Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
લૂંટી લે છે. અલ્પ પણ રાગ રહી જાય તો તેનાથી રત્નત્રયસંપત્તિ લૂંટાય છે, ને મોક્ષ થતો નથી. સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન થયા પછી પણ વિષય–કષાયોને જીતવા દુર્લભ છે, પરંતુ મુનિવરો પરદ્રવ્યોથી પરાઙમુખ થઈને જ્યારે
સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે વિષયકષાયો ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે. માટે મોક્ષમાર્ગમાં ગમન કરી રહેલા
યોગીઓને ભગવાનની ભલામણ છે કે હે મુનિઓ! વિષય–કષાયરૂપી ચોરોથી તમારી રત્નત્રયરૂપી લક્ષ્મીને
બચાવવા માટે સમ્યક્ તપરૂપી યોદ્ધાને સદા સાથે રાખજો. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ધર્મ લક્ષ્મીને સાથે રાખીને
મોક્ષ તરફ ગમન કરતાં સ્વભાવની સ્થિરતાના પુરુષાર્થને સાથે રાખવાથી, વચ્ચે કોઈ વિઘ્ન કરવા સમર્થ નથી.
હવે આચાર્યદેવ તપ માટેની પ્રેરણા કરે છે–
મંદાક્રાન્તા
मिथ्यात्वादेर्यदिह भविता दुःखमुग्रं तपोभ्यो जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्।
स्तोकं तेन प्रसभमखिलकृच्छ्रलब्धे नरत्वे यद्येतर्हि स्खलसि तदहो का क्षतिजीव ते स्यात्।।
१००।।
કોઈ જીવ ઉત્તમ તપધર્મમાં નિરુત્સાહી થતો હોય અને ખેદથી દુઃખી થતો હોય અને તેથી તપને જ
દુઃખરૂપ માનીને છોડી દેતો હોય, તો તેને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! જેમ સમુદ્રના પાણી પાસે પાણીના
કણીયાની ગણતરી નથી તેમ, સમ્યક્તપના અનાદરથી મિથ્યાત્ત્વને લીધે જે અનંતુ દુઃખ થશે તેની પાસે તપના
અલ્પ દુઃખની ગણતરી કાંઈ નથી. તપ તે ચારિત્રધર્મ છે અને તે તો પરમ આનંદનું કારણ છે, તે દુઃખનું જરાપણ
કારણ નથી, પણ તેની સાથે જે રાગ રહી જાય છે તેનું અલ્પ દુઃખ છે–એમ સમજવું. અહીં તો જેને ચારિત્રદશામાં
અલ્પ ખેદ થાય છે ને નિરૂત્સાહી થઈ જાય છે તેને સમજાવવા કહે છે કે હે જીવ! આ તપમાં તો તને બહુ અલ્પ
દુઃખ છે, અને મિથ્યાત્વ–અવ્રત વગેરેના સેવનથી નરકમાં જઈશ ત્યાં તો અનંતુ દુઃખ છે, ને અનંતી પ્રતિકૂળતા
છે. એની પાસે તો તારા તપમાં જે પ્રતિકૂળતા છે તેની કાંઈ ગણતરી નથી. છતાં તું તપથી કેમ ભયભીત થાય
છે? અહો! સાદિ અનંત પરમાનંદના કારણભૂત એવા ઉત્તમ તપને ધારણ કરવામાં તને શું હાનિ છે? સમ્યક્
તપનું પાલન કરતાં બહારમાં પ્રતિકૂળતા આવે તેનાથી ખેદ ન પામ, સમ્યક્ તપ તને જરાય દુઃખનું કારણ નથી
પણ મોક્ષદશાના પરમ સુખનું કારણ છે.
ઉત્તમ તપ તો વીતરાગભાવ છે અને વીતરાગભાવમાં દુઃખ હોય નહિ. મિથ્યાદ્રષ્ટિ જીવનાં આચરણ
દુઃખરૂપ છે. આમ હોવા છતાં અહીં ધર્માત્મા મુનિના ઉત્તમ તપમાં અલ્પ દુઃખ કેમ કહ્યું? –તેનું કારણ એ છે કે
કોઈક મંદ પુરુષાર્થી જીવને પ્રતિકૂળતા વગેરેમાં લક્ષ જતાં ખેદ થતો હોય અને કઠણ લાગતું હોય, તેથી સહેજ
અણગમો થઈ જતો હોય, તો તે અણગમાને લીધે તેને જરાક દુઃખ લાગે છે. એ અપેક્ષાએ ઉપચારથી તપમાં
અલ્પ દુઃખ કહ્યું છે. ખરેખર તો તપનું દુઃખ નથી પણ ખેદનું દુઃખ છે. ખેદભાવ તે તપ નથી અને તપમાં ખેદ
નથી. અલ્પ કલેશની ગણતરી મુખ્ય કરીને રત્નત્રય સહિત ઉત્તમ તપધર્મમાં ઉત્સાહ ઘટાડવો ઠીક નથી.
ધર્મી જીવ મુનિદશામાં છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા હોય અને સંથારો કર્યો હોય, છતાં કોઈને
નબળાઈને લીધે જરા કલેશ–અણગમો થઈ આવે અને પાણીની વૃત્તિ ઊઠે. છતાં અંતરમાં ભાન છે કે આ વૃત્તિ
મારું સ્વરૂપ નથી, આ વૃત્તિ થઈ તે ચારિત્રનો ભાગ નથી પણ દોષ છે. વિશેષ સહનશીલતા નથી ને ખેદ થાય
છે તેનો આરોપ કરીને તપમાં અલ્પ દુઃખ કહ્યું છે. અને ચારિત્ર સ્થિર રહેવા માટે કહ્યું કે અત્યારે જરાક દુઃખથી
ડરીને જો ચારિત્રનો જ અનાદર કરી નાખીશ તો મિથ્યાત્વ થશે અને તેના ફળમાં જે અનંત દુઃખ મળશે, તેને તું
કેમ સહન કરી શકીશ? અત્યારે અલ્પદુઃખ સહન કરીશ તો સમ્યક્ તપના ફળમાં અનંત મોક્ષસુખને પામીશ.
જે ખરેખર ચારિત્રને દુઃખનું કારણ માને છે તે તો અજ્ઞાની છે. જે લોકો ઉપવાસને તેમજ ચારિત્રને
દુઃખદાયક માને છે તેને સમ્યગ્દર્શન પણ નથી. શુદ્ધ ચિદાનંદ આત્માનું ભાન કરીને તેના આનંદના અનુભવમાં
લીન થઈ જતાં ઈચ્છા તૂટી જાય તે ઉત્તમ તપ ધર્મ છે. આચાર્યદેવ એવા ઉત્કૃષ્ટ તપ માટેની પ્રેરણા કરે છે.
અહીં ઉત્તમ તપ ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
૮ ઉત્તમ ત્યાગ ધર્મ (ભાદરવા સુદ ૧૨ પહેલી)
દસ ધર્મોમાં આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે, તેનું વર્ણન કરે છે–
(ર્ િક્રિ) व्याख्या या क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा।
स त्यागो वपुरादि निर्ममतया नो किंचनास्ते यते–
ज्ञकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां सम्मतः।।
१०१।।