: ૧૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
[અનુસંધાન પાન ૧ર૪ થી ચાલુ]
પરમાત્મા તે અરિહંત ને સિદ્ધ છે; ‘નમો અરિહંતાણાં ને નમો સિદ્ધાણં’ –એમાં તેમને નમસ્કાર કર્યા છે. તે
નમસ્કાર કરનારે એટલું જાણવું જોઈએ કે મારે અરિહંત ને સિદ્ધ પરમાત્મા જેવો આત્મા જોઈએ છે, ભગવાને જે
રાગ–દેષ ટાળ્યા તે મારે જોતા નથી, તે મારું સ્વરૂપ નથી.
આ વાત હવે સમજવા જેવી છે. જે કાળ ગયો તે તો ગયો, પણ હવે આ સમજવા જેવું છે. એક સેકંડ પણ
આ વાત સમજે તેને જન્મ–મરણ ટળીને મોક્ષ થયા વિના રહે નહિ. સુખ ક્યાં છે ને તેનો ઉપાય શું છે? તેના
જ્ઞાન વગર અનાદિથી જીવ રખડી રહ્યો છે.
જીવ અનંતકાળથી બહારમાં સુખ માનીને ભમે છે, પણ પોતામાં સુખ છે તેનો ભરોસો આવતો નથી.
જેમ હરણિયાને પોતાની ડૂંટીમાં જ કસ્તુરી છે તેનો વિશ્વાસ આવતો નથી તેમ આત્મામાં જ સુખ છે પણ
અજ્ઞાનીને તેનો ભરોસો બેસતો નથી. એ ભરોસા વગરના ક્રિયાકાંડ તે બધા રણમાં પોક છે. સર્વજ્ઞ ભગવાને
ધર્મની રીત અંતરમાં કીધી છે. હે ભાઈ! તારામાં સુખ છે. તું અજ્ઞાન કાઢી નાંખ તો તારામાંથી જ જ્ઞાન ને શાંતિ
પ્રગટે છે. નવું જ્ઞાન થાય છે, પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી ભણે ત્યાં વધે છે, તો તે વધારાનું જ્ઞાન ક્યાંથી
આવ્યું? શું પુસ્તકમાંથી આવ્યું? ગુરુમાંથી આવ્યું? તે ક્યાંયથી આવ્યું નથી પણ આત્મા પોતે જ્ઞાનથી ભરેલો છે
તેમાંથી જ આવ્યું છે.
જેમ સાકરનો ગાંગડો બધે ઠેકાણે ગળપણથી જ ભરેલો છે. તેમાં ક્યાંય ખારાશ નથી, તેમ આત્મામાં
જ્ઞાન ભર્યું છે. તેનો વિશ્વાસ કરે તો કાયમી સુખ પ્રગટે. પણ અજ્ઞાની જીવ બહારના પદાર્થોમાંથી સુખ માનીને
તેનો સંયોગ મેળવવા માંગે છે, પણ તે સંયોગ તો કાયમ રહેતો નથી. ક્ષણિક પુણ્યભાવથી પરનો સંયોગ મળે છે,
તે પુણ્યમાં જ સુખ ને શાંતિ માની લ્યે તો તે અજ્ઞાન છે.
જેમ સોનાનો એક ઘાટ ન ગમે ને બીજો કરવાનો વિચાર કરે. ત્યાં નવો ઘાટ સોનામાંથી થયો છે,
સોનીમાંથી કે હથોડીમાંથી તે ઘાટ આવ્યો નથી. સોનામાં જ નવો ઘાટ થવાની તાકાત છે. તેમ આત્મામાં અજ્ઞાન
અને દુઃખરૂપ જે ઘાટ અવસ્થા છે તે ટાળીને સમ્યગ્જ્ઞાન અને સુખરૂપ ઘાટ કરવો છે, તે ઘાટ થવાની તાકાત
આત્મામાં જ ભરી છે. જો તેનો વિશ્વાસ કરે તો અજ્ઞાનનો ઘાટ ટળીને જ્ઞાનનો ઘાટ પ્રગટે છે. આત્મામાંથી જ તે
ઘાટ પ્રગટે છે. શરીરની ક્રિયાથી કે રાગથી તે ઘાટ પ્રગટતો નથી. આત્મા અનાદિ અનંત જ્ઞાન અને આનંદનું
સનાતન ધામ છે, તેનો વિશ્વાસ કરે તો ધર્મ થાય છે.
જેમ બંને ઘાટમાં સોનું તો તે જ છે, તેમ અજ્ઞાન દશામાં અને તે ટળીને જ્ઞાનદશા થઈ તેમાં પણ આત્મા
તો તેનો તે જ છે, ને પરમાત્મા થાય તેમાં પણ તે જ આત્મા છે. મુક્તિ ક્યાંય મુક્તિશીલા ઉપર નથી પણ
આત્મામાં જ મુક્તિ થાય છે. આત્માનું ભાન કરીને રાગ દ્વેષ ટાળીને પૂર્ણ જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થયાનું
નામ જ મુક્તિ છે.
ચૈતન્યને જે વિકારનો આવિર્ભાવ થાય છે તે પોતે નવો નવો ઊભો કરે છે; તેનો ત્રિકાળસ્વભાવ રાગ–
દ્વેષવાળો નથી પણ ક્ષણપૂરતી હાલતમાં રાગ–દ્વેષ થવાની યોગ્યતા છે: સ્વભાવની શ્રદ્ધા કરે તો રાગને ટાળી શકે
છે. તે માટે સત્સમાગમે અભ્યાસ કરવો જોઈએ.
ધર્મ શું ચીજ છે? તે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ શું છે તે શોધવાનો પ્રયત્ન ન કરી શક્યા તે
જીવો બહારની ક્રિયાઓમાં જ્યાં ત્યાં ધર્મ માની બેઠા છે. કોઈ પુણ્યમાં ધર્મ માની બેઠા છે, પણ પુણ્યના ફળમાં
રાજા થાય, ને પાછો પાપ કરીને નરકે જાય. સંયોગમાં સુખ નથી. પુણ્યથી સંયોગ મળે, પણ સુખ ન મળે.
એક ક્ષણ પણ ચૈતન્યની સમજણનો પ્રયત્ન કરે તો અનાદિનું અજ્ઞાન ટળી જાય. જેમ લાખ મણની ગંજી
બાળવા માટે લાખ મણ અગ્નિની જરૂર ન પડે, પણ એક જ ચિનગારી તેને બાળી નાખે, તેમ આત્માની
ઓળખાણનો પ્રયત્ન કરતાં ક્ષણમાત્રમાં અનાદિનું અજ્ઞાન ટળી જાય છે. અત્યારે ધર્મ કરે અને પછી ફળ મળશે–
એમ નથી, જે ક્ષણે ધર્મ કરે તે ક્ષણે આત્મામાં શાંતિ થાય છે. જેમ લાડવો ખાય ત્યારે જ તે મીઠો લાગે છે, તેમ
ધર્મ જ્યારે કરે ત્યારે જ તેના ફળમાં આત્મામાં શાંતિ થાય છે. ધર્મ રોકડિયો છે. ધર્મનું ફળ પછી ન મળે પણ
ત્યારે ને ત્યારે જ મળે છે.
આત્મા અનાદિ ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ છે, તે કદી મરતો નથી ને જન્મતો નથી. જેમ ચંદ્ર–સૂર્ય મરતા નથી
તેમ આત્મા પણ મરતો નથી. આત્મા સદાય છે.