Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: આસો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૧૧:
પ્રવચનસાર
[શ્રી પ્રવચનસાર ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પ્રસાદી]
શ્રી મહાવીર ભગવાનની પરંપરાથી ગુરુગમે અને શ્રી સીમંધરભગવાન પાસેથી જે જ્ઞાન મળ્‌યું તેના મેળથી
અને પોતાના અંતરના અનુભવમાંથી આચાર્યદેવની આ વાણી આવેલી છે. શ્રી જિનપ્રવચનનો સાર આ પ્રવચનસારમાં
ભરેલો છે. ગુજરાતી ભાષામાં અક્ષરશ: અનુવાદ સહિત આ પરમાગમશાસ્ત્ર પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે.
પ્રવચનસારની શરૂઆતમાં વર્તમાન વર્તતા સીમંધરાદિ તીર્થંકર ભગવંતોને વર્તમાન પ્રત્યક્ષરૂપ કરીને નમસ્કાર
કરતાં આચાર્યદેવ કહે છે કે: અહો પ્રભુ! હું મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ કરું છું, અને
તેમાં મંગળાચરણરૂપે મારી સન્મુખ સર્વે તીર્થંકર ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છે.
શ્રી આચાર્યદેવે મંગળાચરણમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને એવી રીતે નમસ્કાર કર્યા છે કે જાણે સાક્ષાત્
પંચ પરમેષ્ઠી ભગવંતો પોતાની સન્મુખ બિરાજતા હોય અને પોતે તેમની સન્મુખ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવમાં
લીન થઈ જતા હોય!
આ શાસ્ત્રની ૮૦ અને ૮૧ મી ગાથામાં મોહનો ક્ષય તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય
બતાવીને પછી ૮૨ મી ગાથામાં કહે છે કે: બધાય અર્હંત ભગવંતો એ જ વિધિથી કર્માંશોનો ક્ષય કરીને તથા એ જ
પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. અહો, તે અર્હંત ભગવંતોને નમસ્કાર હો.
આ શાસ્ત્રના કર્તા આચાર્યભગવાન વીતરાગ અને સરાગચારિત્ર વચ્ચે ઝૂલતી દશામાં વર્તી રહ્યા છે;
તેમના આત્માના શુદ્ધોપયોગમાં લીન થતાં થતાં આ શાસ્ત્ર લખાયું છે, તેથી પદે પદે શુદ્ધોપયોગરસ નીતરી રહ્યો
છે. જેનાથી સીધી શીવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્યદેવની ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ
આવે છે. વર્તમાન વર્તતી સરાગ ચારિત્ર–દશાનો નિષેધ કરીને–તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને,
જ્ઞાયક ભાવમાં ડૂબકી મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંતર ભાવનાને ઘૂંટી છે.
મહાન આચાર્ય શ્રી અમૃતચંદ્રસુરિ આ શાસ્ત્રના મૂળ ટીકાકાર છે. ટીકાની શરૂઆતમાં જ તેઓશ્રી જણાવે
છે કે: પરમાનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, તત્ત્વને જે પ્રગટ કરે છે એવી પ્રવચનસારની
આ ટીકા કરવામાં આવે છે. પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ પરમાનંદને પ્રાપ્ત કરવાના છે.
આચાર્યદેવે પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને આ પ્રવચનસાર શરૂ કર્યું છે, અને શરૂઆતમાં જ
વીતરાગ ચારિત્રરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી છે. પોતાને પરમેષ્ઠીપદ–આચાર્યપદ તો
વર્તમાનમાં વર્તે છે, પરંતુ હજી સરાગચારિત્રદશા પણ વર્તે છે, સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમન થતું નથી તેથી
સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવને પ્રાપ્ત કરવાની ઝંખના છે; તે માટે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હે
નાથ! પંચ પરમેષ્ઠી ભગવંતો! આપને નિર્મળદશા પ્રગટ થઈ છે તે માટે હું આપને નમસ્કાર કરું છું. બધાય
ભગવંતોને પ્રત્યક્ષરૂપ કરીને સર્વેને એક સાથે નમસ્કાર કરું છું તેમજ દરેકને પ્રત્યેક પ્રત્યેકને નમસ્કાર કરું છું.
અને એ રીતે નમસ્કાર કરીને હું વીતરાગી ચારિત્રને અંગીકાર કરું છું–આત્માના શુદ્ધોપયોગમાં લીન થાઉં છું.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વકના ચારિત્રથી પરમેષ્ઠીપદ હોય છે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકનું ચારિત્ર તે
ધર્મ છે. તે ચારિત્રરૂપે આત્મા પરિણમે છે, ચારિત્ર પરિણામમાં પરિણમેલો આત્મા જ ચારિત્ર છે. સરાગ ચારિત્ર
બંધનું કારણ છે ને વીતરાગચારિત્ર મોક્ષનું કારણ છે. વીતરાગચારિત્ર તે શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ વખતે
શુભ–અશુભ ઉપયોગ હોતા નથી. આત્મા તે તે સમયના પોતાના ઉપયોગ–પરિણમનથી ટકે છે. જે વખતે જે
પરિણામ થાય છે તે વખતે તે પરિણામ રૂપે આત્મા થાય છે. પરિણામ રૂપે ત્રિકાળી વસ્તુ પરિણમે છે. પરિણામ
સાથે જ પરિણામી અભેદ છે, પરિણામની એકતા પરિણામી દ્રવ્ય સાથે છે, કોઈ બીજા સાથે તેને સંબંધ નથી.
આમ જાણીને પોતાના ત્રિકાળી પરિણામીસ્વભાવનો આશ્રય કરીને જીવ પરિણમે તો સ્વભાવના આશ્રયે
પરિણમતાં પરિણમતાં તે પરમાત્મા થાય છે.