પર્યાયના વીર્યથી પર્યાયની રચના થાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાયથી પરિપૂર્ણ આત્મસ્વભાવની રુચિ અને પ્રતીતિ કરે
તો ધર્મ થાય છે, ને તે રુચિમાંથી આગળ વધતાં કેવળજ્ઞાન થાય છે, તે કેવળજ્ઞાનમાં એક સાથે બધુંય જણાય
એવો તેનો અખંડ પ્રતાપ છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં આ કળશની ટીકામાં કેવળજ્ઞાનનું સામર્થ્ય વર્ણવતાં
કહ્યું છે કે ‘જ્ઞાનજ્યોતિનો પુજ દ્વિકવાર અનંત શક્તિનો સમૂહ છે.’ આ કરણાનુયોગનો ગણતરીનો વિષય છે.
વસ્તુનો એક અંશ છે, પણ તે અંશમાં અનંતજ્ઞાન સામર્થ્ય છે, તેથી તે તેજનો પૂંજ છે. એ તેજઃપૂંજ કેવડો હશે?
–શું મેરૂપર્વત જેવડો હશે! –મેરૂપર્વતની ઉપમાથી તેને ઓળખાવી શકાય તેવો નથી, એ ઉપમા તો બહુ નાની
પડે. એક કેવળજ્ઞાન પર્યાય પોતે એવડો મોટો પ્રકાશનો પૂંજ (–તેજનો ઢગલો) છે કે લોકાલોકને જાણી લે છે
છતાં તેનું સામર્થ્ય ખૂટતું નથી. લોકાલોકથી ને ત્રણકાળથી પણ મોટો તેજઃપૂંજ છે. કેવળજ્ઞાનના સામર્થ્યને
લોકાલોકની ઉપમા પણ નાની પડે છે. જેમ લોઢાના એક ગજ વડે લાખો ગજ કાપડ માપો તો ય તે ખૂટતો નથી,
તેમ કેવળજ્ઞાન સામર્થ્ય એવું છે કે લોકાલોકને જાણે છતાં તે ખૂટતું નથી. અહીં ગજનું માત્ર દ્રષ્ટાંત છે. ગજથી તો
કાપડ ક્રમે ક્રમે મપાય છે, પણ તેમ જ્ઞાન કાંઈ ક્રમે ક્રમે પદાર્થોને જાણતું નથી, એક સાથે બધું જાણી લે છે, છતાં
હજી અનંતુ જાણે તેવું સામર્થ્ય બાકી રહી જાય છે. આવું તો આત્માના એક પર્યાયનું પ્રભુત્વ છે.
પરનો આશ્રય ન માને, રાગનો આદર ન કરે, અપૂર્ણતામાં તેને ઉપાદેય ભાવ ન રહે. પણ પૂરા સ્વભાવના
આશ્રયે પૂરી દશા જ પ્રગટ કરે. જે અધૂરી દશાનો કે વિકારનો આદર કરે તે તો ત્યાં જ અટકી જાય, તેને આગળ
વધીને પૂર્ણતા કરવાનું રહે નહિ. અને પૂર્ણ ધ્યેયને લક્ષમાં લીધા વગરની શરૂઆત પણ સાચી હોય નહિ.
આવે નહિ. ‘ઘણું જાણ્યું–હવે બસ!’ એમ જાણવામાં કદી કંટાળો જ્ઞાનસ્વભાવમાં ન હોય, પણ જેટલા પદાર્થો
હોય તે બધાને તે જાણી લે છતાં જરા ય થાક–ખેદ કે કંટાળો ન લાગે–એવો સ્વભાવ છે. જ્યાં પર્યાયમાં પૂરો
જ્ઞાનસ્વભાવ પ્રગટી ગયો ત્યાં તે જ્ઞાનસામર્થ્યમાં ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો એક સાથે નિમગ્ન થઈ જાય છે
એટલે કે જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાનમાં અનંત પદાર્થો એક સાથે જણાય છે તેથી કાંઈ જ્ઞાનના અનંત ખંડ
નથી થઈ જતા, પણ જ્ઞાન તો એક અખંડ રહે છે. આવો કેવળજ્ઞાનનો અખંડ પ્રતાપ છે. એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભી રહ્યો છે, એવી તેની પ્રભુતા છે. એવા એવા અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે,
અને એવા જ્ઞાન, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણોના સામર્થ્યથી આત્મા ભરેલો છે, આવી આત્માની પ્રભુતા છે.
આવી આત્માની પ્રભુતાને જાણે તે પ્રભુ થયા વગર રહે નહિ.
ગજમાં માપવાનું સામર્થ્ય ખૂટે નહિ, તેમ જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને માપનારું–જાણનારું છે; તે આખા
લોકાલોકને એક સમયમાં જાણી લે છે છતાં તેનું જાણવાનું સામર્થ્ય ખૂટતું નથી. આત્માના આવા પૂરા જ્ઞાન
સામર્થ્યમાં રાગ–દ્વેષ ક્યાં રહ્યા! આત્મામાં બધાને જાણવાનું સામર્થ્ય છે પણ પરનું કાંઈ કરે એવું કોઈ સામર્થ્ય
આત્મામાં નથી. આત્માના આવા જ્ઞાનસ્વભાવની રુચિ કરવી, પ્રતીત કરવી, ઓળખાણ કરવી તે કેવળજ્ઞાન
પ્રગટ થવાનાં માણેકથંભ છે. જેણે આત્મામાં એવા માણેકથંભ નાંખ્યા તેનું કેવળજ્ઞાન પાછું ફરે નહિ. આ
ચૈતન્યપ્રભુની મુક્તિ માટેનો માણેકથંભ નંખાય છે.