Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૦૧ :
સમ્યક્ આત્મસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાથી મોહક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ, તમને પણ તે જ
વિધિવડે, પુરુષાર્થપૂર્વક પોતાના સમ્યક્આત્મતત્ત્વની શ્રદ્ધા અને એકાગ્રતા કરવાથી મોહનો ક્ષય થઈને
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે પુરુષાર્થવડે સ્વાશ્રય કરો. ‘કર્મ માર્ગ આપે તો ધર્મ થાય,
નિમિત્તના અવલંબને ધર્મ થાય, વ્યવહારના આશ્રયે ધર્મ થાય’ એવા પ્રકારની પરાધીનતાની માન્યતાને છોડો.
કેમ કે પરાશ્રયને મોક્ષમાર્ગ ભગવાને કહ્યો નથી. મોક્ષનો માર્ગ પરાધીન નથી પણ આત્માધીન છે–સ્વાધીન છે.
જેટલા અરિહંતો થાય છે તે બધાય, પહેલાંં તો જ્ઞાન વડે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિર્ણય કરે છે
અને શુદ્ધ અભેદ આત્માની પ્રતીતિ કરે છે; પછી તે જ સ્વરૂપમાં સ્થિરતા કરીને મોહનો ક્ષય કરે છે ને કેવળજ્ઞાન
પ્રગટ કરે છે. અને કેવળજ્ઞાન પ્રગટ થયા પછી દિવ્યધ્વનિ વડે જગતના જીવોને એ જ પ્રકારનો ઉપદેશ કરીને
નિર્વૃત થાય છે –સિદ્ધ થાય છે. આ એક જ મોક્ષનો વિધિ છે, બીજો કોઈ વિધિ નથી.
તીર્થંકર – પંથે વિચરશું
આચાર્યપ્રભુ કહે છે કે–સ્વાશ્રયના પુરુષાર્થવડે મોહનો ક્ષય કરીને જેઓ કેવળજ્ઞાન પામ્યા અને જગતને
એ જ સ્વાશ્રયમાર્ગનો ઉપદેશ આપીને જેઓ સિદ્ધ થયા–એવા ભગવંતોને હું નમસ્કાર કરું છું. હે નાથ, હું આપને
નમું છું, જે માર્ગે આપ નિર્વૃત થયા તે જ માર્ગે હું ચાલ્યો આવું છું. હે પૂર્ણ પુરુષાર્થના સ્વામી, ભગવાન!
આપના દિવ્ય ઉપદેશની કોઈ અદ્ભુત બલિહારી છે. આપનો ઉપદેશ જીવોને પરાશ્રયથી છોડાવીને મોક્ષમાર્ગમાં
લગાડનારો છે. આપના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. કઈ રીતે નમું છું? –આપના ઉપદેશને પામીને, આપે
ઉપદેશેલા સ્વાશ્રિત વિધિને અંગીકાર કરીને હું આપના પંથે ચાલ્યો આવું છું. અહીં એક જ પ્રકારના વિધિવડે
મોક્ષનો ઉપાય બતાવ્યો. બીજા કોઈ વિધિથી મોક્ષનો ઉપાય છે નહિ. મૂઢ અજ્ઞાની લોકો તો આવી માન્યતાને
એકાંતિક માન્યતા માને છે કેમ કે તેમને સ્વાશ્રય માર્ગનું ભાન નથી. જ્ઞાનીઓ તો કહે છે કે આવા
સ્વાશ્રયમાર્ગની યથાર્થ માન્યતા તે ક્ષાયક જેવું અપ્રતિહત સમ્યગ્દર્શન છે. અહો નાથ! જે ઉપાયે આપે દ્રવ્ય–
ગુણ–પર્યાયને ઓળખીને, ક્રમબદ્ધ આત્મ પર્યાયને જાણીને, અભેદ સ્વરૂપની પ્રતીતિ અને સ્થિરતા કરીને,
સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપ નિર્મળ દશા પ્રગટ કરી અને અરિહંત દશા પામ્યા, તથા જગતને તે જ ઉપદેશ કરીને
સિદ્ધદશા પામ્યા, તેમ અમે પણ આપનો સ્વાશ્રયનો ઉપદેશ સાંભળીને, એ જ રીતે સ્વાશ્રય વડે સમ્યક્–શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને મુક્ત થઈશું. એ માટે હે પ્રભો! આપને નમસ્કાર હો.
કયા જીવનું જ્ઞાન અરિહંતને કબૂલે?
જેને વિકારની રુચિ હોય તે જીવ વિકારરહિત એવા અરિહંતનો નિર્ણય યથાર્થ કરી શકે નહિ. અરિહંતો
પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે અને વિકારનો અંશમાત્ર તેમને નથી, આમ જે જ્ઞાન કબૂલે છે તે જ્ઞાન વિકાર તરફથી
પાછું ફરીને વિકાર રહિત સ્વભાવ તરફ નમ્યું છે. અરિહંતોની જેમ મારા આત્મસ્વભાવમાં ભવ નથી–વિકાર
નથી. હું મારા એ જ સ્વભાવના જોરે રાગાદિ ટાળીને એકાદ ભવમાં સંસાર ખલાસ કરી દેવાનો છું. આમ, જેણે
અરિહંત ભગવાનનો નિર્ણય કર્યો તેણે પોતાના એકાવતારીપણાનો નિર્ણય કર્યો છે. અહીં આચાર્યદેવ કહે છે કે,
અરિહંત ભગવંતો આ જ વિધિવડે પૂર્ણદશા પામ્યા છે, અમે પણ આ જ વિધિવડે પૂર્ણદશા પામીએ છીએ, અને
તમે પણ આ જ વિધિને જાણવાથી પૂર્ણદશા પામશો. આ વિધિમાં કદી પણ ફેરફાર થવાનો નથી.
ભગવાના સર્વ ઉપદેશનો સાર
‘આત્મા જ્ઞાનસ્વભાવી છે, એ સ્વભાવના આશ્રયે જાણનાર–દેખનાર રહીને જાણ.’ –આ જિનેન્દ્રદેવના
સર્વ ઉપદેશનો મૂળ સાર છે. ભગવાન કહે છે કે અમે જ્ઞાનસ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન પામ્યા છીએ, કોઈ
રાગાદિના આશ્રયે કેવળજ્ઞાન થયું નથી. તું પણ તારા સ્વભાવના આશ્રયે જ્ઞાતા રહે તો તને કેવળજ્ઞાન થાય. જે
વિધિ અમારી, તે જ વિધિ તારી જે માર્ગ અમારો તે જ માર્ગ તારી. બંનેનો એક જ માર્ગ છે. તું પણ આમ જ
જાણ અને સ્વાશ્રય કર, તો તું કેવળી થઈશ.
બધા જીવોને માટે – એક જ માર્ગ
‘ઉપદેશ પણ એમ જ કર્યો’ એટલે ભગવાને પોતે જેમ કર્યું તેમ જ કહ્યું. બધાય જીવોનો એક જ માર્ગ છે.
ભગવાને પોતે જુદો માર્ગ કર્યો અને બીજા જીવોને માટે બીજો માર્ગ બતાવ્યો–એ વાત ખોટી છે. અથવા તો,
ભગવાને ભવિષ્યના મંદ પુરુષાર્થી જીવોને માટે જુદો માર્ગ–સહેલો માર્ગ–બતાવ્યો એમ નથી. તેમજ,