: ૧૪૮ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
છે. એ વર્ણન પરનું ન સમજવું પણ પોતાના જ્ઞાનસ્વભાવ સામર્થ્યનું જ તે વર્ણન છે એમ સમજવું. છ દ્રવ્યો કે
નવતત્ત્વોનું વર્ણન આવે ત્યાં તારે એમ સમજવું કે એ બધાને જાણવાની મારા જ્ઞાનસ્વભાવની જે તાકાત છે તેનું
જ આ વર્ણન છે. એમ પોતાના સ્વભાવનો મહિમા લાવીને, શ્રદ્ધા કરીને તેમાં જ સ્થિર થવું તે જૈનદર્શનનું
પ્રયોજન છે. અનંતા શાસ્ત્રો અને અનંતી દિવ્યધ્વનિઓનો સાર એ જ છે કે તારા ચૈતન્ય સ્વરૂપી આનંદમય
આત્માને ઓળખીને એમાં સ્થિર થા.
જૈન દશર્ના શાસ્ત્રોના ભાવ સમજવા
માટે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય
નિયમો.
(૧) જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે; તે દરેકવસ્તુને અનેકાંત સ્વરૂપમાં બતાવે છે. દરેક તત્ત્વ પોતાના
સ્વરૂપમાં અસ્તિરૂપ અને પરના સ્વરૂપથી નાસ્તિરૂપ છે. આ અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ સમજવાનો ઉપાય
છે. તેનાથી જ જૈન દર્શનની મહત્તા છે.
(૨) દરેકે દરેક તત્ત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે અને પરથી નાસ્તિરૂપ છે. જેમાં જેની
નાસ્તિ હોય તેમાં તે કાંઈ કરી શકે નહિ તેથી કોઈપણ તત્ત્વ બીજા કોઈ તત્ત્વનું કાંઈપણ કરવા કદી સમર્થ નથી.
(૩) દરેક દ્રવ્યો એકબીજાથી જુદા હોવાથી, તેમના ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદે જુદાં જ છે.
અને દરેક દ્રવ્યના ગુણપર્યાય પોત પોતાના દ્રવ્યના જ આધારે છે, કોઈપણ દ્રવ્યના ગુણ–પર્યાય કદી પણ કોઈ
બીજા દ્રવ્યના આધારે નથી.
(૪) જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે તેથી કોઈ પર પદાર્થો જીવને લાભ–નુકસાન કરી
શકે નહિ, જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે. જગતના સર્વ દ્રવ્યો સ્વથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ એમ અનેકાંત
સ્વરૂપ છે, એ અનેકાંત દ્વારા વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા છે. આમ ભેદ કરાવીને જૈન દર્શન
આત્મસ્વભાવ સાથે એકતા કરાવે છે, ને પરસાથેનો સંબંધ તોડાવે છે.
(૫) જૈનદર્શનના શાસ્ત્રોનું કોઈપણ કથન હોય તેનું મૂળ પ્રયોજન વીતરાગભાવ જ છે. એ પ્રયોજનને
અખંડ રાખીને જ જૈનશાસ્ત્રોના અર્થ સમજવા.
ઉપર મુજબ પાંચ નિયમો બરાબર લક્ષમાં રાખી ને સત્શાસ્ત્રોના અર્થ સમજવામાં આવે તોજ તેનું સાચું
રહસ્ય સમજાય છે. કોઈપણ શાસ્ત્ર હોય અને તેમાં નિશ્ચયનયનું કથન હોય કે વ્યવહારનયનું કથન હોય પણ
તેનો સાચો ભાવાર્થ સમજવા માટે ઉપરના નિયમો લક્ષમાં રાખીને તેના અર્થ કરવા જોઈએ.
અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતના મર્મને સમજીને જો અર્થ કરે તો શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામી જાય, –
શાસ્ત્રના ગમે તે કથનમાં પણ તે મૂંઝાય નહિ. અને જો અનેકાંત ના સાચા મર્મને જાણે નહિ તથા એક દ્રવ્ય
બીજા દ્રવ્યમાં કાંઈ કરે ઈત્યાદિ પ્રકારે પક્ષ રાખીને શાસ્ત્ર વાંચે તો તે શાસ્ત્રના અનેક વિવક્ષાઓના કથનને
ઉકેલી શકશે નહિ, તે શાસ્ત્રના કથનનેજ પકડીને ત્યાંજ મૂંજાઈ જશે–એટલે કે તેનું જ્ઞાન મિથ્યા રહેશે, તે
શાસ્ત્રમાં કહેલા જ્ઞાનીઓના આશયને સમજી શકશે નહિ.
આત્માને શું ખપે ને શું ન ખપે – એની
કોને ખબર પડે?
ઘણા વ્યવહારના આગ્રહી જીવો, હજી પોતે આત્મસ્વભાવની ઓળખાણ કર્યા પહેલાંં તો, મારે જૈનના
હાથનુંજ ખપે અને અજૈનના હાથનું ન ખપે–એમ કહે છે; પરંતુ ભાઈ, હજી તું પોતેજ આત્માની ઓળખાણ
વગર અજૈન છો. પહેલાંં સમ્યગ્દર્શન વડે તું તો સાચો જૈન થા; પછી તને વાસ્તવિકપણે ખબર પડશે કે તારા
આત્માને શું ખપે અને શું ન ખપે? જ્ઞાનીનો અભિપ્રાય તો એવો છે કે મારે મારો વીતરાગી સ્વભાવ અને
વીતરાગતાજ ખપે, રાગનો અંશ પણ ન ખપે. એવા ભાનપૂર્વક તેઓને પોતાની ભૂમિકા મુજબ રાગનો અને
તેનાં નિમિત્તોનો ત્યાગ હોય છે. અજ્ઞાનીને રાગરહિત સ્વભાવનું તો ભાન નથી અને રાગને આદરણિય માને
છે, એની મિથ્યા માન્યતામાં એને અનંતો રાગ ખપે છે અને એના નિમિત્તરૂપ અનંત પદાર્થો ખપે છે,–એનો તો
તે ત્યાગ કરતો નથી અને બહારમાં આ વસ્તુ ન ખપે અને આ વસ્તુ ખપે–એમ કરવામાંજ રોકાઈ પડે છે.
પરિણામમાં તો મંદ કષાયનું પણ ઠેકાણું ભાગ્યે જ હોય છે. એવો માર્ગ જૈન–દર્શનનો નથી. હજી હું કોણ અને પર
કોણ એ જ સમજ્યા વગર મારે શું ખપે અને શું ન ખપે એની અજ્ઞાનીને શું ખબર પડે?