: ૧૦૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
મોક્ષનો માર્ગ છે.
બસ! જાણવું તે જ આત્મા છે એટલે અંતર સ્વભાવમાં વળીને સ્વમાં અભેદ થયું તે જ્ઞાન જ આત્મા છે.
આમ નિઃશંક શ્રદ્ધા થઈ ત્યાં જ વિકારથી છૂટું પડીને જ્ઞાન સ્વ તરફ વળ્યું–ભેદજ્ઞાન થયું, એટલે હવે પર્યાયે
પર્યાયે જ્ઞાન અને આત્માની અભેદતા વધતાં વધતાં અને રાગ ટળતાં ટળતાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે.
આત્મા પરનું કાંઈ કાર્ય કરે અથવા પર વસ્તુ આત્માનું કાંઈ કાર્ય કરે–એમ માનવું તે અજ્ઞાન છે, અધર્મ
છે. તેમ જ જેવા સંયોગો આવે તેવું જ્ઞાન થાય એટલે કે જ્ઞાન તો સંયોગોના આધારે થાય છે–એમ જે માને છે
તેણે ખરેખર આત્માને અને જ્ઞાનને એક માન્યા નથી, પણ જુદા માન્યા છે, અને પરસંયોગોમાં જ્ઞાનની એકતા
માની છે; તે જીવનું જ્ઞાન ચેતનસ્વભાવ સાથેની એકતારહિત હોવાથી, ને સંયોગો સાથે એકતાના અભિપ્રાયવાળું
હોવાથી, ખરેખર અચેતન છે.
જ્ઞાનની જે અવસ્થાએ સંયોગમાં–રાગમાં એકતા કરી છે તે આત્મા નથી. કેમ કે તે અવસ્થાએ આત્માથી
જુદાપણું કલ્પ્યું છે તેથી તે અવસ્થા આત્મસ્વભાવમાં એકતા કરીને ઠરશે નહિ ને આત્મ–અનુભવના આનંદને
ભોગવી શકશે નહિ; પણ તે અવસ્થાએ પોતાનું જ્ઞાન આત્માની બહાર રખડતું મૂકયું છે તેથી બહારના લક્ષે
એકલી આકુળતાને જ ભોગવશે.
સ્વભાવની નિ:શંકતા એ જ કર્તવ્ય
પ્રશ્ન:–આમાં શું કરવાનું છે તે ટૂંકામાં સમજાવો ને?
ઉત્તર:–આત્મા જ્ઞાનસ્વરૂપી છે ને પુણ્ય–પાપ આત્માનું સ્વરૂપ નથી, એમ નિઃશંક શ્રદ્ધા કરીને જ્ઞાનસ્વભાવ
સાથે વર્તમાન પર્યાયની એકતા કરવી ને પુણ્ય–પાપથી ભેદજ્ઞાન કરવું–એ જ કરવાનું છે. જેણે જ્ઞાન અને
આત્માના જુદાપણાની જરા પણ શંકા ન કરી એટલે કે જ્ઞાનને પર સાથે કે વિકાર સાથે જરાય સંબંધ ન માન્યો તે
જીવ પોતાના જ્ઞાનસ્વભાવમાં નિઃશંક થયો નિડર થયો–ધર્મી થયો. આવો પોતાનો આત્મા છે તેની નિઃશંક શ્રદ્ધા
કરવી તે જ ધર્મનું મૂળ છે. પહેલાંં તે જીવ પોતાને સંયોગાધીન માનતો, હવે સ્વભાવ આધીન થયો. હવે ગમે તેવા
પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગો આવે તેનાથી ભિન્નતા જાણીને, સ્વભાવમાં નિઃશંક અને નિર્ભય રહીને ક્ષણે ક્ષણે
આત્માશાંતિની વૃદ્ધિપૂર્વક સમાધિ–મરણ કરીને એકાવતારી થઈ જાય,–તેના ઉપાયનું આ કથન છે.
નિ:શંકતા તે મુક્તિનો ઉપાય
ત્રિલોક પૂજ્ય શ્રી તીર્થંકર દેવો અને આત્મ અનુભવમાં ઝૂલતા સંત–મુનિવરો પોકાર કરે છે કે–હે ભવ્ય!
તારા જ્ઞાનને તારા સ્વભાવથી જરા ય જુદાપણું નથી ને તારા જ્ઞાનને અમારા સાથે જરાય એકતા નથી. તુ
અમારાથી જુદો છે, અમારો આશ્રય તને જરા પણ નથી. તારા જ્ઞાનસ્વભાવ સાથે જ તારે એકતા છે, તારા
આત્મસ્વભાવથી તું જ્ઞાનને જરા ય જુદું માનીશ તે નહિ પાલવે. જ્ઞાન અને આત્માની સર્વ પ્રકારે એકતા
માનીને, રાગથી છૂટો પડીને સ્વભાવમાં જ જ્ઞાનનું જોડાણ કર, એમાં જરા પણ શંકા ન કર.–એજ મુક્તિનો
ઉપાય છે. એમાં જરા પણ શંકા કરે ત ેની મુક્તિ થતી–નથી. ‘ભેદ વિજ્ઞાનસાર’
આત્મા સાથેનું વેરીપણું કેમ ટળે?
આચાર્ય ભગવાન કહે છે કે, હે જીવ! તું પરમાં ન જો, પરથી ગુણ પ્રગટશે એમ માનીને
તારા આત્માનો અનાદર ન કર. તારો આત્મા જ અનંત ગુણનો ભંડાર છે, તેમાં તારા જ્ઞાનની
એકતા કરીને, આત્મા સાથેના અનંતકાળના વેરીપણાને છોડ રે છોડ. તે જ સાચી ક્ષમા છે. જેણે
આત્માને અને જ્ઞાનને જુદાઈ માનીને વિકાર સાથે જરાય એકતા માની અથવા સંયોગોથી જ્ઞાન
થશે એમ માન્યું તેણે સંયોગ અને વિકાર સાથે ભાઈબંધી [એકત્વ બુદ્ધિ] કરી અને પોતાના
આત્માની સાથે વેર બાંધ્યું, વિકારનો આદર કર્યો. ને સ્વભાવનો અનાદર કરીને તેના ઉપર
અનંતો ક્રોધ કર્યો, પોતાના આત્માનો મોટો અપરાધ કર્યો. અનંતકાળનો એ મોટો અપરાધ ને
ક્રોધ ટળીને સાચી ક્ષમા કેમ પ્રગટે તેનો ઉપાય અહીં કહ્યો છે. –ભેદ વિજ્ઞાનસાર,