આસો : ૨૪૭૪ : ૨૧૭:
પવિત્ર પુરુષોને નમી પડે છે માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
પૂર્વના પુણ્ય ઊંચા? કે વર્તમાનમાં સ્વભાવનો આશ્રય કરીને પુણ્યનો વિકલ્પ તોડી નાંખ્યો છે તે ઊંચો?
અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે જેણે આત્માના સ્વભાવનો આશ્રય કરવાનો પુરુષાર્થ કર્યો છે તે જ શ્રેષ્ઠ છે,
પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને
તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી, પણ પુણ્યને તરણાં તૂલ્ય જાણીને અને સ્ત્રી
પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ
સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ચૈતન્યરૂપી જહાજમાં ચડીને જેઓ સંસાર સમુદ્રનો પાર પામી રહ્યા છે એવા સંતોના ચરણમાં ઈન્દ્રો–
ચક્રવર્તીઓ પણ નમસ્કાર કરે છે, તે સંતોને સ્વભાવની લીનતાથી પર તરફનો રાગ જ તૂટી ગયો છે, તેનું જ
નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
પુણ્ય અને તેનાં ફળ તો નાશવાન છે અને વર્તમાન પણ આકુળતા–દુઃખનાં કારણો છે, પુણ્યરહિત
આત્મસ્વભાવ ધુ્રવ છે, તેના આશ્રયે જે બ્રહ્મચર્ય પ્રગટ્યું તે જ પ્રશંસનીય છે, પુણ્ય પ્રશંસનીય નથી. બ્રહ્માનંદ–
આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષરૂપી સ્ત્રીને સાધે છે. પુણ્યવંતને તો જેટલો કાળ
પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે, પણ ચૈતન્યના આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે તેને
મોક્ષરૂપી સ્ત્રીની સદાકાળ પ્રાપ્તિ રહે છે અને ઇંદ્ર વગેરે સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ
ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાંં જ, આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી–એમ
સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન કરવું તે ધર્મ છે. –અહીં ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
આ રીતે ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનું વર્ણન કરીને હવે આચાર્યદેવ તે ધર્મોનો મહિમા બતાવે છે–
સ્ત્રગ્ધરા
वैराग्यत्यागदारुकृतरुचिरचना चारु निश्रेणिका यैः
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञानद्रष्टेः।
योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमिष्येतु केषाम्
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु द्रष्टिः।।१०६।।
શ્રી આચાર્યદેવ કહે છે કે–ત્રણ લોકના સ્વામી એવા ઇંદ્રોથી પણ જે વંદનીક છે એવા આ દશ ઉત્તમ
ધર્મોને ધારણ કરવામાં કોને હર્ષ ન થાય? સર્વે મોક્ષાર્થી જીવો તેનું હર્ષસહિત પાલન કરે છે. મુનિદશામાં આ દશ
ધર્મો હોય છે. મુનિદશા મોક્ષમહેલની સીડી છે, તેની એક બાજુ વૈરાગ્યરૂપી અને બીજી બાજુ ત્યાગરૂપી સુંદર
અને મજબૂત કાષ્ઠ લાગેલાં છે, તથા દશ ધર્મરૂપી દશ મોટા મજબૂત પગથિયાં છે. મોક્ષમહેલમાં ચડવાની
ભાવનાવાળા પુરુષોએ આવી સીડી ચડવા યોગ્ય છે. અર્થાત્ આ દશ ધર્મોના પાલનથી જીવ મુક્તિ પામે છે.
આવા ઉત્તમ દશ ધર્મો પ્રત્યે કયા મોક્ષાર્થીને ઉલ્લાસ ન આવે?
આચાર્યદેવ કહે છે કે અહો! વીતરાગી દશ ધર્મોનું આવું સુંદર વર્ણન સાંભળીને કોને વ્રતાદિની ભાવના નહિ
ઊછળે? રાગરહિત ચૈતન્યસ્વભાવના આશ્રયની ભાવના કોને નહિ થાય? પોતે હોંશથી દશ ધર્મોને પાળે છે તેથી
આચાર્યદેવ કહે છે કે આ દશ ધર્મ સાંભળતાં આખી દુનિયાને હર્ષ થશે. બધા જીવોને આ દશ ધર્મ સાંભળીને નિશ્ચલ
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક ઉત્તમ ત્યાગ–વૈરાગ્યાદિની હોંશ થશે. એમ માંગળિકપૂર્વક આ અધિકાર પૂરો થાય છે.
દશ લક્ષણ ધર્મના વ્યાખ્યાનો પૂર્ણ થયા.
ધર્મ :
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય;
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.
–ભાવાર્થ– ધર્મ કોઈની વાડીમાં ઊગતો નથી, કોઈના ખેતરમાં ધર્મનાં ઝાડ ઊગતાં નથી. અને બજારમાં
કોઈની દુકાને ધર્મ વેચાતો મળતો નથી. ધર્મ તો વિવેકથી થાય છે. વિવેક એટલે સ્વ અને પરના જુદાપણાનું
જ્ઞાન, તેનાથી જ ધર્મ થાય છે. અને એવો ધર્મ જીવ પોતે કરે તો થાય છે.
આત્મધર્મ અંક ૫૯ માં સુધારો : અંક ૫૯ પૃ. ૧૯૩ કોલમ ૧ લાઈન ૩૩માં ‘વ્યવહાર રત્નત્રયથી પણ
ધર્મ ન થાય.’ એમ છાપ્યું છે તેને બદલે ‘વ્યવહારરત્નત્રયથી પણ ધર્મ થાય.’ એમ સુધારીને વાંચવું.