વિદ્યાર્થીના ઉત્તરો
શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગના છઠ્ઠા વર્ષના બીજી
શ્રેણીના વિદ્યાર્થીઓની પરીક્ષા તા. ૨૬–૫–૪૮ના
લેવામાં આવેલી. તેમને પૂછાએલા પ્રશ્નો તથા તેમણે
આપેલા ઉત્તરો અહીં આપવામાં આવ્યા છે.
પ્રશ્ન– ઘડો, વસ્ત્ર વગેરે જણાય છે પણ આત્મા
ક્યાંય જણાતો નથી માટે આત્મા છે જ નહિ–એવી
શંકાનું સમાધાન તમે શું આપશો?
ઉત્તર–હે ભાઈ! ઘડો, વસ્ત્ર વગેરે તું જાણે છે
તેથી તેને માને છે પરંતુ ઘડો, વસ્ત્ર વગેરેને જાણનાર
જે આત્મા છે તેને કેમ માનતો નથી? આ ઘડો, વસ્ત્ર
વગેરેને જે જાણે છે તે જ આત્મા છે, એમ તું નક્કી કર.
પ્રશ્ન–પુણ્ય અને પાપના ફળનું દ્રષ્ટાંત આપી
જીવનું ભોક્તાપણું સાબિત કરો.
ઉત્તર–જગતમાં આપણે જોઈએ છીએ કે કોઈ
જીવ રંક છે, કોઈ રાજા છે, કોઈ રોગી છે, કોઈ નિરોગી
છે, કોઈ કુરૂપ છે, કોઈ સુરૂપ છે. આવી બધી જે
વિચિત્રતા વર્તે છે તેનો વિચાર કરતાં જણાય છે કે આ
બધાં અનુકૂળ–પ્રતિકૂળ ફળ મળે છે તેનું કારણ તે
જીવોએ પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ છે. આથી સિદ્ધ
થાય છે કે જીવ જે કંઈ પુણ્ય કે પાપના ભાવો કરે છે તે
પ્રમાણે તેને અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગની અવશ્ય
પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન– બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પલટાય છે માટે
આત્મા નિત્ય નથી–એવી શિષ્યની શંકાના સમાધાન
માટે ગુરુએ જે શ્લોક કહ્યો હોય તે લખો.
ઉત્તર–આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું. જ્ઞાન એકને થાય.
પ્રશ્ન– મતાર્થી જીવ ગુરુ સંબંધીની પોતાની
માન્યતામાં કેવી ભૂલ કરે છે તે બતાવો.
ઉત્તર–જેમને ફક્ત બહારનો ત્યાગ હોય પરંતુ
આત્માના સાચા સ્વરૂપનું કાંઈ જ્ઞાન ન હોય તેને
મતાર્થી જીવ ગુરુ માને છે અથવા તો પોતાના વડીલો
જે વ્યક્તિને ગુરુ માનીને પૂજતા હોય છે તેને કાંઈ પણ
ગુણદોષની પરીક્ષા વગર જ ગુરુ માને છે અથવા તો
પોતાના ધર્મની માનેલી ક્રિયા અને વેશ ધારણ કર્યા
હોય તેને જ ગુરુ માને છે. આ પ્રમાણે કાંઈ સત્ય–
અસત્યની પરીક્ષા વિના જ મતાર્થી જીવ, અજ્ઞાની કે
બાહ્ય ત્યાગીઓને ગુરુ માનીને પોતાના મિથ્યાત્વની
પુષ્ટિ કરતો થકો અનંત સંસાર સાગરમાં ડૂબી મરે છે.
પ્રશ્ન– દેહ તે જ આત્મા છે–એમ માનીએ તો શું
વિરોધ ઊભો થાય છે?
ઉત્તર–દેહને જ જો આત્મા માનવામાં આવે તો
જાડા શરીરવાળાને ઘણી બુદ્ધિ હોય તથા પાતળા
શરીરવાળાને થોડી બુદ્ધિ હોય; પરંતુ જગતમાં આવું
કાંઈ નિયમપૂર્વક જોવામાં આવતું નથી. તેથી સિદ્ધ થાય
છે કે દેહ અને આત્મા ત્રિકાળ જુદા છે.
પ્રશ્ન–સમ્યક્ત્વ, શ્રુતજ્ઞાન, કેવળદર્શન,
અધર્માસ્તિકાય, અન્યોન્યાભાવ, સામાન્ય
અગુરુલઘુત્વગુણની વ્યાખ્યા લખો.
ઉત્તર–જે ગુણના પ્રગટ થવાથી પોતાના
શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, તેને સમ્યક્ત્વ ગુણ કહે છે.
મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધને લઈને
થયેલા કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે–
‘આકાશ’ શબ્દ સાંભળ્યા પછી જેનો વિસ્તાર અનંત અનંત
છે અને જેમાં જીવાદિ દ્રવ્યો રહે છે તેવા આકાશનું જ્ઞાન થવું.
કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય
અવલોકનને કેવળદર્શન કહે છે.
ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા
જીવ અને પુદ્ગલને જે સ્થિતિમાં સહાયકારી હોય, તેને
અધર્માસ્તિકાય કહે છે. જેમકે–પથિકને વૃક્ષની છાયા.
પુદ્ગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા
પુદ્ગલ–દ્રવ્યના વર્તમાન પર્યાયના અભાવને
અન્યોન્યાભાવ કહે છે.
જે શક્તિના નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે
અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન પરિણમે, અથવા એક
ગુણ બીજા ગુણરૂપ ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક
અથવા અનંત ગુણો વિખરાઈને જુદા જુદા ન થઈ જાય,
તેને સામાન્ય અગુરુલઘુત્વગુણ કહે છે.
પ્રશ્ન–શરીરો કેટલા પ્રકારનાં છે? તેમનાં નામ
લખો અને ક્યા જીવને વધારેમાં વધારે કેટલાં શરીર
હોય અને તે ક્યા ક્યા તે લખો.
ઉત્તર–શરીરો પાંચ પ્રકારનાં છે–(૧) ઔદારિક,
(૨) વૈક્રયિક, (૩) આહારક, (૪) તૈજસ, (૫) કાર્માણ.
કોઈ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વમાં શંકા
પડતાં કેવલી કે શ્રુતકેવલી પાસે સમાધાન કરવા
જવાને જે એક હાથનું પૂતળું નીકળે છે ત્યારે તે મુનિને
વધારેમાં વધારે ચાર શરીર હોય છે. તે આ પ્રમાણે:
ઔદારિક આહારક, તૈજસ અને કાર્માણ.
મુદ્રક:–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૧–૯–૪૮