Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૭૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૪ :
ત્યાં એકલા શુદ્ધાત્માનો જ અનુભવ નથી. પણ જીવ જ્યારે સંપૂર્ણ રાગદ્વેષ ટાળીને શુદ્ધઉપયોગ પ્રગટ કરે છે
ત્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ આત્માનો જ અનુભવ હોય છે. એને જ અહીં શુદ્ધ આત્માનો અનુભવ
કહ્યો છે. પહેલાંં અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણીને તેવા જ પોતાના આત્માની શ્રદ્ધા કરી હતી અને
હવે પોતાનો આત્મા સાક્ષાત્ તેવો થઈ ગયો. જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાય થઈ ગયા.
શુભ ઉપયોગ તે ચૈતન્યનો લૂંટારો છે
અરિહંત જેવા પવિત્ર પોતાના આત્માની શ્રદ્ધા થયા પછી પણ રાગદ્વેષ દૂર કરે ત્યારે શુદ્ધ આત્માનો
અનુભવ થાય છે. હું ચૈતન્યસ્વરૂપ છું, રાગદ્વેષ મારું સ્વરૂપ નથી–આમ પ્રતીત કર્યા છતાં જીવ જો ફરી ફરીને
શુભ કે અશુભભાવમાં જોડાય તો તે પ્રમાદ છે. શુભભાવ પણ પ્રમાદ છે. સમ્યગ્દર્શનપૂર્વક મુનિદશામાં જે પંચ–
મહાવ્રતની લાગણી તે પણ પ્રમાદ જ છે, તે પ્રમાદના તંત્રને આધીન થવાથી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપના વેદન
રૂપ ચૈતન્યચિંતામણિ ચોરાઈ જાય છે. માટે શુભભાવ તે ચૈતન્ય ચિંતામણીનો ચોર છે. તો પછી અશુભ
લાગણીની તો વાત જ શું કરવી? આચાર્યદેવને વર્તમાનકાળે મુનિદશા તો વર્તે છે પરંતુ કેવળજ્ઞાન પ્રગટ થાય
તેવો શુદ્ધોપયોગ નથી અને કંઈક શુભોપયોગ રહી જાય છે, તેનો નકાર કરીને તેઓશ્રી સંપૂર્ણ શુદ્ધોપયોગની
ભાવના કરે છે. મુનિદશામાં જે શુભલાગણી ઊઠે છે તે પ્રમાદ છે–રાગ છે–ચોર છે–શુદ્ધ ઉપયોગને લૂંટે છે. તે
શુભને દૂર કરીને શુદ્ધોપયોગ જ્યારે પ્રગટ કરે છે ત્યારે જ મોહનો સંપૂર્ણ ક્ષય થઈને પૂર્ણદશા પ્રગટે છે.
સમ્યગ્દર્શન તો પહેલાંં જ સ્થાપીને પછીની આ વાત છે.
શુભ ઉપયોગથી જીવ ખેદ પામે છે
પહેલાંં તો આચાર્યદેવે અસ્તિથી વાત કરી કે, સમ્યક્ આત્મતત્ત્વને પામીને જે જીવ રાગદ્વેષને નિમૂર્ળ કરે
છે તે જીવ શુદ્ધ આત્માને અનુભવે છે. પરંતુ (હવે નાસ્તિથી વાત કરે છે) જો ફરી ફરીને જીવ તેમને અનુસરે
છે–રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ–આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ખેદ પામે છે.
સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી શુભ લાગણી થાય છે પણ તે કેવળજ્ઞાનનું કારણ નથી. શુભ લાગણી તો
કેવળજ્ઞાનને રોકનારી છે, જીવને ખેદ પમાડનારી છે. અરેરે! શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાન થઈને સ્વરૂપ–સ્થિરતા
પ્રગટ્યા છતાં પણ જીવ જો શુભ લાગણીને ફરી ફરીને અનુસરે તો શુદ્ધાત્માના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ફરી ફરીને ખેદ પામે છે. શુદ્ધ ઉપયોગ તે જ એક જીવને સુખદાયક છે, શુભ ઉપયોગ તે દુઃખ છે.
છઠ્ઠાગુણસ્થાને શુભ વિકલ્પ ઊઠે છે તે દુઃખ છે, ખેદકારક છે. અહા, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગદશા અટકે છે ને
શુભ–અશુભ ઉપયોગમાં જોડાણ થાય છે તે ખેદ છે, તેનાથી નિર્વિકલ્પ શુદ્ધાત્મ રમણતા ચોરાઈ જાય છે.
સહજાનંદ સ્વભાવમાં ઉપયોગની સંપૂર્ણ લીનતા ન થતાં, વિપરીત દશા થઈ ત્યારે રાગદ્વેષરૂપ અશુદ્ધઉપયોગ
થયો, તેનાથી આત્મસ્વરૂપમાં રમણતાનો ભંગ પડે છે. શુભવૃત્તિ થાય તેનાથી ધર્માત્મા મુનિને પણ અંતરમાં
દુઃખ છે–ખેદ થાય છે. જો સ્વરૂપની રમણતામાં જ ટકીને શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરું તો પ્રમાદથી શુભ ઉપયોગમાં
આવી જાઉં છું અને મારા કેવળજ્ઞાનના કારણરૂપ અનુભવચિંતામણિ ચોરાઈ જાય છે. તેથી મારે રાગદ્વેષને
ટાળવા માટે અત્યંત જાગ્રત રહેવું યોગ્ય છે–એમ શ્રી આચાર્યદેવ કહે છે.
મોક્ષનો ઉપાય
રાગદ્વેષ છોડીને સ્વાશ્રય સ્વભાવમાં અભેદ થવું તે સમ્યક્ચારિત્ર છે અને રાગદ્વેષ રહિત સ્વાશ્રય
સ્વભાવની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં ચૈતન્ય ચિંતામણિની પ્રાપ્તિ થઈ, પરંતુ જેટલું પર વલણ
થાય છે તેટલું ચૈતન્ય અનુભવરત્ન ચોરાઈ જાય છે. માટે સર્વે શુભ અશુભથી રહિત થઈને સ્વરૂપમાં સંપૂર્ણ
જાગૃત રહેવું તે જ મોક્ષ પામવાનો ઉપાય છે.
સાચું પ્રતિક્રમણ
પહેલાંં તો પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મિથ્યાશ્રદ્ધારૂપ મહાપાપથી પાછો ફર્યો
તે જ મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે, અને પછી–શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા પ્રગટ કરીને રાગદ્વેષથી પાછો ફર્યો તે અવ્રત
વગેરેનું પ્રતિક્રમણ છે. સૌથી પહેલાંં મિથ્યાત્વના પ્રતિક્રમણ વગર એકે પ્રકારનું પ્રતિક્રમણ હોય જ નહિ. અહીં તો
સંપૂર્ણ મોહનો ક્ષય કરીને મોક્ષદશા પ્રગટ કરવાના ઉપાયની વાત ચાલે છે. સમ્યગ્દર્શન થયા છતાં જો જીવ
રાગદ્વેષને ન છોડે તો તે મુક્તિ પામતો નથી.