Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૦૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
વાત છે, પણ આત્માના ત્રિકાળીસ્વભાવના વિશ્વાસે વહાણ તરે છે, ત્રિકાળીસ્વભાવના વિશ્વાસે પર્યાય પૂર્ણ
થઈને સંસાર સમુદ્રથી તરીને મુક્ત થાય છે.
ત્રિકાળ જાણનાર સ્વભાવ છે, એવા સ્વભાવની શ્રદ્ધા થતાં પર્યાયમાં રાગની મંદતા તો હોય જ, પરંતુ
રાગની મંદતા થાય છે તે અહીં સ્થાપવું નથી કેમ કે તે ક્ષણિક પર્યાય છે, તેના આધારે આત્મા જાણતો નથી.
ત્રિકાળના આધારે રાગાદિની મંદતાને જાણે છે. શરીરની ક્રિયા થાય કે રાગાદિ થાય તેને જાણે તેથી ચૈતન્યના
પ્રકાશમાં ફેર પડી જતો નથી (‘કેમ કે, જ્ઞાન સદાય પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે.) પણ તે રાગાદિને
જાણતાં જો જીવ એમ માને કે ‘આ રાગાદિ હું કરું છું’ તો તે માન્યતાથી ચૈતન્ય પ્રકાશની શ્રદ્ધા રહેતી નથી.
આખા પૂરા આત્માને માને તો ધર્મ થાય કે ક્ષણિક વિકાર જેટલો જ આત્માને માનવાથી ધર્મ થાય? જો
ક્ષણિકને જ માને તો તેના આશ્રયે ધર્મ થાય નહિ; ત્રિકાળ ચૈતન્ય છું ને ક્ષણિક નહિ–આવી પ્રતીતિથી ત્રિકાળનાં
આધારે ધર્મ થાય છે. આ ક્ષણિક રાગાદિ જ છું ને ત્રિકાળી નથી–એવી ક્ષણિકની પ્રતીતિ તે અધર્મ છે. આત્મા પરનું
તો કાંઈ કરે નહિ, અને સ્વભાવનો આશ્રય છોડીને પરને જાણે તેવો પણ આત્માનો સ્વભાવ નથી. પૂર્ણ સ્વભાવને
જાણવો તે પરમાર્થ છે અને પૂર્ણ સ્વભાવના જ્ઞાન સહિત રાગને જાણવો તે વ્યવહાર છે, રાગ ટળે તે જાણવું તે પણ
વ્યવહાર છે. રાગને આત્મા ટાળે એ પણ વ્યવહાર છે. રાગ થાય, રાગ ટળે અને રાગને જાણે એ ત્રણે વ્યવહાર છે.
આત્મા પોતાના સ્વભાવથી જ જાણે છે, ને જ્ઞેય પદાર્થો તેના પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિ
પામે છે. “પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને, વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા
મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.” દરેકે દરેક રજકણ સ્વતંત્ર
સ્વભાવથી વિચિત્ર પરિણતિ પામે છે, જ્ઞાન તેમાં કાંઈ કરતું નથી, ને તે વિચિત્ર પરિણતિવાળા પદાર્થોને
જાણવાથી કાંઈ જ્ઞાનમાં તે પદાર્થો વિકાર કરતા નથી. કેમકે જ્ઞાન પદાર્થોને લીધે જાણતું નથી પણ પોતાના
સ્વરૂપથી જ જાણે છે.
એક કેવળી ભગવાન નજીકમાં વિચરતા હોય ને બીજા કેવળી ભગવાન દૂર વિચરતા હોય, એક સંત
મુનિરાજ પાસે એમ ભાષા પરિણમતી હોય કે ‘એકેક આત્મા પરિપૂર્ણ પરમેશ્વર છે’ અને બીજા સંત મૌન હોય,
એક જ્ઞાની ધર્માત્મા આત્માનું સત્ય સ્વરૂપ સ્થાપતાં હોય ને બીજો અજ્ઞાની જીવ ‘આત્મા એકાંત ક્ષણિક છે’
એમ મહા અસત્ય સ્થાપતો હોય–આમ વિચિત્ર પરિણતિ થાય છે તે વસ્તુસ્વભાવથી જ થાય છે, બધાય પદાર્થો
સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિ પામે છે, તે બધાય મનોહર કે અમનોહર પદાર્થોને જીવ
પોતાના જ્ઞાન પ્રકાશથી જાણે છે, પણ તે પદાર્થો જ્ઞાનમાં વિક્રિયા કરતાં નથી. અને જ્ઞાન પોતાના સ્વરૂપથી જ
જાણે છે તેથી તેમાં પણ વિક્રિયા–વિકાર થતો નથી.
વિચિત્ર પરિણતિ થાય તેવો વસ્તુનો સ્વભાવ જ છે. દ્રવ્યની એકરૂપે સ્થિતિ હોય, પણ પર્યાયમાં તો
વિચિત્રતા જ હોય. જ્ઞાનને કારણે પદાર્થોમાં વિચિત્ર પરિણતિ થતી નથી પણ પદાર્થોનો તે કાળનો તે અવસ્થાનો
તેવો સ્વભાવ જ છે. અને પદાર્થોમાં વિચિત્ર પરિણતિ થાય છે તેને કારણે જ્ઞાન તે વિચિત્રતાને જાણે છે–એમ
પણ નથી, જ્ઞાન પોતાના સ્વભાવના આશ્રયે તેને પોતાના સ્વરૂપથી જાણે છે. આવી સ્પષ્ટ વાત છે છતાં
અજ્ઞાનીઓ નિમિત્તથી થાય એમ માને છે.
આ શરીરના કટકા થાય કે સરખું રહે તે તેના સ્વભાવથી જ છે, શરીરના કટકા થાય તે પરમાણુની
વિચિત્ર પરિણતિ છે, સામા જીવના દ્વેષને કારણે કે તલવારને કારણે શરીર કપાયું નથી; તેમ જ તલવારની ક્રિયા
તલવારની વિચિત્ર પરિણતિથી થઈ છે, કોઈએ દ્વેષ કર્યો તેને લીધે તલવારની ક્રિયા થઈ નથી; દરેક પદાર્થો
પોતાના સ્વભાવથી વિચિત્ર પરિણતિવાળા છે, જ્ઞાન પોતાના સ્વભાવમાં રહીને તેને જાણે છે. વિચિત્ર
પરિણતિને જાણવાને કારણે રાગદ્વેષ થતા નથી. આવા પોતાના જાણનાર સ્વભાવની શ્રદ્ધા થઈ ત્યાં રાગદ્વેષનો
પણ પરદપદાર્થોની જેમ જાણનાર છે.
અહીં પદાર્થોમાં શુભ ને અશુભ એવા બે ભેદ પાડ્યા છે તે લોકો માને છે તે અપેક્ષાએ છે, ખરેખર
પદાર્થો શુભ કે અશુભ નથી. કેવળજ્ઞાન પર્યાય તે શુભ તેમ જ કેવળીનો આત્મા અને તેના ગુણો પણ શુભ છે
અને અજ્ઞાની જીવ તથા તેના ગુણ તે અશુભ છે–એમ કહેવાય છે, પરંતુ આત્માનો ચૈતન્યસ્વભાવ તો બંનેનો
જાણનાર છે, ચૈતન્યસ્વભાવને કોઈ શુભ કે અશુભ નથી, ચૈતન્યસ્વભાવ પોતે પોતાને માટે શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી
છે, બહારના કોઈ શુભ કે અશુભ પદાર્થોથી ચૈતન્યની શુદ્ધતામાં કાંઈ ફેર પડતો નથી, શુભ અશુભ પદાર્થોને
જાણવાના કારણે રાગ–દ્વેષ થતા નથી. આવા પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ છે.