Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 33

background image
: ૧૨૪ : આત્મધર્મ : ૫૫
જ્ઞાનપૂર્વક અભેદતા થઈને જેટલો રાગ તૂટયો તેટલી મોટાઈ છે ને જેટલો રાગ રહ્યો તેટલી હીનતા છે–એમ જાણે
છે. બહારના પદાર્થોથી પોતાને મોટો માનવો તે મદ છે, અને મારી જાતિ હલકી, મારું કુળ હલકું વગેરે પ્રકારે
બહારના પદાર્થોથી પોતાને હલકો માનવો તે પણ મદ છે, કેમ કે તેણે જાતિ–કુળમાં અહંપણું કર્યું છે.
પહેલાંં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા પછી વિશેષ પુરુષાર્થ વડે સ્વરૂપ સ્થિરતા પ્રગટ કરીને સંત–મુનિદશામાં
જાતિ–કુળ વગેરેના વિકલ્પ તોડીને વીતરાગી સ્થિરતા વધારવાની વાત છે. પણ ઉત્તમ નિર્માનતા કોને કહેવાય
તેનું જ જેને ભાન નથી એને ઉત્તમ માર્દવ ધર્મ ક્યાંથી હોય? આત્મા નિત્ય જ્ઞાનઘન છે, દેહાદિ અનિત્ય સંયોગો
તે આત્માનું સ્વરૂપ નથી. જેમ ‘ઘીનો ઘડો’ એમ બોલાય છે પણ તે ખરું વસ્તુસ્વરૂપ નથી, તેમ જ્ઞાનીને
ઓળખવા માટે એમ બોલાય કે આ માતા, આ પિતા, આ કુળ, આ જાતિ. પરંતુ ખરું સ્વરૂપ એમ નથી. જ્ઞાનીને
તેમના આત્માથી ઓળખવા તે જ સાચી ઓળખાણ છે. આત્માનો સંસાર માતા–પિતા–સ્ત્રી શરીર વગેરેમાં નથી
પણ પોતાના પર્યાયમાં જ જે અજ્ઞાન અને રાગદ્વેષ છે તે જ સંસાર છે. આત્માનો સંસારભાવ આત્માની દશામાં
જ છે. અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે આ મારા પિતા, આ મારી માતા વગેરે. એ તેની ભ્રમણા જ સંસાર
છે. પોતે પોતાને ચૈતન્ય સ્વરૂપે ન જાણ્યો ને શરીરવાળો માન્યો તેથી શરીરના સંબંધી માતા–પિતાને પોતાના જ
માતા–પિતા માને છે, અને તેથી જીવને શરીરના રૂપ વગેરેનું અભિમાન હોય છે.
ખરેખર તો પોતે ચૈતન્ય સ્વરૂપ છે ને માતા પિતા વગેરેનો આત્મા પણ ચૈતન્ય રૂપ છે, કોઈ આત્મા
શરીર રૂપ નથી, પણ કોણ કોના માતા–પિતા ને કોણ કોનો પુત્ર? આવી જેને દ્રષ્ટિ છે તેને જ પરનો અહંકાર
ટળે છે. આ શરીર તો જડ પરમાણુઓ છે–માટી છે. જે જીવ શરીરના બળનું અભિમાન કરે છે તે જીવ જડનો
ધણી થાય છે, શરીરથી સદાય જુદો ચૈતન્ય સ્વરૂપી અરૂપી સ્વભાવ છું એવું તેને ભાન નથી. ચૈતન્ય સ્વરૂપનો
અનાદર કરીને શરીરના બળ વગેરેનો અહંકાર કરનાર જીવ મોટો હિંસક છે. શરીર મારું, શરીરની ક્રિયા હું કરી
શકું અને શરીર બળ સારૂં હોય તો ધર્મધ્યાન બરાબર થઈ શકે–એમ જે માને છે તે જીવ આત્માની હિંસા
કરનારો છે. આત્મા શરીરાદિનું કાંઈ કરી શકે નહિ. આત્માનું બળ (–પુરુષાર્થ) કાં તો અજ્ઞાનભાવે પુણ્ય–
પાપમાં અટકે અને કાં તો અસંગ સ્વભાવને ઓળખીને તેમાં રાગ–દ્વેષ રહિત સ્થિરતા પ્રગટ કરે.
જ્ઞાની જીવ જાણે છે કે સંપૂર્ણ જ્ઞાન અને આનંદ તે જ એક મારું રૂપ છે, જાતિ, કુળ, શરીરબળ, વિદ્યાઓ
કે અધૂરું જ્ઞાન–તે કોઈ મારું રૂપ નથી. ખરેખર તો આમ જુદાપણું જાણ્યું ત્યાં જ પરનો અહંકાર ટળી ગયો છે.
પછી જે અલ્પ રાગની વૃત્તિ ઊઠે તેનો જ્ઞાનીને નિષેધ છે. અહીં તો એવી વાત છે કે તે રાગની વૃત્તિ ઊઠવા જ ન
દેવી, ને વીતરાગપણે સ્થિર રહેવું–તે ઉત્તમ માર્દવ ધર્મ છે, અને તે ધર્મ મોક્ષમાર્ગમાં વિચરતા મુનિઓને
સહચારીપણે હોય છે.
જૈન એટલે જીતનાર; આત્માનું પરથી ભિન્ન સ્વરૂપ જાણીને જેણે મિથ્યાત્વ–અજ્ઞાનને જીતી લીધું છે
અર્થાત્ નષ્ટ કર્યું છે, તેમજ આત્મસ્વરૂપમાં સ્થિરતા વડે જેણે રાગ–દ્વેષને જીતી લીધા છે–તે જ જૈન છે. જે જૈન
હોય તે ‘પરનું હું કરું’ એવું અભિમાન કરે નહિ, રાગ–દ્વેષને પોતાનું સ્વરૂપ માને નહિ.
જ્ઞાનીઓને જ્ઞાનમદ હોતો નથી. શાસ્ત્રનું જ્ઞાન કે અવધિ–મનઃપર્યયજ્ઞાન થાય તેનું અભિમાન જ્ઞાનીને
હોતું નથી. પૂરો જ્ઞાન સ્વભાવ જ જાણ્યો છે તેને અધૂરા જ્ઞાનમાં સંતોષ કે તેનું અભિમાન કેમ હોય? બારમા
ગુણસ્થાન સુધીનું બધુંય જ્ઞાન અલ્પ છે, કેવળજ્ઞાનના અનંતમા ભાગનું છે, તે તૂચ્છ પર્યાયનું અભિમાન જ્ઞાનીને
નથી, પણ અનંત ચૈતન્ય સ્વભાવના વિનય અને મહિમાથી સ્વભાવમાં લીન થઈને, અધૂરા જ્ઞાનનો વિકલ્પ
છોડીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. થોડુંક સાંભળ્‌યું ને થોડાક શાસ્ત્રો વાંચ્યા, ત્યાં તો ‘હું ઘણું જાણું છું’ એવું જેને
અભિમાન થાય છે તે જીવ પર્યાયદ્રષ્ટિવાળો મિથ્યાદ્રષ્ટિ છે, તેણે પૂરા સ્વભાવને જાણ્યો નથી તેથી થોડાક
જાણપણાનો મહિમા અને અભિમાન થાય છે. કોઈ જીવો સત્ સ્વભાવ સમજ્યા વગર મંદ કષાય કરીને
નિર્માનતા રાખે તે તો પુણ્યબંધનું કારણ છે, અહીં તેની વાત નથી, પણ ધર્માત્માને સ્વભાવની જાગૃતિપૂર્વક
વીતરાગભાવ પ્રગટતાં મદનો વિકલ્પ જ થતો નથી, તે જ સાચો માર્દવ ધર્મ છે. સ્વભાવ જાણ્યા વગર પર્યાયનું
અભિમાન ટળે નહિ, ને તેને ધર્મ થાય નહિ.
આ દશ ધર્મોનું વર્ણન કરનાર શ્રી પદ્મનંદીઆચાર્ય મહાન સંતમુનિ છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની
શ્રેણીમાં ઝૂલી રહ્યા છે, ઘણી વીતરાગતા પ્રગટી છે, ને અલ્પ રાગ રહ્યો છે તેથી કહે છે કે અહો, સિદ્ધભગવાનના
વખાણ અમે શું કરી શકીએ? અમારું જ્ઞાન અત્યંત અલ્પ છે,