Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૯:
વિકાર થાય છે, તે એકેક સમયનો વિકાર કરતાં કરતાં અત્યાર સુધી પર્યાયમાં ગમે તેટલો કાળ ગયો ને ગમે
તેટલી મલિનતા થઈ, છતાં પણ દ્રવ્યની પ્રભુતાને તોડવાને તે કોઈ સમર્થ નથી; દ્રવ્યની પ્રભુતા તો એવી ને
એવી શોભી રહી છે, તેમાં અંશ માત્ર ખંડ પડ્યો નથી. તેવી જ રીતે ગુણમાં પણ પ્રભુત્વ છે, તે પણ એવું ને એવું
અખંડિત છે. અને એકેક સમયનો પર્યાય પણ પરની અપેક્ષા વગર સ્વતંત્રતાથી શોભી રહ્યો છે, તેથી પર્યાયમાં
પણ પ્રભુત્વ છે. પ્રભુત્વ શક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે, તેથી આત્મા પોતે પ્રભુ છે.
(૬) ‘હે પ્રભુ, હે પ્રભુ! શું કહું’ –એમ પરને પ્રભુ કહેવા તે વિનયથી નિમિત્તનું કથન છે. ખરેખર
પોતાની પ્રભુત્વશક્તિનો ધણી આત્મા પોતે છે. આત્મા પોતે પ્રભુ છે, પોતાની પ્રભુતાના અખંડ પ્રતાપથી પોતે
શોભે છે. આત્માની પ્રભુતાનો પ્રતાપ એવો અખંડિત છે કે અનંત અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહો આવે તોય તેનો
પ્રતાપ ખંડિત નથી થતો, ને ક્ષણિક પુણ્ય–પાપથી પણ તેની પ્રભુતા ખંડિત થતી નથી. આત્માની પ્રભુત્વશક્તિ
તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે ને ત્રિકાળ છે, વિકાર કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપતો નથી તેમ
જ તે ત્રિકાળ નથી, માટે તે ક્ષણિક વિકારવડે પણ આત્માની પ્રભુતા ખંડિત થતી નથી. આ દ્રવ્યદ્રષ્ટિનો વિષય
છે. ત્રણે કાળે પોતાના સ્વતંત્ર પ્રભુત્વ ગુણથી આત્મા શોભી રહ્યો છે, –એવી આત્માની પ્રભુતા જેને બેઠી તેને
પર્યાયમાં કેવળજ્ઞાનરૂપી પ્રભુતા પ્રગટ્યા વગર રહે નહિ. તે કેવળજ્ઞાન જ એવું મંગળ સુપ્રભાત છે કે જે પ્રગટ્યા
પછી કદી પણ અસ્ત ન થાય.
(૭) મારી પ્રભુતા મારામાં છે, મારા પ્રભુત્વથી જ મારી શોભા છે, મારી પ્રભુતાનો પ્રતાપ અખંડિત છે.
મારા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતાની શોભાને લૂંટનાર ત્રણ લોકમાં કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાય નથી. આત્મામાં
અનાદિ અનંત પ્રભુત્વ છે, તે પોતાની અખંડ સ્વતંત્રતાના પ્રતાપે શોભે છે. આત્માના એકેક ગુણમાં પણ પ્રભુત્વ
છે. જ્ઞાનમાં જાણવાનું પ્રભુત્વ છે, દર્શનમાં દર્શનનું પ્રભુત્વ છે, આનંદમાં આહ્લાદનું પ્રભુત્વ છે, એમ દરેક
ગુણમાં પોત પોતાનું સ્વતંત્ર પ્રભુત્વ છે. આત્માના જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર વગેરે ગુણો પોતાના અખંડ પ્રતાપથી
શોભે છે. દ્રવ્ય અને ગુણની જેમ તેની એકેક સમયની અવસ્થાઓ પણ પોતાના અખંડ પ્રતાપથી શોભે છે,
પર્યાયમાં પણ પ્રભુત્વ છે. જ્ઞાનની એકેક સમયની અવસ્થામાં રાગદ્વેષ રહિત પૂરું જાણે એવી પ્રભુતા છે એક
સમયના જ્ઞાનપર્યાયમાં એવો અખંડ પ્રતાપ છે કે તેમાં રાગદ્વેષનો અભાવ છે. પરલક્ષે જે એક સમય પૂરતા
રાગદ્વેષ થાય છે તેને અહીં આત્માના સ્વરૂપમાં ગણવામાં આવ્યા નથી, તે એક સમયના રાગ–દ્વેષને અહીં ગૌણ
કર્યા છે. આત્માની પ્રભુતા ત્રિકાળ અખંડિત છે, કદી તે અધૂરી કે પરની ઓશિયાળી થઈ નથી. ખરેખર
વિકારમાં પ્રભુત્વ નથી કેમ કે તે આખા દ્રવ્ય–ગુણમાં કે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. આત્માની પ્રભુતા તો સર્વ
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં વ્યાપક છે.
(૮) આજે સુમંગળ પ્રભાત છે. જેને પોતાની પ્રભુતાનું ભાન નથી એવા અજ્ઞાની જીવો પરસંયોગથી
પોતાની મોટપ માને છે, ને તે સંયોગ મેળવવાની આજે ભાવના કરે છે. ‘અમને ધન્નાશાળીભદ્ર શેઠની ઋદ્ધિ
હજો, બાહુબલિજીનું શરીરબળ હજો, અભયકુમારની બુદ્ધિ હજો’ –એમ અજ્ઞાની જીવ બહારના પદાર્થોની ભાવના
કરે છે, પણ પોતે પોતાના સ્વભાવની પ્રભુતાથી ભરેલો છે, તેની ભાવના કરતો નથી. જેણે પોતાના સુખ માટે
પરવસ્તુની જરૂર માની તેણે પોતાના આત્માની પ્રભુતા માની નથી, પણ પામરતા માની છે. તેથી તેને પર્યાયમાં
કદી કેવળ જ્ઞાનરૂપી પ્રભુતા થશે નહિ. અહીં તો કહે છે કે તારી પર્યાયમાં પણ પ્રભુતા છે, તારી પર્યાયને હીણી
કરવા કોઈ સંયોગ, કોઈ ક્ષેત્ર કે કોઈ કાળ સમર્થ નથી. એક સમયની દુઃખ પર્યાય ત્રિકાળીતત્ત્વની પ્રભુતાના
પ્રતાપને ખંડિત કરવા સમર્થ નથી; તે પર્યાયની અહીં વાત નથી.
(૯) શ્રદ્ધાની એકેક સમયની પર્યાયમાં એવી ત્રેવડ છે કે આખા પરિપૂર્ણ દ્રવ્યને પ્રતીતમાં લઈ લે છે.
શ્રદ્ધા–જ્ઞાન વગેરે ગુણની એકેક પર્યાયે આખા દ્રવ્યને ટકાવી રાખ્યું છે. જો જ્ઞાન વગેરે કોઈ પણ ગુણની એક જ
પર્યાય કાઢી નાંખો તો ગુણનું અનાદિ અનંત અખંડપણું રહેતું નથી અને ગુણ અખંડ ન રહેતાં દ્રવ્ય પણ અખંડ
રહેતું નથી. માટે એકેક પર્યાયમાં પણ એવું પ્રભુત્વ છે કે તે આખા દ્રવ્યને અખંડિત રાખે છે. દ્રવ્ય અનંત ગુણોનો
પિંડ છે, ને ગુણ અનાદિ અનંત પર્યાયનો પિંડ છે. તેમાં એકેક ગુણ ને તેની એકેક સમયની એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે.