Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 33

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૨૩ :
૨. ઉત્તમ માર્દવ ધર્મ
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ વીર સં. ૨૪૭૩ ના ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના
દસ દિવસો દરમિયાન શ્રી પદ્મનંદીપચીસીમાંથી ઉત્તમક્ષમા વગેરે દસ ધર્મોનું ક્રમસર વ્યાખ્યાન કર્યું હતું તેનો
ભાદરવા સુદ–૬] ટૂંક સાર [લે.–૩ અં. ૫૪ થી ચાલુ
આજે દશ લક્ષણ પર્વનો બીજો દિવસ છે. ગઈ કાલે ઉત્તમક્ષમા ધર્મનો દિવસ હતો, આજે ઉત્તમ માર્દવ
ધર્મનો દિવસ છે. સનાતન જૈનધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદ્રપદ સુદ પ થી ૧૪ સુધીના દશ દિવસોને
‘દસ–લક્ષણપર્વ’ કહેવાય છે અને તેજ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમમાર્દવધર્મનો દિવસ હોવાથી
પદ્મનંદીપંચવિંશતિકા–શાસ્ત્રમાંથી તેનું વર્ણન વંચાય છે, તેના વર્ણનના બે શ્લોક છે. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ
નિરાભિમાનતા. સમ્યગ્દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્દવધર્મ છે. ઉત્તમક્ષમામાર્દવ વગેરે દશ ધર્મો
સમ્યગ્દર્શન સહિત જીવને જ હોય છે–એ ધ્યાન રાખવું.
–વસંત તિલકા–
धर्मांगमेतदिह मार्दवनामधेयं
जात्यादिगर्वपरिहरमुषन्ति सन्तः।
तद्धार्यते किमु न बोधद्रशा समस्तं
स्वप्नेन्द्रजालसद्रशं जगदीक्षमाणैः।।८७।।
અર્થ:–ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્દવ છે; આ માર્દવ, ધર્મનું અંગ છે.
જેઓ પોતાની સમ્યગ્જ્ઞાનરૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન તથા ઈન્દ્રજાલની સમાન દેખે છે તેઓ તે ઉત્તમ
માર્દવને કેમ ન ધારે? અર્થાત્ અવશ્ય ધારણ કરે છે.
અહીં મુખ્યપણે મુનિની અપેક્ષાએ કથન છે. ઉત્તમ–ક્ષમા વગેરે દશધર્મો છે તે સમ્યક્ચારિત્રના જ ભેદો છે.
સમ્યગ્દર્શન વગર તે ધર્મ હોય નહિ. શરીર, મન, વાણીની ક્રિયા આત્મા કરતો નથી, તેનાથી આત્મા જુદો જ છે,
દયા–ભક્તિ કે વ્રત વગેરે શુભરાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મમાં મદદગાર નથી. આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તે
વિકાર રહિત છે, આમ પોતાના નિશ્ચયસ્વભાવની ઓળખાણવડે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યા પછી
વિશેષ સ્વરૂપસ્થિરતાથી ચારિત્રદશા પ્રગટે છે, ને દશામાં ધર્મીજીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ–કુળ
વગેરેના અભિમાનનો વિકલ્પ પણ ઉઠતો નથી, એનું નામ ઉત્તમમાર્દવધર્મ છે. જે ચૈતન્યસ્વરૂપ આત્માને
ઓળખે નહિ અને શરીર–કુટુંબ કુળ વગેરેને પોતાનાં માને તેને કદી જાતિ–મદ વગેરે ટળે નહિ અને તેને
ઉત્તમમાર્દવ ધર્મ હોય નહિ. ધર્મી જીવને ખરેખર જાતિ–કુળ–ધન વગેરેનો મદ હોતો નથી. કેમ કે તે જાણે છે કે હું
તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, આત્માને શરીર જ નથી, અને માતા–પિતા, કુળ, જાતિ, ધન વગેરે પણ આત્માને
નથી. –આમ પોતાના સમ્યગ્જ્ઞાન વડે સમસ્ત જગતને પોતાથી જુદું દેખનારને નિરાભિમાનપણું કેમ ન હોય?
હોય જ. આત્માની જાતિ શુદ્ધચૈતન્યધાતુ નિત્ય આનંદકંદ છે, વીતરાગતા આત્માનું કુળ છે ને ચૈતન્ય કેવળજ્ઞાન
લક્ષ્મીનો પોતે સ્વામી છે. એ સિવાય બીજા કોઈ જાતિ–કુળ કે લક્ષ્મીને જ્ઞાની પોતાનું માનતા નથી, તેથી તેમને
તેનું અભિમાન હોતું નથી. શરીર કે શરીર સંબંધી કોઈ પદાર્થો જ્ઞાનીને પોતાપણે ભાસતા નથી, રાગ કે અધૂરા
જ્ઞાનને પણ તે પોતાનું સ્વરૂપ માનતા નથી. પણ પરિપૂર્ણ સ્વભાવને જ પોતાનો જાણીને તેની શ્રદ્ધા કરે છે.
આમ હોવાથી જ્ઞાનીને જાતિમદ–કુળમદ–જ્ઞાનમદ કે બળમદ હોતા નથી. જાતિ–કુળ વગેરેને પોતાથી જુદા જાણ્યા
છે તેથી તેનું અભિમાન થતું નથી. એ રીતે, સમ્યગ્જ્ઞાન જ ઉત્તમ માર્દવધર્મનું મૂળ છે–એમ અહીં બતાવ્યું છે.
જાતિ–કુળ વગેરેથી જુદું પોતાનું ચૈતન્યસ્વરૂપ જાણ્યા પછી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ગૃહસ્થને અસ્થિરતાના રાગને
લીધે કુળમદ વગેરેની વૃત્તિ ઊઠે. પણ ધર્માત્માને રાગ–રહિત સ્વભાવમાં એકતાના જોરે તેનો નિષેધ છે, તે
રાગને પોતાનું સ્વરૂપ જાણતા નથી, રાગનો આદર નથી પણ સ્વભાવનો જ આદર છે, તેથી પરમાર્થે તો તેઓ
સમ્યગ્જ્ઞાનવડે તેના જ્ઞાતા જ છે. માટે ખરેખર ધર્મી જીવોને જાતિમદ વગેરે હોતા નથી. ધર્મી જીવને માતા–
પિતાથી કે કુળ જાતિ વગેરેથી ઓળખવા તે બરાબર નથી, પણ તેમના અંતરના શ્રદ્ધા–જ્ઞાન વડે તેમને
ઓળખવા તે યથાર્થ છે. ધર્મી જીવો કોઈ પણ બાહ્ય પદાર્થોથી મોટાઈ માનતા નથી પણ સ્વભાવના સમ્યક્શ્રદ્ધા–