Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૦૩ :
આત્માનો જ્ઞાનસ્વભાવ
વીર સંવત ૨૪૭૪ના અષાડ વદ ૧૨ના દિવસે શ્રી સમયસાર ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
“વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો
નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ બાહ્યપદાર્થોની
સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.”
(સમયસાર પૃ. ૪૪૨)
નજીકની વસ્તુને કે દૂરની વસ્તુને આત્મા પોતાના સ્વરૂપથી જ જાણનાર છે. આ નજીકના શરીરથી
લીલોતરી વગેરે કાપવાની જે ક્રિયા થાય તેન તેમ જ દૂરના (બીજાના) શરીરથી જે હિંસાદિની ક્રિયા થાય તેને
સમાનપણે પોતાના સ્વરૂપથી જાણનાર છે. અને તે જ પ્રમાણે નજીકના એટલે પોતાની અવસ્થામાં થતાં દયા–
હિંસાદિ પરિણામને કે દૂરના એટલે બીજા જીવમાં થતા દયા–હિંસાદિ પરિણામને પણ આત્મા પોતાના સ્વરૂપથી
જાણનાર છે, નજીકના રાગાદિને કે દૂરના રાગાદિને જાણવામાં કાંઈ ફેર પડતો નથી.
આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવના ભરોસે–વિશ્વાસે, અહીં નજીકમાં (પોતામાં) જે રાગાદિ થાય
તેને કે દૂરમાં બીજા જીવોમાં રાગાદિ થાય તેને–બંનેને, સમાનપણે જ જાણે છે, તેમાં કાંઈ ફેર પડતો નથી. આત્મા
નજીકના કે દૂરના રાગાદિને પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. દૂરના રાગાદિને જાણતાં કે નજીકના રાગાદિને
જાણતાં કાંઈ જ્ઞાનમાં ફેર પડતો નથી.
જેમ દીવો નજીકના કે દૂરના પદાર્થોને પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ જ શુભ કે અશુભ પદાર્થોને
સમાનપણે જ પ્રકાશે છે. નીચેની આગવણ કે ઉપરની ઓળવણ એ બંનેને દીવો પોતાના પ્રકાશથી પ્રકાશે છે,
તેમ જ દીવાની પાસે સોનાના લાટા પડ્યા હોય કે કોલસાનો ભૂક્કો પડ્યો હોય–તે બંનેને દીવો પોતાથી પ્રકાશે
છે, સોનાને પ્રકાશતાં કાંઈ દીવાનો પ્રકાશ વધી જતો નથી, ને કોલસાને પ્રકાશતાં કાંઈ ઘટી જતો નથી, દીવો
પોતાના પ્રકાશક સ્વભાવથી જ બધાને પ્રકાશે છે, પરને લીધે પ્રકાશતો નથી. દીવાની નજીકમાં કોઈ પાપાદિ
કરતો હોય કે દૂર કરતો હોય પણ દીવો તો બંનેનો પ્રકાશક છે.
તેમ આ આત્મા ચૈતન્ય–દીવો છે, તે પોતાના સ્વરૂપથી ત્રિકાળ જાણનાર છે. તેની નજીકમાં લીલોતરીની
હિંસા થાય કે દૂરમાં બીજાના શરીરથી લીલોતરી કાપવાની ક્રિયા થાય તેને પોતાના સ્વરૂપથી જાણે છે. તેમજ
પોતામાં રાગ થાય કે બીજામાં રાગ થાય તે બંનેનો પોતાના સ્વરૂપથી જ પ્રકાશક છે. પર્યાયમાં પુરુષાર્થની
નબળાઈથી રાગ થાય છે–એ વાત અહીં ગૌણ છે. પર્યાયની નબળાઈ ગૌણ થતાં ને ત્રિકાળી જ્ઞાનસ્વભાવની
અધિકતા થતાં જ્ઞાન તો દૂરના કે નજીકના રાગાદિનું પ્રકાશક જ છે. રાગને જાણે છે–એમ કહેવું તે પણ વ્યવહાર
છે. જ્ઞાન પોતાને જાણે છે તે નિશ્ચય છે. પોતાની અવસ્થામાં થતા રાગાદિભાવો તે નજીકના છે અને બીજા
જીવની અવસ્થામાં થતા રાગાદિભાવો તે દૂરના છે. તે બંનેને આત્મા પોતાના જ્ઞાનથી વ્યવહારે જાણે છે.
હું એક સમયમાં પૂર્ણાનંદ, પૂર્ણબ્રહ્મ. પૂર્ણજ્ઞાન છું–એમ પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધામાં શુભ કે
અશુભભાવનો આત્મા પોતાના સ્વભાવથી જાણનાર છે. જીવને બચાવવાના દયાદિ ભાવો કે લીલોત્તરી
કાપવાના હિંસાદિ ભાવો–તેને આત્મા પોતાથી જાણે છે. બંનેને જાણતાં જ્ઞાનમાં કાંઈ ફેર પડતો નથી. તેમ
નજીકના શરીરની ક્રિયા કે દૂરના શરીરની ક્રિયા તેને આત્મા પોતાના સ્વભાવથી પ્રકાશી રહ્યો છે. આવા નિત્ય
પ્રકાશક સ્વભાવનો ભરોસો થતાં, નજીકના કે દૂરનાં રાગાદિને જાણતાં આત્મામાં કાંઈ નુકશાન થતું નથી, ને
આવા પ્રકાશક સ્વભાવનો ભરોસો ટળ્‌યે આત્મામાં કાંઈ ધર્મ રહેતો નથી.
પ્રશંસાના શબ્દો કે નિંદાના શબ્દો ઈત્યાદિ પાંચે ઈન્દ્રિયોના શુભ કે અશુભ વિષયો રાગ–દ્વેષનું કારણ
નથી, તેને જીવ પોતાના સ્વરૂપથી જાણે છે તેમ લીલોતરી કાપવાની કે પૂંજણીથી પૂંજવાની જે શુભ–અશુભ ક્રિયા
નજીક થાય કે દૂર થાય તેને પોતાના સ્વભાવથી જાણે છે. અને નજીકના કે દૂરના રાગનો પણ, નિત્ય જ્ઞાન–
જ્યોત સ્વભાવના સ્વીકારથી આત્મા જાણનાર જ છે. આવા જ્ઞાનસ્વભાવનો ભરોસો તે ધર્મ છે.
દૂરમાં–બીજાના શરીરને કોઈ કાપી નાંખતું હોય કે નજીકમાં પોતાના શરીરને કોઈ કાપી નાંખતું હોય