Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૫:
[શ્રી પ્રવચનસાર ગાથા ૬૦ ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો સાર
૨૪૭૪, માગશર વદ ૧૩] (ગતાંકથી ચાલુ)
પામવાનો છે. આગળ ઉપર જે જીવ આવી શ્રદ્ધા કરશે તે દુરભવ્ય છે. અહીં તો વર્તમાનમાં
ધર્માત્માસંતના શ્રીમુખેથી સાંભળ્‌યું કે તરત જ પ્રસન્ન થઈને સ્વીકાર કરી લે–એવા નિકટભવ્ય જીવની વાત જ
કુંદકુંદાચાર્યદેવે લીધી છે, વર્તમાનમાં જ સાક્ષાત્ શ્રવણ કરીને જે નથી સ્વીકારતો તેવા જીવની વાત લીધી નથી.
કોઈ જીવ ચૈતન્યસ્વભાવની વાત સાંભળીને એમ કહે કે, આ વાત સારી છે પણ હું પછી સમજીશ,
અત્યારે નહિ. તો તે જીવની વાત ખોટી છે. ખરેખર તેણે ચૈતન્યના પારમાર્થિક સુખને સ્વીકાર્યું નથી. જો
ચૈતન્યના પારમાર્થિક સુખની વાત તને સારી લાગી હોય તો હોંશથી અત્યારે જ તેનો સ્વીકાર કર, તેમાં એક
સમય માત્રની મુદત ન હોય. વાત સારી છે પણ અત્યારે માનવી નથી–એમ જે કહે છે તેની વાત ખોટી છે, તેને
ચૈતન્યના સુખ કરતાં બીજું કાંઈક સારું લાગ્યું છે તેથી તે ચૈતન્યની શ્રદ્ધા કરવા માટે મુદત મારે છે. જો
કેવળીભગવાનના આત્માનું પારમાર્થિક સુખ ખરેખર રુચ્ચું હોય તો વર્તમાન જ ઉત્સાહપૂર્વક તેનો હકાર આવે,
અત્યારે જ તેવા પૂર્ણ પારમાર્થિક સુખની પ્રાપ્તિ કરું–એવી ભાવના હોય પણ તને આત્માના પારમાર્થિક સુખની
રુચિ જ નથી તેથી તેનો નકાર આવે છે. તને વિષયોમાં સુખબુદ્ધિ છે.
પોતે એક જ ભવ કરીને મુક્તિ પામવાના છે તેથી શ્રી આચાર્યભગવાન પોતાના ઉગ્ર પુરુષાર્થથી
કેવળજ્ઞાનીના પારમાર્થિક સુખનું પ્રતિપાદન કરે છે, જે જીવ તે સાંભળીને આનંદથી હા પાડે છે તે જીવ પણ
આસન્નભવ્ય છે; તેને આત્માનો કેવળજ્ઞાન સ્વભાવ રુચ્યો છે, તે પણ અલ્પકાળમાં પૂર્ણ રાગરહિત થઈને પૂર્ણ
સુખી થવાના છે. જેમ એક સાથે છ બળદને ચક્કરમાં ફેરવે, તેમાં પહેલાંં બે બળદને નાનું ચક્કર ફરવાનું હોય,
પછીના બેને જરાક મોટું ચક્કર હોય અને ત્રીજા બેને તેનાથી જરાક વધારે હોય, પરંતુ તે બધાય ફરીને ચક્કર
પૂરું જ કરવાના છે, તેમ જે જીવો આત્માના પારમાર્થિક સ્વભાવની હોંશ–રુચિ ને શ્રદ્ધા કરે છે તે બધાય જીવો
સંસારચક્ર પૂરું કરવાના છે. કુંદકુંદભગવાન જ્ઞાન અને સુખ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવની વાત કરે છે અને તેનો જે
હકાર કરીને સ્વીકાર કરે છે તે બધાય જીવો મુક્તિ જ પામવાના છે, કુંદકુંદભગવાન જેવા એક ભવે, કોઈ બે ભવે
ને કોઈ ત્રણ ભવે. સ્વભાવનો આદર કરનાર બધાય જીવો નિકટભવ્ય છે. હા પાડનારા જીવોને સાથે રાખીને
નિમિત્ત ઉપાદાનને ભેગાં જ રાખ્યા છે.
(અનુસંધાન પાન ૨૩ થી ચાલુ)
થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી કાર્યે કાર્યે પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો અને પ્રસંગે પ્રસંગે
તીક્ષ્ણ–ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા. અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય
તો તે સ્વીકારવો. પણ કોઈ પદાર્થને વિષે તેનાથી વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી.”
ઉપર કહ્યા પ્રમાણે જીવ જો સત્પુરુષને ઉપાસે તો અવશ્ય તેને સતની રુચિ વિશેષ વધીને ખૂણેખાંચરે
રહેલા દોષ નષ્ટ થઈ જાય, ને બ્રહ્મ–સ્વરૂપનું પરમાનંદમય જીવન તેને પ્રાપ્ત થાય.
ખરેખર જે જીવોએ સત્પુરુષોના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું છે તેમણે પોતાનું જીવન ઉજ્જવળ કર્યું
છે, તેમજ માત–પિતાને, કુળને ઉજ્જવળ કર્યું છે. આત્માર્થી જીવે, સત્સંગની આરાધનાએ, આત્મામાં અખંડ વૃત્તિ
રહેવાનો અર્થે બ્રહ્મચર્યને પ્રાપ્ત ને શુદ્ધતા તરફ વળો, તેમાં વિશેષ આગળ વધો, અને તેનાથી સર્વ દોષોને છેદીને
પૂર્ણ ધ્યેયને પ્રાપ્ત કરો, આત્મિક વિષયથી ઉત્પન્ન એવા પરમ આનંદને પામો!
છેવટે સંતોની પરમ કૃપાથી જે જે ભાઈઓ–બહેનોએ જેવી પવિત્ર વૈરાગ્ય ભાવનાપૂર્વક બ્રહ્મચર્ય
અંગીકાર કર્યું છે તેવો વૈરાગ્ય તેમના જીવનમાં સદાય જાગૃત રહો, તેમાં દિન–પ્રતિદિન વૃદ્ધિપૂર્વક નિર્વિઘ્નપણે
તત્ત્વજ્ઞાનમાં આગળ વધીને આત્મહિત સાધો, જીવનના ધ્યેયને પામો ને એ રીતે શ્રી જિનશાસનને તથા સદ્ગુરુ
માહાત્મ્યને દીપાવો! સત્પુરુષોના ચરણ સમીપે જેનું જીવન છે તેનું જીવન ધન્ય છે.