Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૨૧૨ : આત્મધર્મ : ૬૦
વસ્તુના પરિણામ પરવસ્તુના આશ્રયે થતા નથી, પણ વસ્તુ પોતે પરિણામ સ્વભાવ વાળી છે; પરિણામી
પદાર્થ જ પરિણામરૂપે પરિણમી જાય છે એટલે ખરેખર તો પારિણામિકભાવ જ પરિણમે છે, દરેક સમયના
પરિણામ પારિણામિકભાવે જ થાય છે. સ્વભાવનો આશ્રય કરીને પરિણમનાર સાધક આત્મા પ્રતિ સમય વધતા
વધતા નિર્મળ પરિણામે ઊપજે છે એટલે કે સ્વભાવના આશ્રયે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ પવિત્રતા
વધતી જાય છે.
વસ્તુ પરિણમન સ્વભાવ વાળી છે, સમયે સમયે પરિણમવું–બદલવું તે દરેક વસ્તુનો સ્વભાવ છે;
પરિણામ તે ઉપાધિ નથી પણ વસ્તુનું સ્વરૂપ છે. પરિણમન વગરની કોઈ વસ્તુ હોતી નથી. આત્મા પણ
પરિણામસ્વભાવી છે તેથી સમયે સમયે જુના પરિણામનો નાશ કરીને નવા પરિણામરૂપે પોતે ઊપજે છે. જો
નાનામાં નાનાકાળમાં વસ્તુ એક પરિણામ છોડીને બીજા પરિણામરૂપે ન પરિણમતી હોય તો કદી સંસારદશા
ટળીને મોક્ષદશારૂપે આત્મા પરિણમી શકે નહિ. આચાર્યભગવાન કહે છે કે આખી વસ્તુ પોતે જ પરિણામરૂપે
ઊપજે છે. જે જીવ પોતાનું કલ્યાણ કરવા માગે છે તે લાંબા કાળે કલ્યાણ થાય એવું નથી ઈચ્છતો, પણ નાનામાં
નાના કાળે તે પોતાનું કલ્યાણ કરવા માગે છે. નાનામાં નાના કાળમાં દરેક વસ્તુ પોતાની એક હાલત છોડીને
બીજી હાલતરૂપે ઊપજે છે; તેથી એક જ સમયમાં જીવ પોતાનું અકલ્યાણ ટાળીને કલ્યાણ કરી શકે છે. મોક્ષદશા
પ્રગટ કરવા માટે અનંતકાળસુધી પુરુષાર્થ કરવો પડતો નથી, પણ સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં
અલ્પકાળમાં જ મોક્ષદશા પ્રગટે છે. સ્વભાવનો આશ્રય કરવા છતાંય જો અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડતું
હોય તો સ્વભાવનો કાંઈ મહિમા રહેતો નથી. અને મોક્ષ માટે જો અનંતકાળ સુધી સાધન કરવું પડતું હોય તો
એવા મોક્ષની કિંમત રહેતી નથી, અને એવા મોક્ષને કોઈ સાધી શકે નહિ. અહો! એકેક સમયમાં આખો આત્મા
જ નવો ઊપજે છે, એમ કહીને એકેક સમયના પરિણામમાં ત્રિકાળી વસ્તુ અભેદ બતાવે છે. જો ત્રિકાળી વસ્તુનો
આશ્રય કરીને જીવ ઊપજે તો અલ્પકાળે તે મોક્ષરૂપે પરિણમી જાય.
વસ્તુ પોતે પોતાના પરિણામ સ્વભાવવાળી હોવાથી પરિણામરૂપ છે. વસ્તુ સમસ્ત પ્રકારે–દ્રવ્યથી,
ક્ષેત્રથી, કાળથી ને ભાવથી પોતાના પરિણામમાં નમે છે–વળે છે–પરિણમે છે. પોતાના પરિણામથી વસ્તુ જુદી
રહેતી નથી. શુદ્ધોપયોગરૂપ પરિણામે એક સમયમાં આત્મા પરિણમી જાય છે; શુદ્ધોપયોગરૂપે પરિણમેલો આત્મા
જ શુદ્ધોપયોગ છે. અહીં આચાર્ય ભગવાન પર્યાય અને વસ્તુને અભેદરૂપે સમજાવે છે કે ધર્મરૂપે આત્મા જ
ઊપજે છે અર્થાત્ આત્મા પોતે જ ધર્મ છે. ધર્મ પરિણામ અને આત્મા જુદા નથી.
અહીં કેવળી ભગવાનના અભાવમાં આચાર્યભગવંતોએ કેવળીનાં કામ કરી દીધાં છે. સમય સમયના
પરિણામરૂપે તારું દ્રવ્ય પરિણમે છે એટલે કે દરેક સમયના પરિણામ સ્વતંત્ર છે. તારા પરિણામ તું કરે તેવા થશે.
સ્વદ્રવ્યનો આશ્રય કરીને જો શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે તો કેવળજ્ઞાન થાય છે. દરેક સમયમાં વસ્તુ પોતાના પૂર્વ
પરિણામથી અભાવરૂપ થાય છે, નવા પરિણામરૂપે ઊપજે છે અને દ્રવ્યપણે દરેક પરિણામમાં ધુ્રવ રહે છે. આમ
પરિણામને અને પરિણામી વસ્તુને ઓળખીને, જો સ્વભાવના આશ્રયે પરિણમે તો સંસારનો અંત આવી જાય
છે, સિદ્ધદશા ઊપજે છે અને આત્મદ્રવ્ય ધુ્રવ રહે છે.
જીવને પહેલા સમયે ‘પુણ્ય–પાપ તે જ હું’ એવી માન્યતારૂપ મિથ્યાત્વદશા હતી અને બીજા સમયે
‘ચૈતન્યસ્વભાવ જ હું છું, ચૈતન્યસ્વભાવમાં પુણ્ય–પાપ નથી’ એવી માન્યતારૂપ સમ્યકત્વદશા થઈ, ત્યાં એક જ
સમયમાં સ્વભાવ–આશ્રિત જીવ પોતે તે દશારૂપે ઊપજ્યો છે. જો એકેક સમયમાં જૂના પર્યાંયરૂપે વ્યય થઈને
નવા પરિણામરૂપે વસ્તુ ન ઊપજતી હોય તો કદી મિથ્યાત્વ ટળીને સમ્યકત્ત્વ થઈ શકે નહિ, રાગ ટળીને
વીતરાગી–ચારિત્રદશા ઉપજી શકે નહિ–ટકી શકે નહિ ને વધી શકે નહિ. તેમ જ સંસારદશા બદલીને મોક્ષદશા
પણ થાય નહિ. એ રીતે, જો વસ્તુ પરિણમતી ન હોય તો જીવમાં મિથ્યાત્વ, રાગ ને સંસાર જ સદા એમ ને એમ
રહ્યા કરે. તથા પુદ્ગલમાં પણ કર્મરૂપ અવસ્થા જ સદા એમ ને એમ રહ્યા કરે. અર્થાત્ વિકારના નિમિત્તરૂપ કર્મો
સદા એમ ને એમ રહ્યા કરે એટલે ઉપાદાનમાં વિકાર પણ સદા એવો ને એવો જ રહ્યા કરે, ને જીવને કદી
અવિકારી ધર્મ થાય નહિ. આથી એમ સમજવું કે, જેઓ વસ્તુનું પરિણમન જ નથી માનતા– અગર તો પરના
કારણે વસ્તુના પરિણામ માને છે–તેઓ કદી પોતાના વિકાર પરિણામને બદલાવીને અવિકારી ધર્મદશા પ્રગટ કરી
શકતા નથી, તેમના પરિણામમાં સદા અધર્મ અને સંસાર રહે છે.