનો વિષય બદલાવ્યા કરે છે. જ્ઞાનીઓ પ્રથમ તો, આત્માનો સુખ સ્વભાવ જ છે, ને કોઈ
પણ પર પદાર્થોમાં સુખ નથી–એમ ભેદજ્ઞાનવડે જાણીને, આત્મસ્વભાવમાં સંપૂર્ણ સ્થિરતા પ્રગટ કરીને આત્માથી
જ સ્વયં સુખરૂપ થાય છે. ત્યાં સુખની કલ્પના નથી પણ આત્મા પોતે સ્વભાવથી જ સાક્ષાત્ સુખરૂપે પરિણમી
ગયો છે. આત્માના સુખમાં કોઈ પણ પર પદાર્થો કાંઈ જ કરતા નથી. આ રીતે, સૂર્યની ઉષ્ણતાની માફક આત્મા
પોતે જ સુખ છે.–૨.
એ રીતે, આત્મા સ્વયમેવ જ્ઞાન છે અને આત્મા સ્વય–મેવ સુખ છે એ બે વાત સમજાવી. હવે કહે છે કે–
જેમ આકાશમાં, કોઈ બીજા કારણની અપેક્ષા રાખ્યા વગર, સૂર્ય સ્વયમેવ દેવગતિ નામકર્મના ધારાવાહી ઉદયને
વશવર્તી સ્વભાવ વડે દેવ છે તેમ ભગવાન આત્મા પણ, બીજા કોઈ પણ કારણની અપેક્ષા રાખ્યા વગર
સ્વયમેવ, પોતે દિવ્ય આત્મસ્વરૂપવાળો હોવાને લીધે દેવ છે. જેમ સિદ્ધ