Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૫ :
પુરુષ મુક્તિ પામતાં પહેલાંં (સિદ્ધ થતાં પહેલાંં) તીર્થંકરપદે દિવ્ય ઉપદેશ દ્વારા જગતના ભવ્ય જીવોને મોક્ષનો
ઉપાય દર્શાવે છે–તેમના સ્વભાવની મૂડી સોંપે છે. હે જીવો! તમારો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, તેને ઓળખીને
તેનું શરણ લો. સ્વભાવનું શરણ તે મુક્તિનું કારણ છે, બહારનો આશ્રય તે બંધનું કારણ છે. ધર્મપિતા તીર્થંકરો
આવો સ્વાશ્રિત મોક્ષનો પંથ બતાવીને સિદ્ધ થયા; અહો! તેમને નમસ્કાર હો.
સાધક આત્માના પરમપિતા શ્રીતીર્થંકરદેવ છે. તેઓ ભલામણ કરે છે કે અહો જીવો! આત્માને ઓળખો,
આત્માને ઓળખો. આત્માના સ્વાધીન સત્ પદાર્થ છે, તે પરના આશ્રય વગરનો પોતાથી પરિપૂર્ણ છે.
ભગવાનને સ્વાશ્રયભાવની પૂર્ણતા થતાં કેવળજ્ઞાન થાય છે. સમોસરણ રચાય છે. દિવ્યવાણી “
વીતરાગભાવે છૂટે છે ને બાર સભાના જીવો તે ઉપદેશ સાંભળે છે. ભગવાનની વાણીમાં એમ ઉપદેશ છે કે
આત્માને ઓળખો રે ઓળખો, સર્વ પ્રકારે આત્મસ્વભાવનો જ આશ્રય કરો, તે જ મુક્તિનો રસ્તો છે. પહેલાંં
ભગવાને પોતે આવા ઉપાયથી પૂર્ણદશા પ્રગટ કરી અને પછી ભવ્યોને એમ જ ઉપદેશીને પ્રભુશ્રી પરમકલ્યાણ
સ્વરૂપ મુક્તિને પ્રાપ્ત થયા. માટે મુક્તિનો આ જ માર્ગ છે, અન્ય કોઈ માર્ગ નથી. અનંત તીર્થંકરોએ દુદુંભીના
નાદ વચ્ચે દિવ્યધ્વનિથી આ એક જ માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે; અહીં આચાર્યદેવ પોતે વર્તમાનમાં
અનંત તીર્થંકરોના ઉપદેશની જાહેરાત કરે છે. જેમ મોટો ભાઈ નાનાભાઈને કહે કે ‘આપણા બાપા તો આ
પ્રમાણે કહી ગયા છે. ’ તેમ આચાર્યભગવાન જગતના જીવોને કહે છે કે પરમ પિતા અરિહંત ભગવંતો આ
પ્રમાણે મુક્તિનો માર્ગ કહી ગયા છે.
સ્વાશ્રયને કબૂલનાર જીવ કેવો હોય?
જેણે અરિહંત જેવા પોતાના આત્માને કબૂલ્યો અને સ્વાશ્રયભાવનો સ્વીકાર કર્યો તે જીવે ખરેખર
રાગાદિનો આશ્રય છોડીને જ્ઞાનસ્વરૂપી આત્માનો જ આશ્રય લીધો છે. જેણે જ્ઞાનસ્વસ્વરૂપી આત્માનો આશ્રય
લીધો તે જીવને મોહનો ક્ષય થઈને મુક્તિ થયા વગર રહે જ નહિ. તેને કર્મની કે કાળની શંકા ન પડે. જેને
સ્વભાવનો આશ્રય કર્યો નથી તે જીવને જ પરાશ્રયે એવી શંકા પડે છે કે– ‘હજી મારી મુક્તિનો કાળ પાક્યો નહિ
હોય તો? મારા કર્મ નિકાચિત હશે તો? હજી અનંત ભવ બાકી હશે તો?’ પણ જેણે પોતાના જ્ઞાનસ્વભાવનો
આશ્રય કર્યો છે–શ્રદ્ધા–જ્ઞાન કર્યાં છે તે જીવ કાળ કે કર્મનો આશ્રય કરતો જ નથી, સ્વભાવના આશ્રયે તેને
મુક્તિનો કાળ પાકી જ ગયો છે, ને કર્મની સ્થિતિ પણ પાકી ગઈ છે.
જિનશાસનમાં સ્વાશ્રયના પુરુષાર્થનો આદેશ છે, પરાશ્રયનો આદેશ નથી.
‘જે જીવની ભવસ્થિતિ પાકી ગઈ હોય તેને માટે આ સ્વાશ્રયનો ઉપદેશ છે’ –એમ આચાર્યદેવ નથી
કહેતા. કાળનો આશ્રય નથી બતાવતા, પણ આત્માનો આશ્રય બતાવે છે. પુરુષાર્થવડે જે આત્માનો આશ્રય કરે
તેની ભવસ્થિતિ પાકી જ ગઈ છે. જો તું સ્વાશ્રયનો પુરુષાર્થ કર તો તારી મુક્તિ છે ને જો તું સ્વાશ્રયનો પુરુષાર્થ
ન કર તો તારી મુક્તિ નથી. જેણે કાળની કે કર્મની ઓથ લીધી તેણે પરનો આશ્રય લીધો છે, પરના આશ્રયે
ભગવાને મુક્તિ કહી નથી.
પ્રશ્ન:– જેને અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી હોય તેને સમ્યગ્દર્શન થાય–એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તર:– ત્યાં પણ કાંઈ પરાશ્રય બતાવ્યો નથી પણ સ્વભાવનો આશ્રય જ બતાવ્યો છે. સમ્યગ્દર્શનનો
મહિમા બતાવ્યો છે કે જે જીવ સ્વભાવનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે જીવને અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં
વધારે સંસાર તો ન જ હોય. સ્વભાવનો આશ્રય કરે તેને સંસારની લાંબી સ્થિતિ હોય જ નહિ. સ્વાશ્રયથી જ
નિર્વાણ છે એમ ભગવાને કહ્યું છે. સ્વાશ્રિત મોક્ષમાર્ગમાં કોઈ બીજા પદાર્થો આડખીલ કરે તેમ નથી.
જિનેન્દ્રદેવોએ આત્મસ્વભાવ તરફના પુરુષાર્થથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને દિવ્યધ્વનિમાં જગતના જીવોને
પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે. હે જગતના જીવો;! સંસાર સમુદ્રથી પાર થવા માટે સાચો પુરુષાર્થ કરો, પુરુષાર્થ
કરો. જે જીવ શ્રી જિનેશ્વરદેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેનો તો કાળલબ્ધિ અને
ભવિતવ્ય પણ થઈ જ ચૂક્યાં તથા કર્મનો ઉપશમાદિ પણ થયો છે. માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને
તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને
ભવિતવ્ય પણ નથી તથા કર્મનો ઉપશમાદિ પણ નથી. માટે જે પુરુષાર્થ કરતો નથી તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.