Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૭ :
સમ્યગ્દર્શની રીત
(વીર સં. ૨૪૭૫: કારતક સુદ ૧૩ રવિવાર તા. ૧૪–૧૧–૪૮ના રોજ શ્રી પ્રવચનસાર ગાથા ૮૦ ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
આ પ્રવચનસારની ૮૦મી ગાથા ચાલે છે આત્મામાં અનાદિકાળથી જે મિથ્યાત્વભાવ છે તે અધર્મ છે, તે
મિથ્યાત્વ ભાવને ટાળીને સમ્યગ્દર્શન કેમ પ્રગટે, તેનો ઉપાય આ ગાથામાં વર્ણવ્યો છે. આ આત્માનો સ્વભાવ
અરિહંત ભગવાન જેવો જ, પુણ્ય–પાપરહિત છે. આત્માના સ્વભાવને ચૂકીને જે પુણ્ય–પાપ થાય તેને પોતાનું
સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. શરીર, મન, વાણી આત્માના તાબે છે ને તેમની ક્રિયા આત્મા કરી શકે છે એમ
માનવું તે મિથ્યાત્વ છે; તથા આત્મા, શરીર, મન, વાણીને તાબે છે ને તેમની ક્રિયાથી આત્માને ધર્મ થાય છે
એમ માનવું તે પણ મિથ્યાત્વ છે–ભ્રમ છે ને અનંત સંસારમાં રખડવાનું કારણ છે. તે મિથ્યાત્વનો નાશ કર્યા
વગર ધર્મ થતો નથી. તે મિથ્યાત્વનો નાશ કેમ થાય તેનો ઉપાય અહીં બતાવે છે.
(૨) જે કોઈ જીવ ભગવાન્ અરિહંતના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે બરાબર જાણે છે તે જીવ
ખરેખર પોતાના આ માને જાણે છે ને તેનો મિથ્યાત્વ રૂપ ભ્રમણ ચોક્કસ નાશ પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ
પ્રગટે છે, –આ ધર્મનો ઉપાય છે. અરિહંતના આત્માનો કાયમી એકરૂપ રહેનાર સ્વભાવ કેવો છે, તેના જ્ઞાનાદિ
ગુણો કેવા છે અને તેમને રાગરહિત કેવળજ્ઞાન પર્યાય કેવો છે, તેને જે જાણે તે જીવ અરિહંત જેવા પોતાના
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પછી અભેદ આત્માની અંતરદ્રષ્ટિ કરીને મિથ્યાત્વને ટાળે ને
સમ્યગ્દર્શન પ્રગટ કરે. –આ ૮૦ મી ગાથાનો ટૂંકો સાર છે.
(૩) આજે માંગળિક પ્રસંગ છે ને ગાથા બરાબર અલૌકિક આવી છે. આ ગાથા ૮૦મી છે; ૮૦ એટલે
આઠ અને શૂન્ય. આઠ કર્મનો અભાવ કરીને સિદ્ધદશા કેમ થાય, તેની આમાં વાત છે.
(૪) અરિહંત ભગવાનનો આત્મા પણ પૂર્વે અજ્ઞાન દશામાં હતો ને સંસારમાં રખડતો હતો, પછી
આત્માનું ભાન કરીને મોહનો ક્ષય કર્યો, ને અરિહંતદશા પ્રગટી. પહેલાંં અજ્ઞાનદશામાં પણ તે જ આત્મા હતો ને
અત્યારે અરિહંતદશામાં પણ તે જ આત્મા છે; એમ આત્મા ત્રિકાળ રહે છે તે દ્રવ્ય છે, આત્મામાં જ્ઞાનાદિ
અનંતગુણો એક સાથે રહેલા છે તે ગુણ છે, અને અરિહંતને અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને
અનંત વીર્ય પ્રગટ્યાં છે તે તેનો પર્યાય છે, તેમને રાગ–દ્વેષ કે અપૂર્ણતા જરાપણ રહ્યાં નથી. –આમ અરિહંત
ભગવાનના દ્રવ્ય–ગુણ પર્યાયને જે જીવ જાણે. તે જીવ પોતાના આત્માને તેવો જ જાણે કેમ કે આ આત્મા પણ
અરિહંતની જ જાતનો છે, જેવો અરિહંતના આત્માનો સ્વભાવ છે તેવો જ આત્માનો સ્વભાવ છે; નિશ્ચયથી તેમાં
કાંઈ તફાવત નથી. તેથી પહેલાંં અરિહંતના આત્માને જાણતાં અરિહંત જેવા પોતાના આત્માને પણ જીવ
મનવડે–વિકલ્પથી જાણી લે છે, ને પછી અંતરમાં વળીને ગુણ–પર્યાયોથી અભેદરૂપ એક આત્મસ્વભાવને
અનુભવે છે ત્યારે દ્રવ્ય–પર્યાયની એકતા થતાં તે જીવ ચિન્માત્રભાવને પામે છે, ત્યારે મોહનો કોઈ આશ્રય નહિ
રહેવાથી તે અવશ્ય નાશ પામે છે ને જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે; તે અપૂર્વ છે. સમ્યગ્દર્શન વગર ત્રણકાળમાં
ધર્મ હોતો નથી.
(૫) જેવો અરિહંત ભગવાનનો આત્મા છે તેવો જ આ આત્મા છે. તેમાં ચેતન તે દ્રવ્ય છે, ચેતન એટલે
આત્મા, તે દ્રવ્ય છે. ચૈતન્ય તેનો ગુણ છે. ચૈતન્ય એટલે જ્ઞાન–દર્શન, તે આત્માનો ગુણ છે. અને તે ચૈતન્યની
ગ્રંથિઓ એટલે જ્ઞાનદર્શનની અવસ્થાઓ–જ્ઞાનદર્શનનું પરિણમન તે આત્માના પર્યાયો છે. એ સિવાય કોઈ
રાગાદિ ભાવો કે શરીર–મન–વાણીની ક્રિયાઓ તે ખરેખર ચૈતન્યનું પરિણમન નથી તેથી તે આત્માના પર્યાય
નથી, આત્માનું સ્વરૂપ નથી. જે અજ્ઞાનીને અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની ખબર નથી તે રાગાદિને
અને શરીરાદિની ક્રિયાને પોતાનાં માને છે. ‘હું તો ચેતન દ્રવ્ય છું, મારામાં ચૈતન્ય ગુણ છે અને મારામાં ક્ષણે
ક્ષણે ચૈતન્યની હાલત થાય છે–તે મારું સ્વરૂપ છે, એ સિવાય જે રાગાદિ ભાવો થાય છે તે મારું ખરું સ્વરૂપ
નથી, ને જડની ક્રિયા તો મારામાં કદી નથી’ –એમ જે અરિહંત જેવા પોતાના આત્માને મનથી બરાબર જાણી લે
છે તે જીવ આત્મસ્વભાવના આંગણે આવ્યો છે. અહીં તો, જે સ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં
જરૂર પ્રવેશ કરે છે–એવી જ શૈલિ છે. આત્માના સ્વભાવની નિર્વિકલ્પ પ્રતીતિ ને અનુભવ તે સમ્યક્ત્વ છે, તે
અપૂર્વ ધર્મ છે.