Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
આસો : ૨૪૭૪ : ૨૧૩:
‘હું સાધક છું ને મારે પૂર્ણતાને સાધવી છે’ એમ કહેતાં જ વસ્તુનું પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો વસ્તુનું
પરિણમન ન માને તો, સાધક થઈને પૂર્ણતાને સાધવી છે–એવી વાત ટકી શકતી નથી. ભલે અજ્ઞાની જીવ વસ્તુનું
પરિણમન માને નહિ પરંતુ તે પોતે પણ સમયે સમયે પરિણમ્યા વગર તો રહેતો જ નથી. વસ્તુના પરિણમનને જે
નથી માનતો તેને અધર્મ દશા પલટાવીને ધર્મરૂપે પરિણમવાની રુચિ નથી. ત્રિકાળી વસ્તુનું પરિણમન સ્વીકારીને
જો વસ્તુઆશ્રિત પરિણમે તો એક જ સમયમાં અધર્મ ટાળીને વસ્તુ પોતે ધર્મરૂપે પરિણમી જાય છ. ધર્મ તે
પરિણામ છે–અવસ્થા છે, એક સમયની દશા છે. આત્મામાં ધર્મ અનાદિથી નથી પણ નવો થાય છે.
દરેક જીવ અધર્મ ટાળીને ધર્મ કરવા માગે છે અર્થાત્ અકલ્યાણ ટાળીને કલ્યાણ કરવા માગે છે અને તે
નાનામાં નાના કાળમાં–ઝટ થઈ જાય એમ ચાહે છે; તે એમ દર્શાવે છે કે આત્મવસ્તુ એક જ સમયમાં (નાનામાં
નાના કાળમાં) અધર્મ–અકલ્યાણદશામાંથી ગૂલાંટ મારીને ધર્મ–કલ્યાણ રૂપે પરિણમી જાય એવો તેનો સ્વભાવ
છે. જે જીવ નાનામાં નાના કાળમાં વસ્તુનું પરિણમન માને–એટલે કે–આત્મા પોતાના સ્વભાવના આશ્રયે એક
સમયમાં વિકાર ટાળીને પૂર્ણ અવસ્થારૂપે પરિણમી જાય–એવો સ્વભાવ છે, તેને જે સ્વીકારે તે જીવ સ્વભાવ–
આશ્રિત પરિણમીને કેવળજ્ઞાનમય થઈ જાય. જો આત્મા દરેક સમયે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે ન
પરિણમી જતો હોય તો આત્મામાં ધર્મ જ ન થઈ શકે. આથી એમ સમજવું કે આત્મામાં જે પરિણમન ન માને
તેને ધર્મ થાય નહિ.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ પાંચ પરમેષ્ઠીપદ છે, તે પાંચેય પર્યાયો છે, તે પર્યાયરૂપે
આત્મા જ થાય છે, તે તે પર્યાયરૂપે આત્મા જ પોતે પરિણમે છે. ત્રિકાળ પરિણમનરૂપ વસ્તુસ્વભાવ છે; વસ્તુ
પરની મદદ વગર સ્વયં પરિણમે છે. આમ સમજીને, પરનો આશ્રય છોડીને સ્વસન્મુખ થઈને વસ્તુસ્વભાવને
સ્વીકારે તો પોતાના સ્વભાવના આશ્રયે પરિણમીને શુદ્ધોપયોગથી સ્વરૂપમાં રમણતા કરે અને વીતરાગચારિત્ર
પ્રગટ કરી કેવળજ્ઞાન પામે.
વસ્તુમાં પરિણમનક્રિયા સ્વતંત્ર છે, સ્વતંત્રપણે બદલવાનો વસ્તુનો સ્વભાવ છે. આવા સ્વતંત્ર
પરિણમન સ્વભાવની પ્રતીતિ થતા સાધકને વિશ્વાસ છે કે ત્રિકાળી વસ્તુના આશ્રયે પરિણમતાં, આ અધૂરું
પરિણમન છે તે પલટીને એવું પરિણમન થશે કે પૂર્ણતારૂપે જ વસ્તુ પરિણમશે, અને એવું પૂરું પરિણમન સદાય
થયા કરશે. આત્મા કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયા પછી તેને તે જ કેવળજ્ઞાનપરિણામ સદા રહેતો નથી, પણ
સમયે સમયે નવા નવા કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા ઊપજે છે. પહેલા સમયનો જે કેવળજ્ઞાનપરિણામ છે તે
પોતે જ બીજા સમયે હોતો નથી; પહેલા સમયનો કેવળજ્ઞાનપરિણામ બીજા સમયે નાશ પામે છે અને નવા
કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા પરિણમે છે. એ રીતે શુદ્ધોપયોગના ફળરૂપે સાદિ અનંતકાળ આત્મા કેવળજ્ઞાનરૂપે
જ પરિણમ્યા કરે છે.
શ્રીકુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ–એ બંને આચાર્ય ભગવંતો મુનિદશામાં ઝૂલે છે, સરાગ–
વીતરાગચારિત્રદશા તેમને વર્તે છે, ઘડીકમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ કરી સાતમા ગુણસ્થાને વીતરાગ અનુભવમાં લીન
થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિ વિકલ્પ ઊઠે છે, તેનો આચાર્યદેવ નિષેધ
કરે છે કે આ ન જોઈએ, આ સરાગચારિત્ર અનિષ્ટફળવાળું છે. વીતરાગચારિત્રનું ફળ મોક્ષ છે તે જ ઈષ્ટ છે.
વર્તમાન સરાગચારિત્ર છે તેનો અને રાગના ફળમાં સ્વર્ગમાં જવાના છે તેનો આચાર્યદેવ વર્તમાનમાં નિષેધ કરે છે;
છતાં પંચમકાળ હોવાથી અને સરાગચારિત્ર હોવાથી સ્વર્ગમાં જશે, પણ તેનો આદર નથી, સરાગચારિત્રનો પણ
આદર નથી; વીતરાગચારિત્રની જ ભાવના છે. એક જ સ્વભાવનું આરાધન છે, મહાવ્રતનું આરાધન પણ નથી;
મહાવ્રતને અંગીકાર કરવાની પ્રતિજ્ઞા નથી કરી પણ તેને ઓળંગી જઈને વીતરાગચારિત્રરૂપ સામ્યભાવને અંગીકાર
કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ આરાધન કરીને અલ્પકાળે ચારિત્ર પૂરું કરીને મુક્ત થશે
એવા આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર–શાસ્ત્રમાં છે.
સાભાર સ્વીકાર
અમદાવાદના શેઠ મણીલાલ જેસંગભાઈ તરફથી શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને રૂા. ૧૦૦૦्र– જ્ઞાન
પ્રચાર માટે મળ્‌યા છે. જોરાવરનગરના શાહ અમુલખ લાલચંદભાઈ તરફથી રૂા. ૫૦૧्र– જ્ઞાનખાતામાં તથા
રૂા. ૫૦૧्र– જૈન અતિથિ સેવા સમિતિમાં આવ્યા છે.