Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 37

background image
: ૪૦: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
આત્મામાં પ્રભુત્વ નામની એક શક્તિ છે, તે આખા દ્રવ્યમાં વ્યાપેલી છે તેથી દ્રવ્યના બધાય ગુણોમાં પણ
પ્રભુતા છે. એકેક શક્તિમાં પ્રભુતા છે. જો એક શક્તિને કાઢી નાખો તો દ્રવ્યનો પ્રતાપ ને સ્વતંત્રતા અખંડ નથી
રહેતા. તેમ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ વગેરે કોઈ એક ગુણનો એક સમયનો પર્યાય કાઢી નાંખો
તો તે ગુણ અનાદિ અનંત અખંડ નથી રહેતો પણ તેના બે કટકા થઈ જાય છે. તેથી તે એક સમયનો પર્યાય
પોતાના તે સમયના સ્વતંત્ર પ્રતાપથી શોભી રહ્યો છે. જેમ કોઈ માણસ ૧૦૦ વર્ષની ઉંમરનો હોય, તેના ૧૦૦
વર્ષમાંથી જો એક સમય પણ કાઢી નાંખો તો તેનું ૧૦૦ વર્ષનું અખંડપણું ન રહે, પણ એક તરફ ૫૦ વર્ષ અને
બીજી તરફ ૫૦ વર્ષમાં એક સમય ઓછો એમ બે ખંડ પડી જાય છે, ૧૦૦ વર્ષનું અખંડપણું નથી રહેતું. તેમ જો
દ્રવ્યના એક પર્યાયને કાઢી નાંખો તો દ્રવ્યનો પ્રતાપ ખંડિત થઈ જાય છે. માટે દ્રવ્યનો એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભે છે. આવી આત્માની પ્રભુતા છે.
દરેક દ્રવ્ય, તેના દરેક ગુણ ને તેના એકેક સમયના દરેક પર્યાયો અખંડ છે. જો એકેક પર્યાયની પણ અખંડ
પ્રભુતા પ્રતીતમાં ન લો તો દ્રવ્ય–ગુણ જ રહેતાં નથી. દ્રવ્ય–ગુણને પરિપૂર્ણ કરવાની એકેક પર્યાયમાં તાકાત છે.
(૧૦) જેમ દ્રવ્યનો એકેક પર્યાય સ્વતંત્ર છે તેમ એકેક પ્રદેશ પણ સ્વતંત્ર છે. પ્રદેશે પ્રદેશે પ્રભુતા છે.
એક પ્રદેશ બીજા પ્રદેશરૂપે થઈ જતો નથી, તેમ બીજા અનંત પ્રદેશોરૂપે તે થતો નથી, અનંત પ્રદેશોથી ભિન્ન
પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે એવી તેની પ્રભુતા છે. વળી જો દ્રવ્યનો એક પ્રદેશ કાઢી નાખો તો
આખા દ્રવ્યની અખંડતા જ રહે નહિ, એ અપેક્ષાએ એકેક પ્રદેશ અખંડ દ્રવ્યને ટકાવી રાખે છે, એવી એકેક
પ્રદેશની પ્રભુતા છે.
(૧૧) દરેક ગુણમાં ને દરેક પ્રદેશમાં પ્રભુતા છે. તેમાં એટલો ફેર છે કે એક ગુણ તો સર્વ પ્રદેશોમાં ને સર્વ
ગુણોમાં વ્યાપક છે, પણ એક પ્રદેશ સર્વ પ્રદેશોમાં વ્યાપતો નથી. છતાં એકેક પ્રદેશમાં અનંત ગુણોનો અંશ રહ્યો છે.
(૧૨) એકેક સમયના પર્યાયમાં એકેક પ્રદેશમાં પ્રભુતા છે. પરંતુ તેમાં એકેક સમયનો પર્યાય તો દ્રવ્યના
સર્વ ક્ષેત્રમાં વ્યાપે છે પણ એક પ્રદેશ દ્રવ્યના સર્વ ક્ષેત્રમાં વ્યાપતો નથી. (અહીં પરમાણુની વાત નથી પણ
આત્માની વાત છે.) અને પર્યાય દ્રવ્યના સર્વ ક્ષેત્રમાં વ્યાપતો હોવા છતાં તે એક સમય પૂરતો જ છે, એક પ્રદેશ
દ્રવ્યના સર્વક્ષેત્રમાં વ્યાપતો ન હોવા છતાં તે ત્રિકાળ છે.
(૧૩) આ આત્માની પ્રભુતાનું વર્ણન ચાલે છે. આત્મામાં દ્રવ્યથી પ્રભુતા છે, ગુણથી પ્રભુતા છે, એકેક
પર્યાયમાં ને એકેક પ્રદેશમાં પણ પ્રભુત્વ છે. લોકોમાં કહેવાય છે કે ‘પંચ ત્યાં પરમેશ્વર.’ તેમ આ પાંચની
સાલના મંગળ તરીકે પરમેશ્વરની–આત્માની પ્રભુતાની–વાત આવી છે. આ આત્માની પ્રભુતાના માંગળિકમાં
અપ્રતિહત મુક્તિના માણેકથંભ રોપાય છે. જો પોતાના આત્માની આવી પ્રભુતાનો પ્રતાપ જાણે તો કોઈ
પરવસ્તુથી પોતાની પ્રભુતા ન માને, અને પોતાની પ્રભુતા માટે પરનો આશ્રય માને નહિ, એટલે પરાશ્રય
છોડીને સ્વાશ્રય કરે. એ જ ધર્મ છે, ને એ જ મુક્તિનો ઉપાય છે. એકેક ગુણ–પર્યાય અનંતગુણની પ્રભુતાને
શોભાવનાર છે. આખું દ્રવ્ય પોતાની પ્રભુતાથી શોભાયમાન છે, આમ દ્રવ્યની પ્રભુતાના સ્વીકારમાં સ્વાશ્રયનો
સ્વીકાર છે, ને સ્વાશ્રયના સ્વીકારમાં મુક્તિ છે. જો કોઈ નિમિત્ત–સંયોગ વગેરે પરનો આશ્રય માને તો પોતાની
પ્રભુતાની પ્રતીતિ રહેતી નથી. તેમ જ વર્તમાન પર્યાયમાં નબળાઈ છે તેનો આશ્રય સ્વીકારે તો પણ પોતાની
પ્રભુતાની પ્રતીતિ રહેતી નથી. આત્મા ત્રણેકાળ પોતાની અખંડ પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભાયમાન છે, તેને
જો પરનો આશ્રય કહો તો તેની સ્વતંત્ર શોભા રહેતી નથી.
(૧૪) અજ્ઞાની કહે છે કે ‘દ્રવ્ય–ગુણ તો સ્વતંત્ર છે પણ પર્યાય પરના આશ્રયે થાય છે’ અહીં તો કહે છે
કે દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેય સ્વતંત્ર છે. પર્યાય પોતાના સ્વતંત્ર પ્રભુત્વથી શોભે છે; પર્યાયને દ્રવ્ય–ગુણનો પણ
આશ્રય નથી, તો વળી પરનો આશ્રય કેવો? દ્રવ્ય–ગુણ સત્ છે તેમ તેના અનાદિ અનંત પર્યાયો પણ સત્ છે,
એકેક સમયનો પર્યાય સત્ અહેતુક છે. પરવસ્તુઓ તો પર્યાયનું કારણ છે જ નહિ, પણ જો પર્યાયનું કારણ દ્રવ્ય–
ગુણને કહો તો દ્રવ્ય–ગુણ બધા જીવોને એક સરખા છે છતાં પર્યાયમાં ફેર કેમ પડે છે? માટે દરેકે દરેક પર્યાયનું
વીર્ય સ્વતંત્ર છે, પર્યાયની પ્રભુતા છે; પર્યાય પોતાના સ્વભાવસામર્થ્યથી સ્વતંત્રપણે અખંડ પ્રતાપથી શોભી
રહ્યો છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની નિરપેક્ષતાના સ્વીકાર