વૈશાખ : ૨૪૭૪ : ૧૨૧ :
એક દિવસે શ્રેયાંસકુમારને સાત મહા મંગળ
સ્વપ્નો આવ્યાં. તેનું ફળ પૂછતાં તેમણે જાણ્યું કે કોઈ
મહા–પુરુષનું શુભાગમન પોતાને ત્યાં થશે. આથી
બન્ને ભાઈઓને અપાર હર્ષ થયો. તેઓ તે
મહાપુરુષના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
એવામાં શ્રી આદિનાથ મુનિરાજ ફરતાં ફરતાં
રાજ–મહેલ પાસે પધાર્યા, તે સાંભળતાંજ બન્ને
ભાઈઓ પ્રભુ પાસે દોડયા અને તેમના દર્શનથી બહુ જ
આનંદિત થયા.
ભગવાનનું દિવ્ય રૂપ દેખતાં જ શ્રેયાંસકુમારને
જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વ ભવમાં એકવાર
ભગવાન સાથે પોતે મુનિઓને આહારદાન કર્યું હતું તે
પ્રસંગ યાદ આવ્યો, તેથી મુનિઓને કઈ રીતે
આહારદાન કરાય તેની તેમને ખબર પડી ગઈ.
તરત જ નવ પ્રકારની ભક્તિપૂર્વક ભગવાનને
આહાર માટે આમંત્રણ કર્યું અને બહુજ વિનય,
બહુમાન ને પ્રસન્નતાથી ભગવાનને પોતાના મહેલમાં
લઈ ગયા. ત્યાં પૂજન વગેરે વિધિ કર્યા પછી
શ્રીશ્રેયાંસકુમારે ભગવાનના હાથમાં શેરડીના પવિત્ર
રસની ધારા રેડી...અને તે શેરડીના રસથી ભગવાને
પારણું કર્યું.
(૪) અક્ષય ત્રીજ
આ દિવસે વૈશાખ સુદ ત્રીજ હતી.
આ મહા પવિત્ર દાનથી દેવો પણ પ્રભાવીત થયા
અને આકાશમાંથી રત્નોનો વરસાદ વરસાવ્યો, દેવોનાં
વાજાં વગાડ્યાં ફૂલ વર્ષાવ્યા, દશે દિશા પ્રકાશમાન થઈ
ગઈ. સુગંધી પવન વહેવા લાગ્યો અને જય જયકાર
ધ્વનિ સહિત “अहो दानम् अहो दानम्” એમ કહીને
દાનની પ્રશંસા કરી. શ્રેયાંસકુમારને ત્યાં ઋષભદેવ
ભગવાનના પારણાના સમાચાર સાંભળીને આખી
દુનિયા આનંદ પામી, અને એ દાનનું અનુમોદન કર્યું.
શ્રીઋષભદેવ ભગવાન આહાર કરી લીધા પછી
જંગલમાં વિહાર કરી ગયા. આ કાળમાં સૌથી પહેલાંં
આહારદાનની રીત શ્રેયાંસકુમારે શરૂ કરી, તેથી દેવોએ
તેમની ખૂબ પ્રશંસા કરી, ભરત ચક્રવર્તીએ પણ તેમનું
ખૂબ સન્માન કર્યું. આચાર્યો કહે છે કે તીર્થંકરોને સૌથી
પહેલાંં આહારદાન કરનાર જીવ નિયમથી તે જ ભવે
મોક્ષ પામે છે. શ્રી શ્રેયાંસકુમાર પણ તેજ ભવમાં
અક્ષય આત્મસુખને પામ્યા.
વૈશાખ સુદ ત્રીજને દિવસે ઋષભદેવ ભગવાને
ઈક્ષુરસથી પારણું કર્યું તેમજ પારણું કરાવનાર શ્રી
શ્રેયાંસકુમાર
અક્ષયસુખ પામ્યા તેથી તે દિવસ “અક્ષય ત્રીજ” તરીકે
ઓળખાય છે, ને આજે પણ જગતમાં મંગળ–દિવસ
તરીકે ઉજવાય છે.
[શ્રીઋષભદેવ ભગવાનના પારણાનું સુંદર દ્રશ્ય
‘ભગવાન શ્રી કુંદકુંદપ્રવચનમંડપ–સોનગઢ’ માં છે, જે
જોતાં મુમુક્ષુહૃદયમાં અત્યંત ભક્તિ જાગૃત થાય છે.]
૩. દ્રવ્યત્વગુણની સમજણ
બાળકો, આ વખતે તમને ‘દ્રવ્યત્વ’ નામના
ગુણની સમજણ આપવાની છે. આ જગતમાં જીવ અને
અજીવ એવી બે જાતની વસ્તુઓ છે. જેનામાં જ્ઞાન
હોય તે જીવ છે ને જેનામાં જ્ઞાન ન હોય તે અજીવ છે.
જીવ અને અજીવ બંને વસ્તુઓમાં પોતપોતાના ગુણો
હોય છે.
તે બંનેમાં અસ્તિત્વ નામનો ગુણ છે. તેથી
તેઓનો કદી નાશ થતો નથી.
તે બંનેમાં વસ્તુત્વ નામનો બીજો ગુણ છે. તેથી
વસ્તુ પોતાના ગુણપર્યાયને પોતામાં ધારણ કરી રાખે
છે, ને પોતેપોતાના ગુણપર્યાયમાં વસે છે. આટલી
સમજણ અત્યાર સુધીમાં તમને બાલ વિભાગમાં
અપાઈ ગઈ છે.
ત્રીજો દ્રવ્યત્વ નામનો સામાન્ય ગુણ છે. આ
ગુણ જીવમાં પણ છે ને અજીવમાં પણ છે. દ્રવ્ય સદાય
એક સરખું રહેતું નથી પણ તેની હાલત સદાય
બદલાયા કરે છે–આને દ્રવ્યત્વ કહેવાય છે.
દ્રવ્યત્વગુણ બધી વસ્તુઓમાં છે તેથી બધી
વસ્તુઓની અવસ્થાનો ફેરફાર તેના પોતાથી જ થાય
છે, દ્રવ્યત્વગુણને લીધે વસ્તુની હાલત સદા બદલાયા
જ કરે છે, પણ કોઈ બીજો તેની હાલત બદલાવતો
નથી. જડમાં ય દ્રવ્યત્વ ગુણ છે, તેથી શરીરની દશા
એની મેળે બદલાયા કરે છે, જીવ તેને બદલાવનો નથી.
જીવમાં અજ્ઞાન દશા છે તે સદાય એક સરખી રહેતી
નથી, પણ અજ્ઞાનદશા પલટીને જ્ઞાનદશા થઈ શકે છે.
પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી વધારે જ્ઞાન
થાય, ત્યાં જ્ઞાનની દશાનો ફેરફાર પોતાના
દ્રવ્યત્વગુણને લીધે થયો છે. શાસ્ત્રમાંથી જ્ઞાન આવ્યું
નથી પણ જ્ઞાનગુણ પોતે જ એક દશામાંથી બીજી
દશામાં બદલ્યો છે.
માટીમાંથી ઘડો થાય છે, ત્યાં અજીવના
દ્રવ્યત્વગુણને લીધે માટી પલટીને ઘડો થયો છે, કુંભારે
તે માટીની હાલત બદલાવી નથી.
સિદ્ધ ભગવાનમાં પણ દ્રવ્યત્વગુણ હોય છે તેથી
તેમની હાલત પણ બદલાયા જ કરે છે.