Atmadharma magazine - Ank 065
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૯૯ :
શ્રદ્ધા અપેક્ષાએ બ્રહ્મચારી છે. પહેલાંં પર સંયોગ અને વિકાર સાથે આત્માની એકતા માનીને તેમાં જોડાતો તે
મૈથુન સેવન હતું. હવે જ્ઞાન અને આત્મામાં એકપણાની શ્રદ્ધા કરીને વિકાર અને સંયોગોથી જુદાપણું જાણ્યું
એટલે તેણે આત્મા સાથે એકતા કરીને પર સાથેની એકતારૂપ જોડાણ તોડયું, તે પરમાર્થે બ્રહ્મચારી છે.
સ્વભાવની નિ:શંકતામાં આવતો અપરિગ્રહ ધર્મ
હું જ્ઞાનમાત્ર છું, એ સિવાય પરનો એક અંશ પણ મારો નથી–એમ માનનાર જીવ ખરેખર અપરિગ્રહી છે.
તેને બહારમાં ચક્રવર્તી રાજનો સંયોગ હોવા છતાં અંતરના અભિપ્રાયમાં એક અંશને પણ પોતાનું માનતા નથી,
જ્ઞાન સ્વભાવ સિવાય બીજે ક્યાંય અંશમાત્ર એકતા માનતા નથી, તેથી જ્ઞાનીઓ તેને નિષ્પરિગ્રહી કહે છે. અને
જેને આત્મસ્વભાવમાં એકતા પ્રગટ કરી નથી ને બહારના પદાર્થોમાં અંશ માત્ર એકતા છે તે જીવ બાહ્યમાં
ત્યાગી હોય તો પણ અનંત પરિગ્રહી છે.
ઉત્તમ ક્ષમા ધર્મ
ઉત્તમ ક્ષમા વગેરે દસધર્મો અનાદિના છે. તેમાં આજે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ છે. હું ત્રિકાળ અશરીરી
નિર્વિકારી તત્ત્વ છું, જ્ઞાન સાથે અભેદ છું–એવી રુચિ અને પ્રતીત કરવી તે મહાનક્ષમા છે. કોઈ આવીને ગાળ દે
કે મારે ત્યારે ક્રોધ ન કરવો,–તે તો શુભરાગ છે, એવી ક્ષમાની અહીં વાત નથી. આત્માને વિકારવાળો ને શરીર
વાળો માને તેણે આત્માના સ્વભાવ ઉપર અનંત ક્રોધ કર્યો છે; અને જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ આત્માને માને
તેણે પોતાના આત્મા ઉપર ઉત્તમ ક્ષમા કરી છે.
નિ:શંકતાનું ફળ કેવળજ્ઞાન, અને શંકાનું ફળ અનંત સંસાર
જેણે આત્મા અને જ્ઞાનમાં જરા ય જુદાપણું માન્યું છે તે જીવ જ્ઞાનથી જુદો ને જુદો રહેશે એટલે વિકારમાં
એકતા કરી કરીને તે અનંત સંસારમાં રખડશે; તે પોતાના જ્ઞાનને આત્મામાં અભેદ કરશે નહિ. અને જેણે આત્મા
અને જ્ઞાનની સંપૂર્ણ એકતા માની છે તે જીવ પર્યાયે પર્યાયે આત્મામાં જ્ઞાનની એકતા કરે છે ને વિકારથી જુદો જ
રહે છે. તે જીવ અલ્પકાળે જ્ઞાન અને આત્માની સંપૂર્ણ એકતા પ્રગટ કરી કેવળજ્ઞાન પામીને મુક્ત થશે.
આત્મા અને જ્ઞાનને જરા ય ભેદ નથી એવી જેને નિઃશંકદ્રષ્ટિ થઈ છે તે જીવ કોઈ પ્રસંગે આત્માને
જ્ઞાનથી જુદો માનતો નથી એટલે આત્મસ્વભાવનો આશ્રય કદી છોડતો નથી, ને વિકાર સાથે જ્ઞાનની એકતા
કદી માનતો નથી; તે કોઈ સમયે આત્માને વિકારવાળો માનતો નથી. તેથી તે જીવનું જ્ઞાન ક્ષણે ક્ષણે
આત્મસ્વભાવ સાથે જોડાતું જાય છે ને વિકારથી છૂટતું જાય છે એટલે તેને સમયે સમયે જ્ઞાન અને
વીતરાગતાની વૃદ્ધિ થતી જાય છે. આનું નામ સાધકદશા છે. અજ્ઞાની એમ માને છે કે વાણીના કારણે જ્ઞાન થાય
છે. એટલે તેણે આત્મા સાથે જ્ઞાનની એકતા ન માની, જ્ઞાનને આત્મા સાથે ન જોડયું પણ પર દ્રવ્ય સાથે એકતા
માનીને વિકાર સાથે જ્ઞાનને જોડયું, તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવનો ખૂની–આત્મઘાતકી છે. તેણે જ્ઞાનને
આત્માથી જુદું માન્યું હોવાથી તેના આત્માને જ્ઞાનથી અત્યંત જુદાઈ (એટલે કે એકેન્દ્રિય દશા) થઈ જશે.
જ્ઞાનને અને આત્માને જ એકતા છે એટલે જ્ઞાન આત્માના આશ્રયે જ સ્વ–પરને જાણનાર છે, રાગાદિનું કર્તા
નથી, –એમાં જે જીવ જરા ય શંકા કરતો નથી તે જીવના જ્ઞાનને આત્માથી જરા ય જુદાઈ રહેશે નહિ ને
વિકારનો જરા ય સંબંધ રહેશે નહિ એટલે કે તેનું જ્ઞાન આત્માના આશ્રયે જ પરિપૂર્ણપણે પરિણમીને કેવળજ્ઞાન
પ્રગટ થશે ને વિકારનો સર્વથા અભાવ થશે. આચાર્ય ભગવાન કહે છે કે આત્માને અને જ્ઞાનને જુદાઈ હશે એવી
જરા પણ શંકા કરવી નહિ. આવી આત્મસ્વભાવની નિઃશંકતા ને
રુચિરૂપી તારદ્વારા આ વાત આત્મામાં ઝટ ઊતરી જાય છે.
અહો, જ્ઞાનની પરિપૂર્ણતા સ્વતંત્રતાની આ વાત છે. જેને ચૈતન્ય સ્વભાવની રુચિ નથી તેને
આ વાત બેસતી નથી. પણ–જેમ મોટા મકાન ઉપર તાંબાનો એવો તાર ગોઠવે છે કે ઉપરથી વીજળી
પડે તો મકાનને નુકસાન કર્યા વગર તે તાર દ્વારા સીધી જમીનમાં ઊતરી જાય. તેમ જેણે ચૈતન્યની
રુચિરૂપ તાર આત્મા સાથે જોડ્યો છે તેને ચૈતન્યની સ્વાધીનતાની આ વાત રુચિદ્વારા આત્મામાં
ઝટ ઊતરી જાય છે; સ્વ–પરનું ભેદજ્ઞાન થતાં વસ્તુની સ્વતંત્રતાને જરાય નુકસાન કર્યા વગર તેનું
જ્ઞાન ચૈતન્ય તરફ વળી જાય છે.
સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનમાંથી