Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૧ :
જેવો કેવળી ભગવાનનો જ્ઞાનસ્વભાવ છે તેવો જ મારો જ્ઞાનસ્વભાવ છે, એમ નિર્ણય કરીને પોતાના
જ્ઞાન–સ્વભાવનો આશ્રય કરવાથી પર્યાયમાં જ્ઞાનની અધૂરાશ ટળે છે ને પૂર્ણતા થાય છે. વિકારના આશ્રયે
પર્યાયની અધૂરાશ ટળતી નથી. ભગવાનના ઉપદેશનો સાર શું? ‘સ્વભાવનો આશ્રય કરવો’ તે જ સાર છે.
સ્વભાવનો આશ્રય તે જ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે; સ્વભાવના આશ્રયનો જ ઉપદેશ ભગવાને કર્યો
છે ને સર્વ પરાશ્રય છોડાવ્યો છે.
તીર્થંકરોનો પંથ
ભગવંતોએ સ્વભાવના આશ્રયે જ પૂર્ણતા પ્રગટ કરી છે ને કર્મનો ક્ષય કર્યો છે. જે વિધિથી અરિહંત
ભગવંતોએ પોતે કર્મનો ક્ષય કર્યો તે જ પ્રકારે ઉપદેશ કર્યો છે. આત્મસ્વભાવના જ આશ્રયે મુક્તિ થાય અને
પરના આશ્રયે મુક્તિ થાય જ નહિ–આમ બધા અરિહંતોએ ઉપદેશ કર્યો છે. અહીં સિદ્ધભગવાનની વાત ન લેતાં
તીર્થંકર અરિહંતોની વાત લીધી છે. તીર્થંકરોને નિયમથી દિવ્યધ્વનિ હોય છે અને તે ધ્વનિમાં સ્વાશ્રયનો ઉપદેશ
સાંભળીને પોતામાં સ્વાશ્રય પ્રગટ કરીને તીર્થંકરોના પંથે ચાલનારા જીવો હોય જ છે. એ રીતે, કહેનાર અને
સાંભળનારની સંધિથી વાત છે.
અરિહંતોએ ઉપદેશેલા સ્વાશ્રિત મુક્તિમાર્ગમાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે પણ આશ્રય છોડાવ્યો છે.
અરિહંતોએ સંપૂર્ણ મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, તેમને ઉપદેશાદિ કોઈ ઈચ્છા હોતી નથી.
છતાં સહજપણે દિવ્યધ્વનિમાં જગતના મુમુક્ષુઓને એવો ઉપદેશ કર્યો કે–હે જીવો! જેવો અમારો આત્મા છે તેવો
જ તમારા આત્માનો સ્વભાવ છે. જેવા અમારા દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ દ્રવ્ય–ગુણ–પર્યાય તમારા આત્માનું
સ્વરૂપ છે, એ સિવાય બીજા જે પરાશ્રિત વિકારી ભાવો છે તે તમારું સ્વરૂપ નથી. વ્યવહારરત્નત્રયના પરિણામ
પણ બહારના લક્ષે થાય છે, તે બંધમાર્ગ છે. જે પોતાના સ્વભાવના આશ્રયે થાય તે જ મુક્તિમાર્ગ છે.
દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વનું જ્ઞાન તથા પંચમહાવ્રતનું પાલન તે વ્યવહારચારિત્ર છે, તેના આધારે મોક્ષમાર્ગ
ભગવાને કહ્યો નથી. ભગવાને પોતે પણ તે વ્યવહારરત્નત્રય છોડીને પૂર્ણતા પ્રગટ કરી છે, કાંઈ
વ્યવહારરત્નત્રયના અવલંબને પૂર્ણતા થઈ નથી. ભગવાનના ઉપદેશમાં વ્યવહારનું સ્વરૂપ તો બરાબર જણાવ્યું
છે પરંતુ તે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી કહ્યો. મોક્ષમાર્ગ તો નિશ્ચયસ્વભાવના આશ્રયે જ છે. વ્યવહારના
આશ્રયે તો બંધમાર્ગ છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં પુણ્ય–પાપરહિત સ્થિરતા તેને જ ભગવાને
મોક્ષમાર્ગ તરીકે ઉપદેશેલ છે. નિશ્ચય અને વ્યવહાર બંનેનું સ્વરૂપ જણાવીને પણ, મોક્ષમાર્ગ તરીકે તો નિશ્ચયનો
જ ઉપદેશ ભગવાને કર્યો છે, વ્યવહારનો ઉપદેશ મુક્તિમાર્ગ તરીકે ભગવાને કર્યો નથી, પણ તેનું અવલંબન
છોડાવવા માટે તેનું જ્ઞાન કરાવ્યું છે. સાધકદશામાં વચ્ચે શુભરાગરૂપ વ્યવહાર આવી જાય પણ તે મુક્તિમાર્ગ
નથી–એમ ભગવાને કહ્યું છે. એ રીતે ભગવાને સ્વાશ્રયનો જ ઉપદેશ કર્યો છે. અનંત તીર્થંકરોના ઉપદેશનો આ
ગાથામાં સાર છે. સ્વાશ્રિતભાવનો ઉલ્લાસ આવતાં શ્રીઆચાર્યદેવ કહે છે કે, અહો! ભગવંતોએ આવો સ્વાશ્રિત
મુક્તિમાર્ગ બતાવ્યો, તેમને નમસ્કાર હો.
અરિહંતોનો ઉપદેશ સમજનાર જીવ ઉલ્લાસથી નમી પડે છે.
‘અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાય જેવો પોતાનો આત્મા છે એટલે પોતાને અરિહંતનો આશ્રય
નથી પણ પોતાના આત્માનો જ આશ્રય છે. પહેલાંં અરિહંતનું લક્ષ હોય છે પણ તે ધર્મ નથી, કેમ કે તે પરાશ્રય
છે. અરિહંતનું લક્ષ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવને અભેદપણે લક્ષમાં લેવો તે સ્વાશ્રય છે, તે ધર્મ છે. હે
જીવ, તારો આત્મા પૂરો છે તેને જાણીને તેના આશ્રયે ઠર–એ જ મુક્તિનો માર્ગ છે’ –આવો ઉપદેશ જ્યાં સુધી
ભગવાનને અરિહંતદશા હતી ત્યાં સુધી કર્યો, અને પછી વાણી બંધ પડી, યોગનું કંપન પણ ટળી ગયું અને પ્રભુ
નિવૃત થયા–સિદ્ધ થયા. અહો, ભગવંતો! આપને નમસ્કાર હો. આપનો પવિત્ર ઉપદેશ અમને અંતરમાં રુચ્યો છે
અને અમને અંતરમાં સ્વાશ્રયનો આહલાદ ઊછળ્‌યો છે. પ્રભો, અમે બીજું તો શું કહીએ? નાથ!
नमो भगवद्भयः
ભગવતોને નમસ્કાર હો. આ રીતે, અરિહંતોનો ઉપદેશ સમજાવનાર જીવ સ્વાશ્રયના ઉલ્લાસથી ભગવાનને
નમસ્કાર કરે છે.
અરહંતોના માર્ગે
કોઈ પુણ્યભાવથી કે નિમિત્તોના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી પણ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી