Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૩:
સ્વભાવની રુચિપૂર્વક અનંતો પુરુષાર્થ માગે છે. આ સમજવા માટે ધીરજથી અભ્યાસ કરવો જોઈએ.
(૨૫) પહેલાંં અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તે જીવ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે, અને પછી
અંતરમાં પોતાના અભેદ સ્વભાવ તરફ વળીને આત્માને જાણતાં તેનો મોહ ક્ષય થઈ જાય છે. ‘હું અંદર ઢળું છું
માટે હમણાં કાર્ય પ્રગટ થશે’ એવા વિકલ્પ પણ છોડીને ક્રમે ક્રમે સહજ સ્વભાવમાં ઢળતો જાય છે, ત્યાં મોહ
નિરાશ્રય થઈને નાશ પામી જાય છે.
(૨૬) આ ૮૦ મી ગાથામાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય દેવે સમ્યગ્દર્શનનો અપૂર્વ ઉપાય બતાવ્યો છે. જે
આત્મા અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તેને પોતાના આત્માની ખબર પડે કે હું પણ અરિહંતની
જાતનો છું, અરિહંતોની પંક્તિમાં બેસું તેવો મારો સ્વભાવ છે. એમ નક્કી કર્યા પછી પર્યાયમાં જે કચાશ છે તે
ટાળીને અરિહંત જેવી પૂર્ણતા કરવા માટે પોતાના આત્મસ્વભાવમાં જ એકાગ્ર થવાનું રહ્યું. એટલે તે જીવ
પોતાના આત્મા તરફ વળવાની ક્રિયા કરે છે ને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. તે સમ્યગ્દર્શન માટેની ક્રિયાનું આ
વર્ણન છે. આ ધર્મની પહેલામાં પહેલી ક્રિયા છે. નાનામાં નાનો જૈન ધર્મી એટલે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ થવાની
આ વાત છે. આ સમજ્યા વગર કોઈ જીવને છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની મુનિદશા, કે પાંચમા ગુણસ્થાનની
શ્રાવકદશા હોય જ નહિ; તેમ જ પંચ મહાવ્રત, વ્રત, પડિમા, ત્યાગ કાંઈ પણ સાચું હોય નહિ. મુનિ કે શ્રાવક
થયા પહેલાંના સમ્યગ્દર્શન ધર્મની આ વાત છે. વસ્તુ સ્વરૂપ શું છે તે સમજ્યા વગર ઉતાવળા થઈને બાહ્ય
ત્યાગ કરવા માંડે તેથી કાંઈ ધર્મ થાય નહિ. ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હતું, તેમને અબજો વર્ષો સુધી
રાજપાટમાં રહેવા છતાં આવી દશા હતી. જેણે આત્મસ્વભાવનું ભાન કર્યું તેને તે ભાન સદાય રહ્યા કરે છે,
ખાતાં–પીતાં ક્યારેય આત્માનું ભાન ભૂલાય નહિ ને સદાય આવું ભાન રહ્યા કરે–એ જ સદાય કરવાનું છે. આવું
ભાન થયા પછી તે ગોખવું ન પડે. જેમ હજારો માણસોના ઢેઢીયા મેળામાં વાણીયો જઈ ચડે ને હજારો ઢેઢની
વચમાં ઊભો હોય તો પણ ‘હું વાણીયો છું’ એ વાત તે ભૂલે નહિ, તેમ ધર્મી જીવ ઢેઢીયા મેળાની જેમ અનેક
પ્રકારના રાજપાટ, વેપારધંધા વગેરે સંયોગમાં ઊભેલા દેખાય ને પુણ્ય–પાપ થતા હોય છતાં ક્યારે ય ઊંઘમાં
પણ ચૈતન્યનું ભાન ભૂલતા નથી. પાથરણું પાથરીને બેસે ત્યારે ધર્મ થાય–એમ નથી, પણ આ સમ્યગ્દર્શનરૂપ
ધર્મ ચોવીશે કલાક રહ્યા કરે છે.
(૨૭) આ વાત અંતરમાં પકડવા જેવી છે. રુચિપૂર્વક ધીમાશથી પરિચય કરે તો આ વાત પકડાય તેમ
છે, પોતાની માનેલી બધી પક્કડ મૂકીને સત્સમાગમે પરિચય કર્યા વગર ઉતાવળથી આ વાત પકડાય તેમ નથી.
પહેલાંં સત્સમાગમે શ્રવણ, ગ્રહણ ને ધારણા કરીને, શાંતિથી અંતરમાં વિચારવું જોઈએ. આ તો એકલા અંતરના
વિચારનું કાર્ય છે. પણ સત્સમાગમે શ્રવણ–ગ્રહણ ને ધારણા જ ન કરે તો પછી વિચારીને અંતરમાં અપૂર્વ હોંશથી
આત્માની દરકારપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. પૈસામાં સુખ નથી છતાં પૈસા મળવાની વાત કેવી હોંશથી
સાંભળે છે! આ તો આત્માની મુક્તિ મળે તેવી વાત છે, તે સમજવા માટે અંતરમાં હોંશ અને ઉત્સાહ જોઈએ.
આ જ કરવા જેવું છે.
(૨૮) પહેલાંં સ્વભાવ તરફ ઢળવાની વાત કરી ત્યારે આત્માને ઝૂરતા હારની ઉપમા આપી હતી, અને
પછી અંતરમાં એકાગ્ર થઈને અનુભવ કર્યો ત્યારે અકંપ પ્રકાશવાળા મણિની ઉપમા આપી છે. ‘એ રીતે મણિની
જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એવા તે (ચિન્માત્રભાવને પામેલા) જીવને મોહાંધકાર
નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે’ જેમ મણિનો પ્રકાશ પવનથી હાલતો નથી તેમ અહીં આત્માને
એવી અડગ શ્રદ્ધા થઈ કે આત્માની શ્રદ્ધામાં કદી ડગે નહિ. જીવ જ્યાં આત્માની નિશ્ચલ પ્રતીતિમાં ટક્યો ત્યાં
મિથ્યાત્વ ક્યાં રહે? જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થયો ત્યાં તેને મિથ્યાત્વકર્મના ઉદયમાં જોડાણ ન રહ્યું તેથી
તે મિથ્યાત્વકર્મનો જરૂર ક્ષય જઈ જાય છે. આમાં ક્ષાયિક સમ્યગ્દર્શન જેવી વાત છે. પંચમ આરાના મુનિ
પંચમઆરાના જીવોને માટે વાત કરે છે, છતાં મોહના ક્ષયની જ વાત કરી છે. ક્ષયોપશમ સમ્યક્ત્વ પણ
અપ્રતિહતપણે ક્ષયિક જ થાય–એવી વાત લીધી છે. અને પછી ક્રમે ક્રમે અકંપપણે આગળ વધીને તે જીવ
ચારિત્રદશા પ્રગટ કરી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે.
આત્મધર્મના દરેક ગ્રાહક ભાઈ – બહેનો એકેક નવો ગ્રાહક બનાવીને ધર્મની પ્રભાવના કરો.