: ૨૧૮ : આત્મધર્મ : ૬૦
છ સામાન્ય ગુણો
આત્મધર્મના બાલવિભાગમાં છ સામાન્ય
ગુણોનું સુંદર વર્ણન આવી ગયું છે; તેના સારરૂપે આ
છ સામાન્ય ગુણોનું કાવ્ય આપવામાં આવે છે.
તત્ત્વપ્રેમી બાળકોને આ કાવ્ય મોઢે કરવું સહેલું પડશે.
[હરિગીત જેવો રાગ]
[૧] મિથ્યામતિ જે માનતા ‘કરનાર ઈશ્વર એક છે,’
કર્તા–ન હર્તા ઈશ કો, અસ્તિત્વગુણ પ્રસિદ્ધ છે.
જન્મે–મરે નહિ કોઈ વસ્તુ, ધુ્રવ સ્વાધીનતા ધરે,
સ્વાતંત્ર્યને પામો સદા, અસ્તિત્વની શ્રદ્ધા વડે.
[૨] વસ્તુત્વગુણના કારણે સૌ અર્થ ક્રિયાને કરે,
સ્વાધીન ગુણ–પર્યાયનું નિજ દ્રવ્યમાં વસવું રહે;
જગમાં નથી કો દ્રવ્ય નિષ્ક્રિય, સૌ કરે નિજ કામને,
નિજ આત્મમાં જાગૃત કરો, સુખરૂપ સમ્યક્ જ્ઞાનને.
[૩] દ્રવ્યત્વગુણના કારણે હાલત સદા પલટાય છે,
કર્તા ન કોઈ કોઈનો, સૌ ટકીને બદલાય છે.
એમ જાણી–માનીને લહો સ્વાધીન સુખ નિજ કારણે,
હણી રાગ–દ્વેષ બનો સુખી, દ્રવ્યત્વની શ્રદ્ધા વડે.
[૪] પ્રમેયત્વગુણના કારણે સૌ જ્ઞાનના વિષયો બને,
બધું જાણતો ગુણ જ્ઞાન તે નહિ કોઈથી રોકાય છે.
આત્મા અરૂપી જ્ઞેય મારો, જ્ઞાન જાણે તેહને;
છે સ્વ–પર જ્ઞેયો સૌ પ્રગટ, જ્ઞાયક! તું જાગી જોઈ લે.
[પ] અગુરુલઘુના કારણે દ્રવ્યો સદા નિજરૂપ રહે,
કો દ્રવ્ય બીજામાં ન બદલે; –સ્વતંત્રતા સાબિત કરે.
કો ગુણ બીજા ગુણમાં ન ભળે, ન વીખરી જાય છે,
કર્તા–ન હર્તા કોઈ તેનો, જે વ્યવસ્થિત નિત્ય છે.
[૬] પ્રદેશત્વગુણના કારણે આકાર વસ્તુ માત્રને,
નિજ ક્ષેત્રમાં વ્યાપકપણે સ્વાધીનતા રાખી રહે.
આકારથી ડા’પણ નથી, નિજ જ્ઞાન મહિમામાં રહો,
સામાન્ય ગુણ જાણ્યા હવે વિશેષની સિદ્ધિ કરો.
શ્રાવણ માસના પ્રશ્નોના જવાબ
બાલવિભાગ
(૧) પોતાના આત્માની સાચી ઓળખાણ કરવાથી
ધર્મ થાય છે. પોતાના આત્માને ઓળખ્યા
સિવાય કોઈ રીતે ધર્મ થતો નથી.
(૨) अ. જ્ઞાનગુણ જીવમાં જ છે ને અજીવમાં નથી,
કેમકે જ્ઞાનગુણ જીવ દ્રવ્યનો વિશેષગુણ છે.
ब. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એટલે કે રૂપીપણું
અજીવ–પુદ્ગલમાં જ છે, જીવમાં નથી. કેમકે તે
પુદ્ગલનો વિશેષગુણ છે.
क. અસ્તિત્વ વગેરે ગુણો જીવમાં પણ છે ને
અજીવમાં પણ છે, કેમકે તે સામાન્ય ગુણો છે.
(૩) ભૂલ સુધારવાનું હતું તે નીચે મુજબ–
अ. જ્યારે શરીરમાં જીવ રહેલો હોય ત્યારે પણ
શરીર કાંઈ જાણતું નથી પણ જીવ જ જાણે છે.
શરીર તો જડ છે, તેનામાં જાણવાનો ગુણ નથી.
જીવમાં જ્ઞાનગુણ છે તેથી જીવ જ જાણે છે. અને
ખરેખર જીવ શરીરમાં રહ્યો નથી પણ પોતાના
ગુણોમાં જ રહ્યો છે.
ब. આત્મા કદી જડ થતો નથી પણ સદાય
આત્મા જ રહે છે અને જડ વસ્તુ કદી આત્મા
થતી નથી પણ સદાય જડરૂપે જ રહે છે–એટલી
વાત સાચી છે; પરંતુ, એનું કારણ દ્રવ્યત્વગુણ
નથી પણ અગુરુલઘુત્વગુણ છે. અગુરુ–
લઘુત્વગુણને લીધે જીવ સદા જીવરૂપે રહે છે ને
અજીવ સદાય અજીવરૂપે રહે છે.
શબ્દોના અર્થ
(૧) પરમાર્થ=આત્માનો ત્રિકાળી સ્વભાવ.
(૨) દેહાધ્યાસ=શરીર અને આત્મા એક છે એવી
મિથ્યા માન્યતા અર્થાત્ શરીરાદિનું હું કરી શકું એવો
ખોટો અભિપ્રાય.
(૩) અસંગ=શરીર, કર્મ અને વિકાર રહિત.
(૪) સ્ફુરણા=પરપદાર્થ તરફ વલણ.
(પ) સુધર્મ=સમ્યક્ દર્શન–જ્ઞાન–ચારિત્ર.
(૬) સમદર્શિતા=પરદ્રવ્ય મને કદી લાભ કે નુકશાન
કરી શકે નહિ એવી સમતા.
(૭) આત્માર્થી=મારા આત્માનું કેમ ભલું થાય એવી
જેને અંતરમાં ખટક હોય, આત્માનો ખપી જીવ.