: ૧૯૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ ફરતાં કાંઈ ધર્મનું સ્વરૂપ ફરી જતું નથી. આત્માનો સ્વભાવ સદાય એકરૂપ છે ને તે
સ્વભાવના આશ્રયે જ સદાય મોક્ષમાર્ગ છે, તેથી મોક્ષનો માર્ગ સદાય એક જ પ્રકારનો છે. જેમ સુખડી મોટા
રાજાને ઘેર કરે કે રંકને ઘેર કરે, પણ ઘી–ગોળ અને લોટ એ ત્રણ વસ્તુની જ થાય છે, પણ ઘીને બદલે પાણી વગેરે
નાંખતા નથી. આજે, ભૂતકાળે કે ભવિષ્યમાં સુખડી કરવાનો એક જ ઉપાય છે. તેમ અનંતકાળ પહેલાંં, અત્યારે કે
અનંતકાળ પછી બધાય મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય એક જ પ્રકારનો છે. પોતાના શુદ્ધ આત્મસ્વભાવની
ઓળખાણ અને તેના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
અરિહંતભગવાનો પોતે તે ઉપાયથી ધર્મ પામ્યા અને બીજા મુમુક્ષુઓને તે જ ઉપાયનો ઉપદેશ કરીને સિદ્ધ થયા.
શુદ્ધઉપયોગ એ જ અરિહંતોનો માર્ગ છે
પોતે ભગવાન થવા માટે ભગવાન જેવા પોતાના આત્માની ઓળખાણ કરવી જોઈએ. પુણ્ય પાપરહિત
જ્ઞાનાનંદસ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ જે શુદ્ધોપયોગ તે જ એક માત્ર ઉપાય મોક્ષ માટે ભગવાને
કહ્યો છે. આનાથી વિરુદ્ધ બીજો કોઈ ઉપાય જેઓ કહેતા હોય તેઓ અરિહંતના માર્ગે ચાલનારા નથી. સર્વજ્ઞદેવે
પોતે જોયેલા, કરેલા અને ઉપદેશેલા વસ્તુસ્વરૂપના નિયમને જાણ્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ ને મોહ ટળે
નહિ. વિકાર તે આત્માનો સ્વભાવ નથી એમ ભગવાને જાણ્યું છે અને વિકાર ટાળીને શુદ્ધ સંપૂર્ણ જ્ઞાનદશા પ્રગટ
કરી છે. જગતના જીવોને એવા શુદ્ધસ્વરૂપનો ઉપદેશ કર્યો છે. એ રીતે શ્રી જિનેન્દ્રભગવાન ‘मग्ग देसियाणं’
માર્ગના દેખાડનારા છે. ભગવાને જેવો મોક્ષમાર્ગ હતો તેવો દેખાડયો છે, કાંઈ નવો માર્ગ કર્યો નથી.
જે અમારો માર્ગ તે જ તમારો માર્ગ
શ્રીઆચાર્યપ્રભુ કહે છે કે હે ભાઈ! ભગવાનની વાણી પરમવિશ્વાસયોગ્ય છે. ભગવાન કહે છે કે,
સ્વભાવના આશ્રયે મોહ–રાગ–દ્વેષનો ક્ષય કરવો તે જ મોક્ષમાર્ગ છે, કોઈ રાગ મોક્ષમાર્ગમાં સહાયકારી નથી.
પંચમકાળમાં મોળા હીન પુરુષાર્થી જીવો પાકશે તેમને માટે પણ આ જ એક ધર્મનો માર્ગ છે, બીજો માર્ગ નથી.
અમારી જેમ બીજા મુમુક્ષુઓને પણ ભવિષ્યકાળે આ જ માર્ગ છે. અમારામાં ને તમારામાં ખરેખર ફેર નથી,
અમે પણ આત્મા, ને તમે પણ આત્મા છો, અમારું સ્વરૂપ પુણ્ય–પાપ રહિત છે ને તમારું સ્વરૂપ પણ પુણ્ય–પાપ
રહિત છે. તમારા પર્યાયમાં પુણ્ય–પાપ થાય છે, પણ અમે કહીએ છીએ કે તે વિકાર તમારું સ્વરૂપ નથી. માટે
વિકાર રહિત તમારું પૂર્ણ સ્વરૂપ સમજીને તેનો આશ્રય કરો–એ જ મોક્ષનો પંથ છે. જેમ બધાય સિદ્ધોનું સ્વરૂપ
એક જ પ્રકારનું છે તેમ બધા મુમુક્ષુઓને સિદ્ધ થવા માટેનો ઉપાય એક જ પ્રકારનો છે.
સ્વાશ્રયભાવ તે જ મોક્ષમાર્ગ છે
સ્વાશ્રય એટલે પોતાના શુદ્ધ આત્માનો આશ્રય, સ્વભાવમાં એકતા. સ્વાશ્રય તે સમ્યગ્દર્શન છે, સ્વાશ્રય
તે જ સમ્યગ્જ્ઞાન છે ને સ્વાશ્રય તે જ સમ્યક્ચારિત્ર છે. એ રીતે સ્વાશ્રય તે જ મોક્ષમાર્ગ છે. પરાશ્રયભાવ થાય
તે મોક્ષમાર્ગ નથી. વ્યવહાર રત્નત્રયના શુભ પરિણામ પણ પરના આશ્રયે થાય છે, તે મોક્ષમાર્ગ નથી. આવા જ
ઉપાયથી ભગવાન અરિહંત થયા અને પોતે આવા જ પ્રકારનો ઉપદેશ આપ્યો. શ્રીકુંદકુંદભગવાન પોતે સ્વાશ્રિત
મોક્ષમાર્ગ અનુભવીને તે મોક્ષમાર્ગનું વર્ણન કરતાં કહે છે કે જે ઉપાય મેં બતાવ્યો તે જ ઉપાય સર્વે તીર્થંકરોએ
કર્યો હતો અને ઉપદેશમાં પણ તે જ કહ્યું હતું. વર્તમાન પોતે સ્વભાવ–આશ્રિત નિર્ણય કર્યો તેમાં ત્રણેકાળનો
નિર્ણય આવી જાય છે.
ભગવાન શું કરીને મોક્ષ પામ્યા?
પૂર્ણ શુદ્ધ ઉપયોગ પ્રગટ થતાં પહેલાંં વ્યવહાર રત્નત્રયરૂપ રાગ આવે ખરો, પણ તેના વડે કર્મનો ક્ષય
થતો નથી. નિશ્ચયસ્વભાવના આશ્રયે જ કર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાન થાય છે–એમ પોતે આત્મામાં અનુભવીને
અને તે જ પ્રકારે બધાયને ઉપદેશ કરીને અરિહંતપ્રભુ નિઃશ્રેયસ (મોક્ષ) પામ્યા છે.
તીર્થંકરોએ જગતના જીવોને વારસામાં ‘સ્વાશ્રિત મોક્ષમાર્ગ’ આપ્યો
પ્રભુ મોક્ષ પધારતાં પહેલાંં જગતના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય સોપી ગયા છે. અમે આ ઉપાયથી
મોક્ષ પામીએ છીએ ને જગતના મુમુક્ષુઓ પણ આ જ ઉપાયથી મોક્ષ પામશે. જેમ અંતિમ સમયે બાપ પોતાના
પુત્રને મૂડી સોંપી દે છે અને ભલામણો કરે છે, તેમ અહીં પરમ ધર્મપિતા સર્વજ્ઞ પ્રભુ પરમ વીતરાગ આપ્ત