Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 37

background image
: ૨૮: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
સાચું બ્રહ્મચર્ય જીવન કોણ જીવી શકે?

બ્રહ્મચારી એટલે શું?
બ્રહ્મચારી એટલે આત્માનો રંગી અને વિષયોનો ત્યાગી.
વિષયોનો ત્યાગી કોણ થઈ શકે?
જે વિષયોમાં સુખ ન માનતો હોય તે.
વિષયોમાં સુખ કોણ ન માને?
જેને વિષયોથી રહિત આત્માના સુખનું ભાન અને રુચિ થઈ હોય તે.
જેમ એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ નથી તેમ પાંચ ઈન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી; એમ
જાણીને સવ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે અને સર્વ વિષયોરહિત અસંગી આત્મસ્વભાવની રુચિ થાય તે જ જીવ વાસ્તવિક
બ્રહ્મચર્ય જીવન જીવે છે. એટલે ખરેખર જેટલો જેટલો આત્મિક સુખનો અનુભવ છે તેટલે તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે.
બીજી રીતે કહીએ તો બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે ચર્ચા (–પરિણમન) હોય તેટલું બ્રહ્મચર્યજીવન છે. અને જેટલી
બ્રહ્મામાં ચર્યા હોય છે તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે ને બાહ્યમાં પણ તે તે પ્રકારના વિષયોનો સંગ હોતો નથી.
શ્રી આત્મઅવલોકનમાં શીલની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે– ‘પોતાના ચેતનસ્વભાવને શીલ કહે છે. તે
પોતાના સ્વભાવની અન્ય પરભાવરૂપ નારી પ્રત્યે વિરક્તતા (અર્થાત્ તેનો ત્યાગ) અને પોતાના સ્વભાવમાં
સ્થિરતા તે જ શીલપાલન છે.’
–પણ જે જીવ પરવિષયોથી કે પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહિ; કેમકે
તેને વિષયોના સંગની રુચિ પડી છે. પછી ભલે તે જીવ શુભરાગ વડે કદાચ સ્ત્રીસંગ કે પુરુષસંગ ન કરતો હોય,
પણ અમુક શબ્દથી કે મૂર્તિ વગેરે અમુક રૂપથી ઈત્યાદિ કોઈ પણ વિષયથી મને સુખ થાય કે તેના નિમિત્તથી મને
જ્ઞાન થાય એવી જેની દ્રષ્ટિ છે તેને પરવિષયોની રુચિ જ છે અને તેથી તેને વાસ્તવિક બ્રહ્મચર્ય હોતું જ નથી.
આથી, તત્ત્વજ્ઞાનને અને બ્રહ્મચર્યને મેળ સિદ્ધ થયો; કેમકે જે જીવને તત્ત્વજ્ઞાન હોય–આત્માની રુચિ હોય
તે જીવ કદી કોઈ પણ પરવિષયમાં સુખ માને નહિ, એટલે રુચિમાં–શ્રદ્ધામાં–દ્રષ્ટિમાં તો તેણે પોતાના આત્મ
સ્વભાવનો સંગ કરીને સર્વ પર વિષયો નો સંગ છોડી દીધો છે, તેથી તે જીવ રુચિ–શ્રદ્ધાથી તો બ્રહ્મચર્ય જીવન
જ જીવે છે. અને પછી સ્વભાવની રુચિના જોરે તે સ્વભાવમાં લીનતા કરતાં જેમ જેમ રાગાદિ પરપરિણતિ
ટળતી જાય છે તેમ તેમ તેના નિમિત્તભૂત બાહ્ય વિષયો પણ સ્વયમેવ છૂટતા જાય છે, ને એ ક્રમથી આત્મિક
બ્રહ્મચર્ય જીવનમાં આગળ વધતાં તે જીવ પોતે પૂર્ણ બ્રહ્મસ્વરૂપ પરમાત્મા થઈ જાય છે.
શરીરના સ્પર્શમાં જેને સુખની માન્યતા ટળી ગઈ હોય તે જ તેનાથી વિરક્ત થઈને બ્રહ્મચર્ય જીવન જીવી
શકે. હવે જેને શરીરના સ્પર્શ–વિષયમાંથી સુખબુદ્ધિ ટળી ગઈ હોય તે જીવને શબ્દ, રૂપ, રસ, ગંધ કે વર્ણ વગેરે
વિષયોમાંથી પણ સુખબુદ્ધિ અવશ્ય ટળી ગઈ હોય. એક પણ ઈન્દ્રિયમાંથી જેને ખરેખર સુખબુદ્ધિ ટળે તેને પાંચે
ઈન્દ્રિયમાંથી સુખબુદ્ધિ ટળે. હવે પાંચે ઈન્દ્રિય–વિષયોમાંથી સુખબુદ્ધિ તેને જ ટળે કે જેણે સત્પુરુષના ઉપદેશના
શ્રવણપૂર્વક, પાંચ ઈન્દ્રિયોના વિષયોથી પાર અતીન્દ્રિય આત્માનું સુખ લક્ષગત કર્યું હોય અને અંતરમાં તેની
રુચિ થઈ હોય; એવો જીવ જ યથાર્થપણે ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને બ્રહ્મચર્ય જીવન જીવી શકે.
આત્માના લક્ષ વગર સ્પર્શેન્દ્રિયના વિષયને છોડીને કોઈ જીવ શારીરિક બ્રહ્મચર્ય તો પાળે પણ
કડવાશમાં દુઃખ અને લાડવા ખાવામાં આનંદ–સુખ માને તો તેણે ‘રસ’ સાથે વિષય કર્યો છે એટલે તેનું ખરેખર
બ્રહ્મચારીજીવન નથી પણ વિષયી જીવન છે.
તેવી રીતે, દુર્ગધમાં દુઃખ અને સુગંધમાં સુખ માને તો તેણે ‘ગંધ’ સાથે વિષય કર્યો છે.
તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મુર્તિ વગેરેના કારણે
વીતરાગતા થવાનું માને, અગર તે રૂપને લીધે જ્ઞાન થયું એમ માને તો તેણે ‘રૂપ (વર્ણ)’ સાથે વિષય કર્યો છે.
વળી, નિંદા વગેરેના શબ્દો દ્વેષ કરાવે અને પ્રશંસાના શબ્દો રાગ કરાવે અથવા દેવ–ગુરુની વાણીથી મને
જ્ઞાન થાય–એ જેણે માન્યું છે તેણે ‘શબ્દ’ સાથે વિષય કર્યો છે.