Atmadharma magazine - Ank 067
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
[શ્રી આચાર્યદેવે આ સ્વરૂપસંબોધન પચીસીમાં ગૂઢ અધ્યાત્મતત્ત્વ ભરી દીધું છે, અને તેમાં સ્યાદ્વાદ
શૈલીને ખૂબ મલાવીને આમતત્ત્વનું વર્ણન કર્યું છે; આમાં કરેલ આત્મતત્ત્વનું વર્ણન ખાસ સમજવા યોગ્ય છે.
માત્ર પચીચ શ્લોકોના આ નાનકડા ગ્રંથમાં નીચેના વિષયો સુંદર રીતે વર્ણવ્યા છે––
પહેલા શ્લોકમાં મંગલાચરણ તરીકે આત્માનું વર્ણન કરીને તેને નમસ્કાર કર્યા છે. ત્યારપછી નવ શ્લોકો
દ્વારા આત્માનું સ્વરૂપ સ્યાદ્વાદદ્રષ્ટિથી ઘણી સુંદર રીતે વર્ણવ્યું છે. પછી એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઉપાયનું
વર્ણન ૧૧ થી ૧પ સુધીના પાંચ શ્લોકોમાં કર્યું છે. ત્યાર પછીના પાંચ શ્લોકોમાં આત્મચિંતવનમાં તન્મય રહેવાની
પ્રેરણા કરી છે. અને ત્યાર પછીના ચાર શ્લોકોમાં મોક્ષાર્થી જીવે શું કરવું જોઈએ તે જણાવ્યું છે, તેમાં કહ્યું છે કે–
પરમાનંદમય આત્મસુખ આત્માધીન હોવાથી સુલભ છે માટે મોક્ષાર્થીઓએ આત્મધ્યાનથી ઉત્પન્ન એવા
પરમાનંદપદને પ્રાપ્ત કરવું જોઈએ. છેવટે પચીસમા શ્લોકમાં ઉપસંહાર કરતાં આ ગ્રંથનો મહિમા જણાવ્યો છે કે આ
સ્વરૂપ–સંબોધન પચીસીમાં વર્ણવેલા આત્મતત્ત્વની જે ભાવના કરશે તે પરમાર્થ સંપત્તિ (મોક્ષ દશા) પ્રાપ્ત કરશે.
–મુમુક્ષુઓ આ સ્વરૂપ–સંબોધન પચીસીમાં વર્ણવેલા આત્મતત્ત્વને ઓળખીને પોતે પણ સ્વરૂપનું
સંબોધન કરો.]
× × ×
મંગલાચરણ
(અનુષ્ટુપ)
मुक्ताऽमुक्तैकरूपो यः कर्मभिः संविदादिना ।
अदयं परमात्मानं ज्ञानमूर्ति नमामि तम् ।।
१।।
સામાન્ય અર્થ:– જે પોતાના જ્ઞાનાદિ ગુણોથી અમુક્ત છે અને કર્મોથી મુક્ત છે તથા જે એકરૂપ અક્ષય છે
એવા જ્ઞાનમૂર્તિ પરમાત્માને હું નમસ્કાર કરું છું.
ભાવાર્થ:– શ્રી આચાર્યદેવે મંગલાચરણ તરીકે આત્મસ્વરૂપને જ નમસ્કાર કર્યા છે. આત્મા પોતાના જ્ઞાન,
સુખ વગેરે ગુણોથી કદી છૂટતો નથી તેથી તે પોતાના ગુણોથી અમુક્ત સ્વરૂપી છે; અને આત્મસ્વભાવ શરીરાદિ
નોકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા રાગદ્વેષાદિક ભાવકર્મોથી સદાય જુદો છે તેથી તે મુક્ત–સ્વરૂપી છે. એ રીતે
આત્મા કથંચિત્ મુક્ત–અમુક્ત સ્વરૂપી છે; આમ કહીને આચાર્યદેવે સ્યાદ્વાદ સિદ્ધ કર્યો છે. વળી તે આત્મસ્વરૂપ
સદાય એકરૂપ છે, તેનો કદી નાશ નથી તેથી તે અક્ષય છે. પોતે બીજા બધાથી જુદો છે અને પોતાથી એકમેક છે
તેથી એક છે. પોતે પોતાથી જ પરિપૂર્ણ છે, આત્મસ્વભાવથી ઊંચું બીજું કાંઈ નથી તેથી તે જ પરમાત્મા છે; તે
સદાય જ્ઞાનની મૂર્તિ છે. આવા પોતાના આત્મસ્વરૂપને ઓળખીને તેને નમસ્કાર કર્યા છે.
આ ગ્રંથનું નામ ‘સ્વરૂપ–સંબોધન’ છે. સ્વરૂપ સંબોધન એટલે સ્વરૂપની જાગૃતિ કરવી તે. પોતાનું શુદ્ધ
આત્મસ્વરૂપ જેવું છે તેવું જાણવું અને તે તરફની જાગૃતિ કરવી તેનું નામ જ સ્વરૂપનું સંબોધન છે. તે માટે
સૌથી પહેલાંં ‘સ્વરૂપ’ શું છે તેનો સમ્યક્બોધ કરવો જોઈએ. સ્વરૂપનો બોધ કરાવવા માટે પહેલી જ ગાથામાં
તેનું વર્ણન કરીને તેને નમસ્કાર કર્યા છે.
જેવું પોતાનું સ્વરૂપ છે તેવું તેને જાણીને, પછી વારંવાર તેનું સંબોધન કરવાથી–જાગૃતિ કરવાથી જે પોતાનું
સ્વરૂપ છે તે જ રહી જાય છે ને પોતાનું સ્વરૂપ નથી તે બધું છૂટી જાય છે એટલે કે આત્માની મુક્તદશા થાય છે.
ઘણા અજ્ઞાની જીવો આત્માને કર્મવાળો જ માનતા હોય છે, તેથી અહીં ‘આત્મા કર્મથી મુક્તસ્વરૂપી છે’
એમ સમજાવ્યું છે. કેટલાક જીવો આત્માને ગુણવગરનો (નિર્ગુણ) માને છે તેથી અહીં ‘આત્મા પોતાના ગુણોથી
અમુક્ત સ્વરૂપ છે’ એમ સમજાવ્યું છે. આત્મા પોતાના ગુણોથી કદી છૂટયો નથી તેથી પોતાની નિર્મળદશા પ્રગટ
કરવા માટે કોઈ બહારનો આશ્રય નથી પણ પોતાના ગુણોને ઓળખીને તેનો આશ્રય કરવાથી નિર્મળદશા પ્રગટ
થાય છે. કેટલાક જીવો આત્માને ક્ષણિક જ માને છે તેથી અહીં ‘આત્મસ્વરૂપ અક્ષય છે’ એમ સમજાવ્યું છે.
કેટલાક જીવો આત્મા અને પરમાત્મા જુદા છે એમ માને છે તથા પરમાત્મદશા થાય એટલે