Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 37

background image
: ૪૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
છોડીને સ્વભાવની એકાગ્રતાથી જો જાણે તો એક સાથે બધાય પદાર્થોને જાણી શકશે! જીવનો સ્વભાવ
જાણવાનો છે ને પદાર્થોનો સ્વભાવ જ્ઞાનમાં જણાવાનો છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને
પરવસ્તુમાં સુખ માને છે ને પરવસ્તુનો સંયોગ મેળવવા માગે છે, પણ અહીં તો આચાર્ય ભગવાન જ્ઞાનમાં
એક સાથે બધા ય પદાર્થો જ્ઞેયપણે મળે એવી વાત કરે છે. બધા પદાર્થોને જાણવા રૂપે જ્ઞાન પરિણમી ગયું ત્યાં
આકુળતા ન રહી, તે જ સુખ છે કોઈ પરવસ્તુમાં સુખ નથી. શું લાડવામાં સુખ છે? જો લાડવામાં સુખ હોય
તો ચોવીસે કલાક લાડવા ખાધા જ કરે! લૂગડાંમાં સુખ હોય તો ઉપરા ઉપરી લૂગડાં પહેર્યાં જ કરે! વિષયોમાં
સુખ હોય તો ચોવીસે કલાક વિષય ભોગવ્યા જ કરે! એ બધામાં ક્યાંય સુખ નથી, તેથી તેના લક્ષે કંટાળો
આવી જાય છે. માટે આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારા જ્ઞાનની પ્રતીત તો કર. તારા જ્ઞાનસ્વભાવમાં તારી
પ્રભુતા ભરી છે તેનો વિશ્વાસ કર. ‘અહો, મારા જ્ઞાનમાં એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જ્ઞેય તરીકે સમાઈ
જાય એવી મારી પ્રભુતાનો અખંડ પ્રતાપ છે’ –એમ પોતાની પ્રભુતાનો એવો દ્રઢ વિશ્વાસ કર કે ફરીથી કદી
કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સુખ કે દુઃખની કલ્પના ન થાય; અને અખંડ પ્રતાપવાળું કેવળજ્ઞાન લેવામાં
વચ્ચે વિઘ્ન ન આવે.
(૨૬) અહો, જીવો! પ્રતીત તો કરો, સ્વભાવની પ્રતીત તો કરો. આત્મસ્વભાવમાં અખંડ પ્રભુતા છે તે
પ્રભુતાની પ્રતીત તો કરો. આત્મા એક સમયના વિકાર જેટલો તુચ્છ–પામર નથી પણ ત્રિકાળ અનંત શક્તિનો
ધણી પ્રભુ છે. તે પ્રભુતાની પ્રતીત કરતાં પર્યાયમાંથી એક સમયનો વિકાર ટળીને પ્રભુતા પ્રગટે છે, ને કેવળજ્ઞાન
પર્યાયના અખંડ પ્રતાપથી આત્મા શોભે છે. આત્માના એક કેવળજ્ઞાન પર્યાયમાં એક સાથે લોકાલોકના સમસ્ત
પદાર્થો જણાય છે તોપણ તે પર્યાયમાં ખંડ પડતા નથી. એક પર્યાયમાં અનેક પદાર્થો જણાય છે તોપણ તેની
એકતા ખંડિત થતી નથી, એવો પર્યાયનો પ્રતાપ અખંડિત છે. જેમ એક અરીસામાં એક સાથે લાખો વસ્તુ
જણાય છતાં અરીસાના કાંઈ લાખ ટુકડા થઈ જતા નથી. અરીસો તો અખંડિત એક જ રહે છે, તેમ આત્માની
એક સ્વચ્છ પર્યાયમાં એક સાથે અનંત પદાર્થો જણાય છે છતાં પર્યાયમાં અનેકતા થતી નથી, વિકાર થતો નથી;
એવું કેવળજ્ઞાન તે ચૈતન્યનો ચમત્કાર છે. આચાર્યભગવાન માંગળિક કરતાં કહે છે કે એવા કેવળજ્ઞાનરૂપી
ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે! આત્મામાં કેવળજ્ઞાનદશા પ્રગટી તે જયવંત વર્તે છે. જુઓ, આજે સુપ્રભાત
મંગળ છે. ગઈ કાલે પરોઢિયે શ્રીમહાવીરપ્રભુ મુક્તિ પામ્યા ને સાંજે શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. તેનાં
આ ગાણાં છે. આત્મામાં એવી કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે તે સુપ્રભાત છે.
(૨૭) જાણવું તે જ ચૈતન્યને ચમત્કાર છે. જ્ઞાન ઘણું જાણે તોપણ તેની એકતા તૂટતી નથી. જ્ઞાન
આત્મસ્વભાવમાં જ એકતારૂપે પરિણમી ગયું છે, હવે તે એકતામાં ખંડ પડતો નથી. ઘણા લાડવાનો ઢગલો
પડ્યો હોય તે બધા લાડવા ખાઈ ન શકાય, પણ એક સાથે જાણી શકાય. ઘણા લાડવા એક સાથે ખાય તો પેટ
ફાટે પણ લાડવાનો મોટો ઢગલો હોય તેને જ્ઞાન જાણે તો જ્ઞાન કાંઈ ફાટતું નથી, જ્ઞાનમાં ખંડ પડતા નથી. ઘણી
રોટલી–કેળાં હોય, ત્યાં અમુક ખવાય, બધા એક સાથે ખાઈ ન શકાય, પણ જ્ઞાન એક સાથે તેને જાણે તો ય
જ્ઞાનમાં ભાર પડે નહિ. અનંત પદાર્થોને એક સાથે જાણે છતાં જ્ઞાનપર્યાય એક મટીને બે ન થઈ જાય. જ્ઞાનના
એક પર્યાયમાં અનંતઅવિભાગપ્રતિચ્છેદ અંશો હોવા છતાં પર્યાયની એકતા છે, અનંતઅવિભાગ તિચ્છેદોને લીધે
એક પર્યાયના અનંત ખંડ પડી જતા નથી, પણ અખંડતા જ રહે છે. આવું સ્વાભાવિક કેવળજ્ઞાન પ્રગટ્યું તે જ
બેસતું વર્ષ છે. જેના આત્મામાં એવું કેવળજ્ઞાન પ્રગટ્યું તેને ફરીથી અવતાર નથી. અને જેણે એવા કેવળજ્ઞાનની
પ્રતીત કરી–શ્રદ્ધા કરી તેણે પોતાના આત્મામાં કેવળજ્ઞાન લેવાનાં પગરણ માંડ્યાં છે, કેવળજ્ઞાન માટે પ્રસ્થાનું
મૂકયું છે. ‘કેવળજ્ઞાન જયવંત વર્તે છે’ એમ જેણે પૂર્ણજ્ઞાનની પ્રતીત અને આદર કર્યો તે જીવ અપૂર્ણતાને કે
વિકારને આદરે નહિ, નિમિત્તનો આશ્રય માને નહિ, પણ પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદર તથા આશ્રય
કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
(૨૮) કેવળજ્ઞાનમાં લોકાલોકના સર્વ પદાર્થો નિમગ્ન થાય છે અથવા ઝળકે છે એમ આ કળશમાં કહ્યું છે
તે જ્ઞાનનું સામર્થ્ય બતાવવા કહ્યું છે, જ્ઞાનમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય પ્રગટી ગયું છે તે બતાવવા માટે
એમ કહ્યું છે. ખરેખર કાંઈ પરવસ્તુઓ જ્ઞાનમાં પ્રવેશી જતી નથી, અથવા અરીસાની જેમ જ્ઞાનમાં કાંઈ પર–