Atmadharma magazine - Ank 067
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૩૧ :
‘આત્માપણું’ રહેતું નથી એમ માને છે અને ઘણા એમ માને છે કે પરમાત્મામાં જ્ઞાન ન હોય. એ બધાનું
નિરાકરણ કરવા માટે અહીં સમજાવ્યું છે કે આત્મા પોતે જ પરમાત્મા છે અને તે જ્ઞાનમૂર્તિ છે. પોતાના
સ્વરૂપથી આ આત્મા પોતે જ પરમાત્મા છે.
––૧––
પહેલા શ્લોકમ જે જ્ઞાનમૂર્તિ પરમાત્મસ્વરૂપને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ હવેના નવ શ્લોકોમાં
વિસ્તારથી વર્ણવે છે–
सोऽस्त्यात्मा सोपयोगोऽयं क्रमाद्धेतुफलावहः।
यो ग्राह्योऽग्राह्यनाद्यन्तः स्थित्युत्पत्तिव्ययात्मकः।।
२।।
સામાન્ય અર્થ:– તે આત્મા ઉપયોગસહિત છે અને તેઓ ક્રમથી હેતુ અને ફળરૂપ છે (અર્થાત આત્મા
કારણ છે અને ઉપયોગ તેનું કાર્ય છે); વળી તે ગ્રાહ્ય છે ને અગ્રાહ્ય પણ છે, આદિ–અંતરહિત છે ને ઉત્પાદ–વ્યય–
ધ્રુવ સહિત પણ છે.
ભાવાર્થ:– પહેલી ગાથામાં જે પરમાત્મસ્વરૂપને નમસ્કાર કર્યા છે તે કોઈ બીજો નથી પણ આ આત્મા જ
છે. તે આત્મા ઉપયોગસ્વરૂપ છે. આત્મદ્રવ્ય કારણરૂપ છે ને જ્ઞાનદર્શનસ્વરૂપ ઉપયોગ એ જ તેનું કાર્ય છે, એ
સિવાય અન્ય કોઈ કાર્ય આત્માનું નથી. સમ્યગ્જ્ઞાનવડે તેનું ગ્રહણ થઈ શકે છે–તે જાણી શકાય છે તેથી આત્મા
ગ્રાહ્ય છે, અને ઈન્દ્રિયો વડે કે રાગાદિરૂપ વિકલ્પો વડે તેનું ગ્રહણ થઈ શકતું નથી તેથી તે અગ્રાહ્ય છે. સ્વભાવથી
ગ્રાહ્ય અને પરભાવોથી અગ્રાહ્ય–એવા સ્યાદ્વવાદથી અહીં આત્મસ્વરૂપને પ્રકાશિત કર્યું છે. વળી તે આત્મા
પોતાના દ્રવ્યસ્વભાવથી અનાદિ અનંત છે, તેને આદિ કે અંત નથી, અને તે જ આત્મા પોતાના પર્યાય
સ્વભાવથી ઉત્પાદ–વ્યય–ધ્રુવ સહિત છે; ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલાયા કરે છે. આ રીતે નિત્યપણું અને
અનિત્યપણું એ બંને ધર્મોનું વર્ણન કરીને, અનેકાંત દ્વારા આત્મસ્વભાવ બતાવ્યો છે.
જો આત્મા, પોતાનું મૂળ સ્વરૂપ જે રીતે છે તે રીતે તેને ઓળખે તો પોતે તે સ્વરૂપને સંબોધીને તેને
જાગૃત કરે. પણ જો મૂળ સ્વરૂપને જ ન જાણે તો તે સ્વરૂપને કઈ રીતે સંબોધન કરે? સ્વરૂપ જે રીતે છે તે રીતે
ન જાણે અને વિપરીત રીતે માને તો સ્વરૂપની જાગૃતિ ન થાય. જેમ ચક્રવર્તી રાજા વગેરે મહાપુરુષોને તેમના
યોગ્ય બહુ માનપૂર્વક સંબોધન કરવામાં આવે તો જ તેઓ જવાબ આપે છે, તેમ ચૈતન્યરાજા મહામહિમાવંત છે,
તેનો મહિમા જાણીને તેના યથાર્થ બહુમાન પૂર્વક, જો તેને સંબોધવામાં આવે તો જ તે અનુભવાય છે. માટે
સ્વરૂપનો અનુભવ કરવા માટે પહેલાંં તેની બરાબર ઓળખાણ કરવી જોઈએ. તેથી અહીં આચાર્યદેવ પહેલાંં તો
દસ શ્લોક સુધી આત્મસ્વરૂપનું જ વર્ણન કરે છે, પછી તેની પ્રાપ્તિ–અનુભવ–નો ઉપાય બતાવીને તેમાં જ તન્મય
રહેવા સંબંધી શ્લોકો કહેશે. –૨–
આ પરમાત્મસ્વરૂપી આત્મા કથંચિત્ ચેતન છે અને કથંચિત્ અચેતન પણ છે–એમ હવે વર્ણવે છે:–
प्रमेयत्वादिभिर्धर्मैरचिदात्मा चिदात्मकः–
–ज्ञानदर्शनतस्तस्माच्चेतनाऽचेतनात्मकः ।।
३।।
સામાન્ય અર્થ:– એ પરમાત્મા પ્રમેયત્વ વગેરે ધર્મોની અપેક્ષાએ અચિદાત્મક છે, અને જ્ઞાન–દર્શનની
અપેક્ષાએ ચેતનાત્મક છે. ––એ રીતે આત્મા કથંચિત ચેતન–અચેતનાત્મક છે.
ભાવાર્થ:– દરેક વસ્તુનો અનેકાંતસ્વભાવ પોતાના સ્વરૂપમાં જ પ્રકાશે છે. અનેકાન્ત તો દરેક દ્રવ્યોની
સંપૂર્ણ ભિન્નતા જણાવીને ભેદજ્ઞાન કરાવનાર છે, તેને બદલે અજ્ઞાનીઓ પોતાની મિથ્યાકલ્પનાથી અનેકાન્તનું
સ્વરૂપ કલ્પીને તે અનેકાંન્તની ઓથે પોતાની સ્વ–પરની એકત્વબુદ્ધિનું પોષણ કરે છે. અહીં શ્રીઆચાર્યદેવ પરથી
ભિન્ન, એકલા સ્વતત્ત્વમાં જ અનેકાન્ત કઈ રીતે છે તેની ઓળખાણ કરાવે છે. હે જીવ! તું પર સામે ન જો, પણ
તારા જ સ્વરૂપમાં તું અનેકાન્ત શોધ. જો જીવ અનેકાન્તસ્વરૂપે પોતાને ઓળખે તો પોતાના નિત્ય શુદ્ધ ભાવનો
આદર કરીને સમ્યગ્દ્રષ્ટિ થાય.
આત્મા વસ્તુ છે, તેમાં અનંતધર્મો રહેલા છે. એક આત્મામાં જ ચેતનપણું અને અચેતનપણું એવા
પરસ્પર વિરુદ્ધ બે ધર્મો રહેલા છે, એ વાત અજ્ઞાનીને તો વિરોધરૂપ ભાસે છે, પણ અનેકાન્તરૂપ વસ્તુસ્વભાવને
જાણનાર જ્ઞાની તો પરસ્પર વિરુદ્ધ બે ધર્મો વડે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ શ્લોક આત્મામાં જ ચેતનપણું ને
અચેતનપણું કઈ રીતે છે તેનું વર્ણન, કર્યું છે.
એક આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, અસ્તિત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ વગેરે અનંત ધર્મો છે; તેમાં જ્ઞાનદર્શન
સ્વપરને પ્રકાશનારા છે–જ્ઞાનદર્શન સ્વ–પરને ચેતે છે––જાણે દેખે છે તેથી તેઓ (–જ્ઞાન–દર્શન) ચેતનરૂપ ધર્મો છે