Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image


વસ્તુનો સ્વભાવ ઉત્પાદ્–વ્યયરૂપ હોવાથી તેમાં દરેક સમયે નવું નવું કાર્ય થયા જ કરે છે. પહેલા
સમયના પર્યાયમાં ન હોય એવું કાર્ય બીજા સમયના પર્યાયમાં પ્રગટે છે. કોઈને પહેલા સમયે મિથ્યાત્વદશા હોય
ને બીજા સમયે સમ્યકત્વદશા પ્રગટે છે. ત્યાં જેની દ્રષ્ટિ વસ્તુના સ્વભાવ ઉપર નથી પણ સંયોગ ઉપર છે એવો
અજ્ઞાની જીવ એમ માને છે કે–“અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું. સદ્ગુરુ વગેરે નિમિત્તો મળ્‌યા માટે
સમ્યક્ત્વ થયું, જો પોતાની મેળે જ કાર્ય થતું હોય તો પહેલાં કેમ ન થયું?” આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. અને
એ ભ્રમ જ ઉપાદાન–નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે. એ ભ્રમને લીધે જ (અર્થાત્ સ્વભાવદ્રષ્ટિથી ચ્યૂત
થઈને સંયોગદ્રષ્ટિને લીધે જ) જીવ અનાદિકાળથી સંસારસમુદ્રમાં ગોથાં ખાઈ રહ્યો છે. વસ્તુનું યથાર્થસ્વરૂપ
તેના દરેકે દરેક પર્યાયની સંપૂર્ણ સ્વાધીનતા અને પરપદાર્થોથી તદ્ન ઉદાસીનતા બતાવીને આ ગ્રંથ અજ્ઞાનીના
તે મહાન ભ્રમનું ખંડન કરે છે.
ચેતન કે જડ બધી વસ્તુઓ દરેક સમયે પોતાના પરિણમનસ્વભાવથી જ નવા નવા પરિણામે ઊપજે છે.
પૂર્વ સમયે અમુક દશા નથી હોતી, ને પછીના સમયે થાય છે, ત્યાં તે સમયના પર્યાયની તેવી જ લાયકાત
હોવાથી થાય છે. બે જીવોમાંથી એકને સમ્યક્ત્વદશા છે ને બીજાને મિથ્યાત્વદશા છે, તેનું કારણ કોણ? બંને
જીવના દ્રવ્ય–ગુણ તો સરખાં છે, બંનેને પૂર્વના પર્યાયનો તો વર્તમાન અભાવ છે અને અનાદિથી પરિણમતા
પરિણમતા બંને વર્તમાનકાળ સુધી આવ્યા છે; છતાં એકને સમ્યક્ત્વરૂપ પરિણમન અને બીજાને મિથ્યાત્વરૂપ
પરિણમન, તેનું કારણ શું? કારણ એ જ કે–બંને દ્રવ્યના પરિણમનની તે સમયની યોગ્યતા જ તેવી છે. એ ખાસ
ધ્યાન રાખવું કે કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળ રૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ
પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે; પણ તેનાથી આગળ કે પાછળ તે કાર્ય
થતું નથી. એક જીવને પૂર્વે મિથ્યાત્વદશા હતી તે સમયે તેની તેવા જ પરિણમનની લાયકાત હતી, તેથી જ તે
મિથ્યાત્વદશા હતી,–નહિ કે કુદેવાદિના કારણથી! અને બીજા સમયે તે જીવને સમ્યક્ત્વદશા થઈ, ત્યારે તે જીવ
પોતાના તે સમયના પરિણમનની લાયકાતથી જ તે રૂપે પરણમ્યો છે,–નહિ કે સદ્ગુરુ વગેરેના કારણથી!
આ જ પ્રમાણે દરેક પરમાણુ પણ તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. એક સમયે બે
પરમાણુઓ લાલરંગરૂપ પરિણમ્યા હોય અને બીજા સમયે તેમાંથી એક પરમાણુ કાળારંગરૂપે અને બીજો
ધોળારંગરૂપે પરિણમે. બંનેને દ્રવ્ય–ગુણ તો સમાન છે, પૂર્વપર્યાય પણ બંનેને સમાન હતો અને અનાદિથી
પરિણમતા–પરિણમતા બંને વર્તમાનકાળ સુધી જ આવ્યા છે, છતાં પરિણામમાં ફેર પડે છે. કેમ કે તે તે
પરમાણુના પરિણમનની તે સમયની લાયકાત સ્વતંત્ર છે.
આવી જ વસ્તુની સ્વાધીનતા છે અને આવા જ્ઞાનમાં જ સ્વભાવનો પુરુષાર્થ છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સત્
છે, તેનો કોઈ કર્તા નથી ને તેને કોઈની અપેક્ષા નથી તેમ તેના અનાદિ અનંત સમયમાં દરેક સમયના એકેક
પર્યાયો પણ સત્ છે, બીજાની અપેક્ષા વગરના છે. દરેક સમયનો પર્યાય પોતાની સ્વતંત્ર લાયકાત ધરાવે છે.–
આનું જ નામ ઉપાદાન. દ્રવ્ય–ગુણની સ્થિતિ સદા એક સરખી હોય, પરંતુ પર્યાયો સદા એક સરખા હોય નહિ.
ત્રિકાળી દ્રવ્યને અને તેના પર્યાયના એકેક સમયના સ્વતંત્ર કાર્યને જાણવું તે ઉપાદાનનું જ્ઞાન છે અને તે
વખતે સંયોગરૂપ અન્ય દ્રવ્યોનું જ્ઞાન કરવું તે નિમિત્તનું જ્ઞાન છે. એ બંનેને સ્વતંત્ર જાણે તો જ બે પદાર્થોમાં
એકતાબુદ્ધિ ટળીને સમ્યગ્જ્ઞાન થાય છે. પરંતુ ‘આ નિમિત્ત–પદાર્થને લીધે ઉપાદાનનું કાર્ય થયું કે નિમિત્ત આવ્યું
માટે કાર્ય થયું, નિમિત્તે કાંઈ અસર કરી, મદદ કરી, પ્રેરણા કરી’ એવા પ્રકારનો કાંઈ પણ સંબંધ માનવો તે
ઉપાદાન–નિમિત્તનું યથાર્થ જ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે.
સ્વભાવથી દરેક પદાર્થની સ્વાધીનતા અને એક પછી એક દશારૂપે થવાની તેની સ્વતંત્ર લાયકાત, તેને
જે જીવો સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિના અભાવને લીધે નથી જાણતા તેઓ એક પદાર્થને બીજા પદાર્થ સાથે સંબંધ હોવાની
એટલે કે વસ્તુની પરાધીનતાની મિથ્યાકલ્પના કર્યા વગર રહી શકતા નથી. અને એવી જે વસ્તુના સ્વરૂપથી
વિપરીત કલ્પના છે તે જ મોટો અધર્મ છે. “મૂળમાં ભૂલ” નામનું પુસ્તક યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવીને
ભવ્યજીવોને તે અધર્મથી છોડાવે છે.