Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 33

background image
: ૧૧૮ : આત્મધર્મ : ૫૫
થાય છે, રાગ થતો નથી.–આવી ધર્મી જીવની દશા છે.
પ્રશ્ન:–આ ધર્મમાં કાંઈ ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની વાત તો ન આવી?
ઉત્તર:–આમાં જ યથાર્થ ગ્રહણ–ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ
શકતો નથી પણ અંતરમાં જ થાય છે. લીલોતરી વગેરે છોડવાની વાત ન આવી કેમ કે એ વસ્તુઓ તો
આત્માથી છૂટી છે જ. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે
લીલોતરી ન ખાતો હોય તોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જાપ
કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભરાગ તે વિકાર છે–મંદકષાય છે, તે
ધર્મ નથી. માટે હું પર વસ્તુઓને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને
ધર્મ થાય એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું. અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો
સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ
સ્વભાવનું ગ્રહણ ને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે.
‘“ અર્હમ્’ એવા શબ્દના જાપમાં આત્મા રહેલો નથી, અને તે તરફના શુભ વિકલ્પમાં પણ આત્મા
રહેલો નથી. ‘“ અર્હમ્’ ના જાપ વખતે મંદકષાય હોય તો અશુભ ટાળીને શુભ થાય છે એની ના નથી, પણ
તેમાં આત્માને શું? અશુભ ટાળીને શુભ તો અભવ્ય જીવ પણ કરે છે, અશુભ ટાળીને શુભભાવ કરે તેથી કાંઈ
આત્માને ધર્મ થતો નથી, શુભરાગથી આત્માને લાભ નથી. રાગરહિત એકલા જ્ઞાનમય સ્વભાવની રુચિ–
આદર–શ્રદ્ધા ને લીનતા કરવી તે જ સાચો જાપ છે, તેમાં આખો આત્મા–ભગવાન આવી જાય છે, ને તે જ ધર્મ
છે. જેમાં આખો પરિપૂર્ણ આત્મા ન આવે તે ધર્મ નથી. આત્માનો પૂરો સ્વભાવ છે, તેને પૂરેપૂરો માને તો તેના
આશ્રયે પર્યાયમાં ધર્મ પ્રગટે. અને પૂરો ન માનતાં અધૂરો કે વિકારી માને તો પર્યાયમાં અધર્મ થાય. પરિપૂર્ણ
સ્વભાવની પ્રતીતિ કરતાં જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ્યાં તે સમભાવ છે, તેનાથી અવશ્ય મુક્તિ પ્રગટે છે.
કોઈને એમ લાગતું હોય કે–આ તો બહુ મોટી વાત છે, આપણાથી ન થાય તેવી વાત છે,–તો એ
મનમાંથી કાઢી નાંખવું. આ પોતાની જ વાત છે, પણ અપરિચયને લીધે અઘરું લાગે છે. પરિચય કરે તો તદ્ન
સહેલી ને સમજાય તેવી વાત છે. કેવળજ્ઞાન પામવું તેમાં પુરુષાર્થ છે તેથી તે મોટી વાત છે. પણ આ તો
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પામવાની નાની વાત છે. પોતે ચૈતન્યતત્ત્વ શું છે અને તેનું ચિહ્ન શું છે તે જાણ્યા
વગર ધર્મ થાય નહિ. જેમ આંકડા અને અક્ષર જાણ્યા વગર નામું લખી શકાય નહિ તેમ ચૈતન્યનો અંક (ચિહ્ન)
શું અને તેનો અક્ષર (નાશ ન થાય તેવો) સ્વભાવ શું તે જાણ્યા વગર ધર્મના નામા થાય નહિ અને ચૈતન્યમાં
સ્થિરતા થાય નહિ, ભલે ઉપવાસ–આંબેલ–ભક્તિ–વ્રત–દાન વગેરે કરે પણ તેમાં ક્યાંય આત્મલાભ નથી.
અહો, પોતાનો સ્વભાવ કેવો મોટો મહિમાવંત છે તે કદી હોંશથી સાંભળ્‌યો નથી, જાણ્યો નથી, અંતરમાં
તેની રુચિ કરી નથી. એ સિવાય દયા–દાન વગેરે સર્વ પ્રકારનાં શુભભાવ કરી ચૂક્યો છે, પણ તેનાથી કિંચિત્
કલ્યાણ થયું નથી, તેથી અહીં કહે છે કે બધાય જીવોનો સ્વભાવ શુદ્ધ પરિપુર્ણ છે. પોતે પોતાના પરિપૂર્ણ
સ્વભાવને અનુભવે તે જ જીવ બધાના પરિપૂર્ણ સ્વભાવને જાણી શકે ને તેને જ સમભાવરૂપ ધર્મ હોય.
પોતાના સ્વભાવથી પૂર્ણતાની દ્રષ્ટિમાં ‘બધા જીવો શુદ્ધ જ છે’ એમ જ્ઞાની જાણે છે. તેથી જ્ઞાનીને કોઈ
પરના કારણે રાગ–દ્વેષ થતા નથી. શ્રી શાંતિનાથ કુંથુનાથ અરનાથ એ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી હતા, ક્ષાયક
સમ્યગ્દર્શનના ધારક હતા, છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓનો સંયોગ હતો તથા રાગ પણ હતો, પરંતુ તેમાં
હેયબુદ્ધિ હતી, ક્યાંય અંશમાત્ર એકતાબુદ્ધિ ન હતી, સ્વભાવની દ્રષ્ટિથી સમભાવ જ હતો. પર્યાયના રાગનું જ્ઞાન
હતું. સ્ત્રીઓ–રાજપાટ વગેરેને પણ જાણતા હતા, પણ સ્વભાવની એકતા છૂટતી ન હતી. સ્વભાવની એકતાના
જોરે ક્ષણે ક્ષણે રાગ તૂટતો જ જતો હતો.
પ્રશ્ન:–જ્ઞાનીઓ જો પર પદાર્થને પોતાના ન માનતા હોય તો ‘આ મારી ચોપડી, આ મારી વસ્તુ’ એમ
કેમ બોલે છે?
ઉત્તર:–અરે ભાઈ, ભાષામાં એમ બોલાય છતાં અંતરમાં પરને પોતાનું માનતા નથી; તે કપટ નથી.
બોલવાની ક્રિયા જ આત્માની નથી, તે તો જડ છે, તે વખતે જ્ઞાનીનો અંતર અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ.
પ્રશ્ન:–ભાષા જડની છે, આત્મા તેનો કર્તા નથી એમ કહ્યું, તો જ્યારે આત્મા નીકળી જાય ત્યારે મડદું કેમ
નથી બોલતું?