: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
રાગદ્વેષ ટાળવા જાગૃત રહેવું યોગ્ય છે.
શુભ–અશુભ વૃત્તિઓ ઊઠે તે સમ્યક્શ્રદ્ધાને નુકશાન નથી કરતી, પણ સમ્યક્ચારિત્રને લૂંટે છે.
કેવળજ્ઞાનની તૈયારીવાળા છઠ્ઠા–સાતમા–ગુણસ્થાને ઝૂલતા હોય એવા મુનિરાજને પણ શુભાશુભ લાગણીઓ
સંપૂર્ણ શુદ્ધચારિત્ર દશાને અટકાવે છે–કેવળજ્ઞાનને અટકાવે છે. માટે અહીં આચાર્યદેવ કહે છે કે મારે રાગદ્વેષને
ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
શું કરવાથી જીવ મુક્ત થાય છે?
“ભાવાર્થ:– ૮૦ મી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનમોહને દૂર કરીને અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જે
જીવ શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ વીતરાગ ચારિત્રના પ્રતિબંધક રાગદ્વેષને છોડે છે, ફરી ફરીને રાગદ્વેષભાવે
પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ–બુદ્ધ–એક સ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે–મુક્ત થાય છે.”
રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપ જાણીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી રાગ–દ્વેષ ટાળવાની વાત છે. જેણે
રાગાદિથી જુદું આત્મસ્વરૂપ જાણ્યું જ નથી તે જીવ રાગદ્વેષને ટાળે કઈ રીતે? તેથી પહેલાંં જ ૮૦ મી ગાથામાં
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય બતાવીને પછી રાગ–દ્વેષ ટાળવાની વાત કરી છે. સમ્યગ્દર્શન પછી જો
સ્વરૂપના અનુભવમાં જ જીવ પોતાનો ઉપયોગ લીન કરે છે, તો તેને ફરી ફરી રાગાદિ થતા નથી; તે જીવ
અભેદરત્નત્રયરૂપ પરિણમેલ છે, તેને રાગદ્વેષરૂપ વિકલ્પ તૂટીને સ્વરૂપની એકાગ્રતા થતાં રત્નત્રયનો ભેદ તૂટીને
રત્નત્રયની અભેદતા થઈ એટલે તેને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની સ્વમાં જ એકતા થઈ. એવો તે જીવ શુદ્ધ–બુદ્ધ એક
જ્ઞાનસ્વભાવી આત્માને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે જીવ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે.
જીવે સ્વરૂપમાં અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે
‘તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પણ, અને સરાગ ચારિત્ર પામીને પણ, રાગદ્વેષના નિવારણ માટે
અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે.’
દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી અરિહંત જેવું મારું સ્વરૂપ છે, રાગ કે અપૂર્ણતા મારું સ્વરૂપ નથી એમ
બરાબર સમજીને પ્રથમ તો સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. અને એ સમ્યગ્દર્શન પૂર્વક દીક્ષા લઈ–શુદ્ધોપયોગ
વડે ત્રણ પ્રકારના કષાયોનો નાશ કરીને–છઠ્ઠું ગુણસ્થાન (સરાગ ચારિત્ર દશા) પ્રગટ કરે તોપણ ત્યાં જે રાગનો
અંશ છે તે આત્માની શુદ્ધતાને રોકે છે તેથી તે રાગના નિવારણ માટે અર્થાત્ પ્રમાદરૂપી ચોરથી શુદ્ધોપયોગનું
રક્ષણ કરવા માટે સ્વરૂપમાં અત્યંત સાવધ રહેવું યોગ્ય છે.
ક્ષાયક સમ્યક્ત્વ અને ક્ષપક શ્રેણી
શ્રીઆચાર્યદેવે પૂર્ણતાની જ ભાવના ભાવી છે. પહેલાંં ૮૦મી ગાથામાં ક્ષાયક સમ્યગ્દર્શનની વાત કરી
અને પછી આ ગાથામાં ક્ષપક શ્રેણીની વાત કરી. અહો, આચાર્યદેવ પોતાની અંતર ભાવનાને બરાબર લડાવે છે.
૮૧મી ગાથા પૂરી થઈ
તીર્થંકરોએ શું કર્યું અને શું કહ્યું?
મોહનો સર્વથા નાશ કરીને સંપૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટેનો ઉપાય આચાર્યદેવે બે ગાથામાં વર્ણવ્યો.
હવેની ગાથામાં બધાય તીર્થંકરોને સાક્ષીપણે ઉતારતાં આચાર્યદેવ કહે છે કે જે ઉપાય અહીં વર્ણવ્યો તે જ ઉપાય
બધાય તીર્થંકરોએ પોતે કર્યો અને તેઓએ જગતના ભવ્ય જીવોને એનો જ ઉપદેશ કર્યો. તેઓને નમસ્કાર હો!
હવે, આ જ એક (પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક) ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો
નિઃશ્રેયસનો (મોક્ષનો) પારમાર્થિક પંથ છે–એમ મતિને વ્યવસ્થિત કરે છે:
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा।
किच्चा तधोवदेसं णिव्वादा तेणमो तेसिं।। ८२।।
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને.
અર્થ:– બધાય અર્હંતભગવંતો તે જ વિધિથી કર્માંશોનો (જ્ઞાનાવરણીયાદિ કર્મ ભેદોનો) ક્ષય કરીને તથા
(અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.
ઉપર્યુક્ત ૮૨ મી ગાથાનું વિસ્તૃત વ્યાખ્યાન હવે પછી આપવામાં આવશે, સાથે સાથે ૮૦–૮૧–૮૨ એ ત્રણે
ગાથાનો સાર પણ આપવામાં આવશે. આ ગાથાઓમાં બધાય તીર્થંકરોના ઉપદેશનો સાર આવી જાય છે. સર્વે
તીર્થંકરોએ શું કર્યું અને ઉપદેશમાં જગતને શું કહ્યું? તે તેમાં સ્પષ્ટપણે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે.